SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ હોય કે ના હોય, તેના પગલે કુટુમ્બમાં સુખ અને શાન્તિ આવતા હોય છે. ગઈકાલની તમામ મુશ્કેલીઓ એ કુટુંબમાંથી ઝપાટાબંધ નષ્ટ થવા લાગે છે અને ત્યારે સહુ એકી અવાજે એમ કબૂલતા હોય છે કે અમુક વ્યક્તિના ધર્મપુણ્યથી જ આ સુખદ પરિવર્તન આવ્યું છે. પાંડવો પરસ્પર એટલા બધા આનંદથી રહેતા હતા કે હસ્તિનાપુરના રાજવૈભવનો આનંદ પણ તેમને અત્યારે હઠ લાગતો હતો. એક દિવસ સહુ ભેગા બેઠા હતા યુધિષ્ઠિરના માથે સહદેવે ગામઠી છત્ર ધારણ કર્યું હતું, નકુળ ગામઠી પંખો વીંઝતો હતો, ભીમ ચરણ દબાવતો હતો, અર્જુન નેતરની સોટી લઈને ઊભો હતો, દ્રૌપદી કુન્તીના પગ દબાવતી હતી. પ્રિયંવદનનું આગમન અને ક્ષેમકુશળ-પૃચ્છા એ વખતે દૂરથી કોઈ માણસને આવતો જોઈને અર્જુને બૂમ મારીને કહ્યું, “અરે ! આ તો કાકા વિદુરનો દૂત પ્રિયંવદન ! અહીં ક્યાંથી આવી ચડ્યો !” ઘણા વખત પછી સ્વજન જેવા પ્રિયંવદનનું મિલન પામીને બધા ખૂબ આનંદમાં આવી ગયા. યુધિષ્ઠિરે વહાલથી ભેટીને તેને પોતાની પાસે બેસાડ્યો. પછી પ્રિયંવદનને તમામ સ્વજનોનાદુર્યોધન સુદ્ધાંના-ક્ષેમકુશળ પૂછ્યા. પ્રિયંવદને કહ્યું, “બધા તો આનંદમાં છે પરંતુ થોડાક દિવસથી દુર્યોધનનો આનંદ ખતમ થઈ ગયો છે. હવે તો એ માત્ર શરીરથી જીવી રહ્યો છે.” યુધિષ્ઠિરે દુર્યોધનની એવી પરિસ્થિતિ સર્જાવાનું કારણ પૂછતાં પ્રિયંવદને આ પ્રમાણે માંડીને વાત કરી : “રાજન્ ! તમે સહુ પેલા લાક્ષાગૃહમાં બળી મર્યા છો એ વાતથી હસ્તિનાપુરના તમામ લોકોએ કાળમીંઢ પાણાને ય પિગળાવી નાંખે તેવું કરુણ કલ્પાન્ત કર્યું. મને તો ખાતરી હતી કે તમે બળી મર્યા નથી, પરન્તુ સુરંગ વાટે ચાલી ગયા છો. પણ જ્યારે પુરુષોના પાંચ અને બાઈઓના બે એમ કુલ સાત બળી ગયેલાં મોં વગેરેવાળા મૃતકો પ્રાપ્ત થયા ત્યારે હું જોવા ગયો. મને લાગ્યું કે આ તમે જ સાતેય બળી ગયા છો, પણ મોં બળી ગયા હોવાથી ઓળખી શકાતાં નહોતા. મારા આઘાતનો કોઈ આરોવારો ન રહ્યો. મેં આ બધી વાત ભીખ, દ્રોણાચાર્ય, વિદુર વગેરેને કરી. સહુ બેભાન થઈ ગયા, પછી તાર સ્વરે રડવા લાગ્યા. હા, દુર્યોધન પણ રડતો દેખાયો, પણ મને જણાયું કે તે નાટક જ કરતો હતો. અંદરથી તેના આનંદનો કોઈ સુમાર ન હતો. દિવસો પસાર થઈ ગયા. મહિનાઓ પણ પસાર થવા લાગ્યા. ભીષ્મ, દ્રોણાચાર્ય વગેરે આપ સહુ મૃત્યુ પામી ગયા છો એમ સમજીને દુર્યોધનની નિશ્રા સ્વીકારી લઈને સ્થિર થઈ ગયા. ત્યાં થોડા દિવસ પહેલાં જ એકચક્રા નગરી તરફથી આવેલા આપણા કોઈ દૂતે સમાચાર આપ્યા કે આપ સહુ જીવિત છો. ભીમસેને બક રાક્ષસનો વધ કર્યો છે અને પાંડવો તરીકે જાહેર થઈ જતાં એકચક્રાના લોકો હર્ષઘેલા બની ગયા છે. નગરીના રાજાએ આપની ખૂબ મહેમાનગીરી કરી છે અને પછી આપ દ્વૈતવન તરફ વિદાય થયા છો. આ સમાચારો સાંભળતાં જ દુર્યોધનનું મુખ કાળુંમેંશ થઈ ગયું. બાકીના તમામ માટે આનંદનો મહોત્સવ મંડાયો. કાકા વિદુરે મને કહ્યું કે, “તું તરત દ્વૈતવન તરફ જા અને પાંડવોને રૂબરૂ મળીને તેમનું ક્ષેમકુશળ જાણીને પાછો આવ.” જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy