________________
ઉપાય આત્મદમન છે - એમ જણાવ્યું છે. આજે આપણે સંયમ અને તપ માટે કેટલો પ્રયત્ન કર્યો ? જે કાંઇ ત્યાગ કરીએ છીએ તે પણ જો ઇતું નથી માટે કરીએ છીએ એવું નથી, છોડ્યા વગર ચાલે એવું નથી માટે છોડીએ છીએ – ખરું ને ? જમવા બેઠા પછી ઊભા થઇ જઇએ છીએ તે શા માટે ? હવે ખવાય એવું નથી માટે ને ? જે છોડ્યું હોય તે પાછું લેવાનું હોય તો તે છોડ્યું ન કહેવાય. જે છોડ્યું તેની સામે ડોકિયું પણ નથી કરવું, નજર પણ નથી માંડવી. સાચું કહો, તમને આવેલું જ્ઞાન જાય તો દુ:ખ થાય કે આવેલું ધન જાય તો દુઃખ થાય ? જ્ઞાન જાય તો હસતાં હસતાં કહે કે કર્યું ત્યારે કર્યું, પણ હવે તો બધું જ ભુલાઇ ગયું અને જો ઉઘરાણી ન આપે તો રોવા બેસે. જ્ઞાન કીમતી કે ધન કીમતી ? સ0 ઉઘરાણી ન આપે તે ફળ તો પ્રત્યક્ષ દેખાય છે !
અને જે પ્રત્યક્ષને જ માને તે તો નાસ્તિક કહેવાય, ધર્માત્મા નું કહેવાય. જે નજરે દેખાય તેને જ માને તેવો ધર્માત્મા ન હોય, જે નજરે દેખાતું નથી તેને પણ જ્ઞાનીના વચનથી માનવા તૈયાર થાય તેનું નામ ધર્માત્મા. શાસ્ત્ર એ તો આરીસો છે. આરીસાની જરૂર શેના માટે છે ? જે તમે નજરે જોઇ શકો છો તેના માટે આરીસાની જરૂર છે ખરી ? જે મોઢા ઉપરના ડાઘ દેખાતા નથી તે જોવા માટે આરીસો છે. શાસ્ત્રની રચના, જે નજરે નથી દેખાતી તે વસ્તુને જણાવવા માટે કરી છે. જ્યાં સુધી આ સંસાર અસાર નહિ લાગે ત્યાં સુધી આત્મદમન કરી નહિ શકાય. આ સંસારની અસારતા ભણેલો સમજાવે અને અભણ સમજાવે : એ બેમાં ફરક છે ને ? અભણ તો દુ:ખમય સંસારને અસાર તરીકે જણાવે. જયારે ભણેલો કહે કે પુણ્યના ઉદયથી મળનારો સુખમય સંસાર અસાર છે. ઇન્દ્રાદિ દેવતાઓ સમવસરણમાં બેઠા હોય અને ભગવાન કહે કે સંસાર અસાર છે, દુ:ખમય છે, ત્યારે કોઇ દેવતા દલીલ નથી કરતા કે અમને તો કાંઇ દુ:ખ નથી, તો અસાર કેમ ? કારણ કે તેઓ જાણે છે કે આ સુખ ટકવાનું નથી, જન્મમરણનાં દુઃખ નજર સામે તેમને દેખાય છે, ત્યાંથી માતાની કુક્ષિમાં જવાનું છે – એ નજરે દેખાય તો સુખમાં સ્વાદ ૧૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આવે ? ભગવાન આટલું કહે છે છતાં માનવાની તૈયારી નથી. છાપામાં આવેલી વાતોનો રદિયો પણ પાછળથી અપાતો હોય છે છતાં તે વાત ઉપર જેટલો વિશ્વાસ છે એટલો શાસ્ત્ર ઉપર નથી. ઘરનાનું જેટલું માનીએ તેટલું ભગવાનનું નથી માનતા. ભગવાન જ્ઞાની, ગુરુ જ્ઞાની કે ઘરનાં ? જો દેવગુરુ જ્ઞાની હોય તો બૈરા છોકરાને કહી દો કે તમે લોકો મારા માથે નથી, ભગવાન-ગુરુ મારા માથે છે. તમે લોકો તો મારા પનારે પડેલા છો. હવે તમારા કીધે નહિ ચાલે. આ સંસારમાં આશ્રવનો ત્યાગ કર્યા વગર સુખી નહિ જ થવાય. આશ્રવ વિના જીવવું હોય તો સાધુ થયા વિના નહિ ચાલે. સુખ ભોગવવાની ટેવ સર્વવિરતિને લાવી નહિ આપે. ધર્મ કરીએ છીએ વરસોથી છતાં પણ હજુ સુધી ધર્મ ગમતો નથી. સ0 ધર્મ ગમે તો છે પણ સંસાર વધારે ગમે છે.
સંસાર વધારે ગમે છે – એટલે નક્કી જ છે કે સંસારજેટલો ધર્મ ગમતો નથી. સંસારની વિચિત્રતા જાણ્યા પછી પણ સંસાર છોડવાનું મન ન થતું હોય તો તેનું કારણ એક જ છે કે સુખની આસક્તિ અત્યંત છે. આવા સંયોગોમાં એટલું કરવું છે કે સંસાર છૂટે નહિ, તોપણ વળગે નહિ – એ રીતે જીવવું છે. ભૂત સ્મશાનમાં તો હોય જ છે, ત્યાંથી જવાનું નથી, પરંતુ એ ભૂત વળગે નહિ તેની તો કાળજી રાખવી પડે ને ? તે માટે આ પુરુષો જે સમજાવે છે તે ધ્યાનથી સાંભળવું છે અને તેનો વિચાર કરવો છે. શાસ્ત્ર કહે છે કે સંયમના કારણે આત્મદમન કરે તે સુખી થાય, સંયમ અને અસંયમ : આ બે ભેગા કરવાથી આત્મદમન ન થાય. શ્રાવકપણામાં સંયમ-અસંયમ એ બે ભેગા હોવાથી તેને અહીં આત્મદમનના ઉપાય તરીકે જણાવ્યા નથી. પાંચ પ્રકારના આશ્રવનો ત્યાગ કરવો તે સંયમ છે. સંયમ પામ્યા પછી તપ કરવાનો છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં પહેલા અહિંસા જણાવી, પછી સંયમ જણાવ્યો, પછી તપ જણાવ્યો છે. આપણી તકલીફ એ છે કે તપ આપણે પહેલાં કરીએ. સંયમ, અહિંસા ન આવે તોય ચિંતા નહિ. શાસ્ત્ર કહે છે કે – આ ક્રમ નથી. પહેલાં આવતાં કર્મોને રોકવાનાં પછી જૂનાં કર્મોને કાઢવા માટે તપ કરવાનો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૩