________________
કન્યાએ શાન્તનુનું ‘સ્વાગતમ્ !’ કર્યું. શાન્તનુને મોહિત કરી ગયેલી એ કન્યાની ઓળખ શાન્તનુએ માંગી.
ગંગા દ્વારા પોતાની ઓળખ
તેણે કહ્યું, “હું મહારાજ જહ્નની પુત્રી છું. મારું નામ ગંગા છે. લગ્નની વય થઈ જવા છતાં મારું લગ્ન થયું નથી તેનું કારણ મારો સંકલ્પ છે. ‘એ સંકલ્પ એવો છે કે જે રાજકુમાર મારી આજ્ઞામાં રહે તેની સાથે જ મારે લગ્ન કરવું.
રાજન્ ! મારા વડીલો પાસેથી મેં જે સંસ્કારો મેળવ્યા છે, માનવજીવનનું મૂલ્ય જાણ્યું છે, શીલનું ગૌરવ શીખી છું એની રૂએ મેં નક્કી કર્યું છે કે આટલું સુંદર જીવન જે તે પતિને સ્વીકારીને પાયમાલ તો ન જ કરાય. મારે એવો જ પતિ મેળવવો કે જે મારી જિંદગીને બરબાદ ન કરે, તેના જીવનને હું આબાદ કરી શકું. આ બધું ત્યારે જ બની શકે જ્યારે તે મા૨ી વાતોને કબૂલ કરવા માટે હરદમ તૈયાર હોય. આજ સુધી તેવો કોઈ રાજકુમાર મળ્યો નથી.
બીજી બાજુ આકાશગામિની વિદ્યાના બળથી સમયે સમયે આકાશેથી પસાર થતા ચારણમુનિઓને મારે ઘેર પધારવાની વિનંતી હું કરવા લાગી. તેમના સત્સંગથી મને ભગવાન જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો ધર્મ જાણવા મળ્યો. તેના સુંદર સિદ્ધાન્તો વગેરેથી આકર્ષાઈને હું જિનધર્મમાં અનુરક્ત બની.
હવે મારા કૌમાર્યને નિર્મળ રીતે પસાર કરવાની ચિંતામાંથી મુક્ત થઈને મેં જિનેશ્વર પરમાત્માની ઉપાસનાને મારું જીવન બનાવી દીધું. જ્યાં ઉપાસના છે ત્યાં જીવનને કલંકિત કરી મૂકતી વાસના ઊભી રહી શકતી નથી.
હા, હવે તો મારે સર્વસંગનો ત્યાગ કરીને ભાગવતી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીને સાધ્વી જ થવું જોઈએ, પરંતુ તે કઠોર જીવન સુધી છલાંગ મારવાની હજી મારામાં હિંમત પેદા થઈ નથી.
કુમાર ! હવે તાજી બનેલી બીના જણાવું.
ગઈ કાલે જ સત્યવાણી નામના નૈમિત્તિકને લઈને મારા લગ્ન અંગે ચિંતાતુર બનેલા પિતાજી અહીં પધાર્યા હતા. નૈમિત્તિકે કહ્યું કે આવતી કાલે જ હસ્તિનાપુરના નરેશ શાન્તનુ અહીં આવશે. તે જ તમારી ગંગાના પતિ થશે.
અને કુમાર ! આજે આપ આવી ચડ્યા. આપ જ શાન્તનુ છો ને ?” શાન્તનુએ હકારમાં માથું ધુણાવ્યું.
શાન્તનુની સંમતિ
શાન્તનુને ગંગાનો સંકલ્પ નડતરભૂત ન હતો, પણ આદરણીય બન્યો હતો. ‘જે સ્ત્રી પોતાનું અને પોતાના પતિનું જીવન નિર્મળ સંસ્કારોથી ભર્યું ભર્યું રાખવાના ઉદ્દેશથી આવો સંકલ્પ કરે તે સ્ત્રી તો કેટલી મહાન કહેવાય ?' શાન્તનુનો આત્મા મનોમન બોલતો હતો.
ના, ગંગાનો સંકલ્પ કાંઈ પતિને પોતાનો ગુલામ બનાવી રાખવા માટે ન જ હતો, એનો સંકલ્પ માત્ર ‘બ્રેક’ રૂપ હતો. પતિની કોઈપણ અવળી ગતિને રોકવા પૂરતો હતો. (ક્રમશઃ પોતાની કૂખે જન્મ લેનારા અષ્ટ વસુ-પોતાના-બાળકોને તેમના જ કહેવાથી ગંગાએ મારી નાંખવાના હતા. તેમાં શાન્તનુ આડો ન આવે તે માટે તેણે આવો સંકલ્પ રજૂ કર્યો હતો એવી વ્યાસ-મહાભારતની ઘટનાને અહીં સ્વીકારવામાં આવી નથી. વળી આ ઘટના પણ ખૂબ જ વિચિત્ર હોઈને વિચાર માંગી લે તેવી નથી શું ?)
જૈન મહાભારત ભાગ-૧