________________
23
આત્મ સેતુ વ્યક્તિનો જન્મ થાય. દુનિયામાં રહેવા માટે તે જાતજાતનું શિક્ષણ મેળવે. આમ કરો” “આમ નહીં કરો” “ધ્યાન દઈ ભણો” “. તો સારું કમાઈ શકશો” “. નહીંતર દુઃખી થઈ જશો” વગેરે... ઘરમાં, સમાજમાં, શાળામાં, કોલેજમાં અનેક પ્રકારનું શિક્ષણ મેળવી એક વ્યક્તિત્વ તૈયાર થાય. આ સઘળુ શિક્ષણ વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ મેળવેલું છે. આ ઉપલબ્ધ વ્યક્તિત્વ છે. કોઈ ક્લાર્ક છે. કોઈ બીઝનેસમેન છે. કોઈ ડોક્ટર છે. કોઈ એન્જિનિયર છે. કોઈ માતા છે. કોઈ ગૃહિણી છે. પણ, વ્યક્તિત્વ વિકસાવ્યા પહેલાથી અસ્તિત્વ છે. વ્યક્તિનું “હોવાપણું” પહેલેથી છે. વ્યક્તિત્વ બદલાશે. પણ અસ્તિત્વ તો હશે જ. તે નહીં બદલાય! વ્યક્તિત્વનો આધાર વ્યક્તિનું હોવાપણું” છે. તેનું અસ્તિત્વ છે. અસ્તિત્વ જ ન હોય તો વ્યક્તિત્વ શાનું હોય? કોનું હોય?
વ્યક્તિનું “હોવાપણું” કેવું છે તે સમજવાની વાત છે. સંતતિ, સંપત્તિ, સત્તા વધારી અહં પોષી સુખી થવાના પ્રયત્નો કેટલા સફળ થાય છે? કદિક સુખ માટેના એ પ્રયત્નો સફળ થયા તેમ લાગે ત્યારે એ સફળતા કેટલો સમય ટકે છે? સત્તા, સંપત્તિ અને સંતતિના વિસ્તારથી શું મળે છે? ક્યાં સુધી ટકે છે? તેની સમજ અહંકારનું મહત્વ અને સ્થાન પણ શાનમાં સમજાવી દે એમ બની શકે. તે સમજાતા, વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ માટે જે કરવું પડે તે કરશે. પણ, અહંકારના હું કાર સાથે નહીં!
“હોવાપણા”ની પ્રતીતિ સાથે! અવ્યક્તના અણસારા સાથે.
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : ઘણી વખત એમ લાગે છે કે મેં આધ્યાત્મિક પ્રગતિ કરી છે, અને શંકા પણ થાય છે કે પ્રગતિ કરી રહ્યો છું તેનું મને ખરેખર ભાન છે કે કલ્પના જ કરૂં છું?
બહેનશ્રી : ફરીથી, નવેસરથી, સાવ નવેસરથી જુઓ કે શું છે? વૃત્તિઓનો રંગ કંઈ ફિકો પડ્યો છે? કે કલ્પનાનો રંગ ઉપરથી ચડ્યો છે? આધ્યાત્મિક પ્રગતિ કરી છે તેની શંકા કે સ્મૃતિ અત્યારે છે? ભવિષ્યની જે કલ્પના છે, તે કલ્પના છે ભવિષ્ય માટેની. પણ એ છે અત્યારે. આ ક્ષણમાં. સ્મૃતિ, કલ્પના કે ભાન સાથે આપ ઉભા છો, આ ક્ષણમાં. શું આ ક્ષણમાં પ્રગતિનો બોધ છે? શું આ ક્ષણમાં શંકાની સ્મૃતિ છે? કે આ ક્ષણમાં કલ્પનાનું સ્વપ્ન છે? કે પછી આ ક્ષણમાં કંઈ અન્ય અનુભવમાં આવે છે?