________________
મનુષ્યને જાણવો કે કેવી પ્રકૃતિનો છે. ગુણીને રજોગુણીના પ્રસંગમાં આવતાં અકળામણ થાય છે. જેમ બળવાન શત્રુ સામે રાજા લડવાની વધારે તૈયારી કરે છે તેમ તમોગુણી ને રજોગુણી મનુષ્ય સામે ખૂબ શાંતિ રાખવી. શાંતિ એ અજબ બળ છે. શાંતિ એ મહાન ગુણ છે. આખું બ્રહ્માંડ નાશ પામે પણ શાંતિ બાકી હોય તો શાંતિ સઘળું ઉત્પન્ન કરે છે. શાંતિ એટલે મનનું અખૂટ બળ, શાંતિ જે ઊંચામાં ઊંચી છે તે કયાં સુધી રાખવી ? તેનો ઉત્તર એ છે કે સર્વસ્વ નાશ પામે તોય તેની એક કણી પણ ખરવી ન જ જોઇએ. આવી શાંતિ સહજે નથી આવતી. આવી શાંતિ બહુ અભ્યાસનું મૂળ છે. આવી શાંતિથી વિષ્ણુ પૂજાય છે. જેમ જેનામાં શાંતિ વિશેષ તેટલું તેને સુખ વિશેષ. ચિત્તની અખંડ શાંતિ એ જ બળ છે, એ જ વૈભવ છે, એ જ દેવત્વ છે, એ જ સુખ છે, એ જ આનંદ છે, એ જ મુકિત છે. નિર્વિકાર ચિત્ત એ જ મુકતાવસ્થા. (૭) દેવું ન કરવું :
આ નિયમથી દુ:ખ બહુ ઓછું થાય છે, તેને પ્રતાપ વધે છે, પરની ઓશિયાળ રહેતી નથી, ખોટી ખુશામત કરવી પડતી નથી, ચિતા વિના રહેવાય છે, નિરાંતે ઊંઘાય છે ને મરણ આવે ત્યારે નિરાંતે મરાય છે. કોઇ પણ સંજોગોમાં એક પૈસાનું પણ દેવું ન કરવું. જેમ કોઇનું ધન લેવું તે દેવું છે તેમ કોઇની વસ્તુ લેવી તે પણ દેવું છે. દેવું ન જ કરવું તે વધારે સારું છે. તે ધનને કે ધન બદલની ચીને લાગુ પાડવું. ઘરમાં સાપ આવ્યો હોય તેને પકડવા પાડોશીનો સાણસો લેવો તે દેવું આ નિયમ પાળનારે ન ગણવું. લાઇબ્રેરીમાંથી ચોપડી વાંચવા લાવવી તે આ નિયમને બાધકારક ન ગણવી. જેનું મૂલ્ય અપાય છે તે પાસે ન હોવાથી ન આપવું ને આપવાનો વાયદો કરવો તેનું નામ દેવું. (૮) પરસ્ત્રી તરફ દ્રષ્ટિ ન કરવી ને ચાલતાં જમીન પર દ્રષ્ટિ રાખીને ચાલવું. આ નિયમથી અનેક વિકાર ને ઇચ્છાથી બચી જવાય છે. કાંટાથી, ખાડાથી, ઝેરી પ્રાણીથી બચાય છે. કોઇ જીવની હિસા થતી બચે છે. મન સ્થિર થાય છે, શાંત થાય છે. (૯) જમતાં જમતાં બોલવું નહીં ને અન્યની નિદા ન કરવી :
આ નિયમ સામાન્ય છે. પણ ચિત્તની અસંખ્ય વૃત્તિઓ છે તેને દબાવવા આ નિયમ પણ ઉપયોગી છે. આથી રસઇંદ્રિય ને ક્રોધ બંને જીતવામાં બળ આવે છે. શાંતિ રહે છે. ઉપાધિ વિના જમાય છે. પ્રારબ્ધવશાત્ શરીરને દુ:ખરૂપ ન હોય તે ભોજન જમી લેવું. આથી સંતોષ અને શાંતિ બંને આવતાં જાય
(૧૦) મૌન રાખવું :
- દિવસમાં પોતાને અનુકૂળ હોય તેટલો સમય વાણીનું મૌન રાખવું. આ સમયમાં કાગળ પર કે સ્લેટ પર પણ બનતા સુધી ન લખવું. હરફર ન કરવી. એક ઠેકાણે બેસવું. ઈશારા ન કરવા. ચિત્તની ચંચળતા મટાડવા. મનને શાંત કરવા, મનને આત્મામાં વાળવા મૌન એ સુંદર ઉપાય છે. મૌનમાં બહુ બળ છે. વાણીનું મૌન એ આરંભની ક્યિા છે. એ મૌન સિદ્ધ થતાં અથવા સિદ્ધ કરવાના અભ્યાસકાળમાં મનને મૌન કરવા અભ્યાસ કરવો. સાચું મૌન મનનું મૌન છે. મન નિવિચાર રહે. સંકલ્પવિકલ્પ રહિત રહે, ઇચ્છા રહિત રહે એ મૌન બહુ સુખપ્રદ છે.
Page 233 of 234