________________
આવિર્ભાવ કરનારા ગુરુવચનનો આશ્રવ તો સારો છે. તમારે ત્યાં પણ દૂધનો આશ્રવ, પાણીનો આશ્રવ સારો મનાય ને ? પાણી આવે તો સારું
કે ન આવે તો ? દૂધવાળો આવે તો સારું કે ન આવે તો ? તેમ અહીં પણ કહો કે – હિતશિક્ષા મળે તો સારું કે ન મળે તો સારું ?... ટીકાકારો જે અર્થ કરીને સમજાવે છે, તે માર્મિક હોય છે. ગ્રંથના ગૌરવને વધારે, ગ્રંથકાર પ્રત્યે બહુમાન પેદા કરાવે - એવા આ ટીકાકારપરમર્ષિ હોય
છે. તેથી આપણે ટીકાથી નિરપેક્ષપણે અર્થ નથી કરવો.
જેને દીક્ષા આરાધવી હોય તેમણે કેવા ગુણો આત્મસાત્ કરવા જોઇએ તે અહીં જણાવ્યું છે. આજે તમારી-અમારી દશા એ છે કે જે ગુણ આપણી પાસે નથી તે મેળવવા છે, પરંતુ જે દોષો આપણામાં પડ્યા છે - એ કાઢવા નથી. જે નથી એ મેળવવું છે, પણ જે ખરાબ છે તે કાઢવું નથી - ક્યાંથી નિસ્તાર થાય ? કોઇ આપણું માનસન્માન કરે એવા ગુણો મેળવવા છે પણ લોકો અપમાન કરે એવા દોષો કાઢવા નથી. જ્યાં સુધી દોષો કાઢીએ નહિ ત્યાં સુધી ગુણો ગમે તેટલા મેળવીએ એની કોઇ કિંમત નથી. એક વાર દોષો દૂર થઇ જાય તો ગુણો એની મેળે પ્રગટ થઇ જાય. ગુણ પામવાની ના નથી, પણ માનસન્માન કે બહુમાન લેવા માટે એકે ગુણ નથી મેળવવો.
સ૦ કોઇ ગુણવાન હોય તો બહુમાન નહિ કરવાનું ?
તમને બહુમાન કરવાની ના નથી, બહુમાન લેનારાને બહુમાન લેવાની ના પાડી છે. બહુમાન એ લેવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. તમને તો બહુમાન કરતાં ય નથી આવડતું. એ વ્યક્તિ જ્યાં હોય ત્યાં જઇને બહુમાન કરવાનું. બેસેલાને પણ ઊભો નહિ કરવાનો. જ્યારે બહુમાન લેનાર પણ કહી દે કે બહુમાન મારું નહિ, આચાર્યભગવંતનું કરો. એમની પાસે જે છે તેમાંથી મારી પાસે કશું નથી. તમારે ત્યાં જ નહિ, અમારે ત્યાં પણ આ જ દશા છે. મોટા વડીલ બેઠા હોય તો અમારે વાસક્ષેપ નાંખવાનો ન હોય. આ પણ એક અવિનય છે. આપણી વાત એ છે કે આપણે દોષો કાઢ્યા વિના ગુણો મેળવવા છે - તેથી ગુણો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૪
મળતા નથી, ફળતા નથી. અનંતી વાર ઓધા લેવા છતાં પણ આપણે સંસારમાં રખડીએ છીએ - તેનું કારણ જ આ છે.
સ૦ એ વખતે શું કર્યું હશે ? દોષો નહિ કાઢ્યા હોય ?
એ વખતે આપણે ધર્મ જ કરવો હતો, અધર્મ કાઢવો ન હતો. પાપ સાથે ધર્મ કર્યો એટલે તો ઓઘા નકામા ગયા. જેમ અત્યારે પણ આપણે દાનધર્મ ઘણો કરવો છે પણ ધંધો બંધ નથી કરવો ને ? આચાર્યભગવંતે અમને વ્યક્તિગત હિતશિક્ષા આપતી વખતે જણાવ્યું હતું
કે ‘કોઇ તારી નિશ્રામાં દસ લાખ ખરચવા આવે તો તેને કહી દેવું કે - આટલા પૈસા લઇને ધંધો બંધ કરી દેશભેગો થઇ જા...' ઉત્સવ-મહોત્સવ કરવા માટે પૈસા ખર્ચવા એના બદલે ધંધો બંધ કરી દેવો સારો. જ્યાં
સુધી પૈસો ગમે છે ત્યાં સુધી કરેલું દાન બનાવટી કહેવાય. આ તો પૈસાનો લોભ પણ પોષાય અને નામનું માન પણ પોષાય. આ ધર્મ કરવાની રીત નથી. આ તો પોતે કરોડોનો ચડાવો લે અને નોકરોનો પગાર કાપી લે. આવો ધર્મ નિંદાપાત્ર જ બને ને ? સગો ભાઇ પૈસો માંગતો ફરતો હોય ને પોતે ધર્મમાં લાખો ખર્ચે તેનો શો અર્થ ? તમારા પૈસા બેંકમાં વ્યાજે ફરે અને ભાઇ ભૂખે મરે આ તે કંઇ લાયકાત છે ? તમને કોઇના દુઃખની ચિંતા થાય છે ખરી ? બીજાના ઉપકાર માટે તેનું દુઃખ ટાળવાની વાત નથી કરી, એના દુ:ખે આપણે દુ:ખી થઇએ છીએ. એ આપણું દુ:ખ ટાળવા માટે તેનું દુઃખ દૂર કરવાની વાત કરી છે. બીજાના દુઃખ ઉપર દયા આવે એ ચરમાવર્ત્તકાળનું લક્ષણ છે. અન્યદર્શનકારોએ પણ કહ્યું છે કે ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.’ આ સંસારમાં પારકાની પીડા જો એક વાર દેખાય તો સાધુ થવું જ પડશે. આ સંસારમાં કેટલાને દુ:ખ આપીને આપણે સુખ ભોગવીએ છીએ ? આપણને આપણું સુખ જ દેખાય છે, બીજાનું દુઃખ દેખાતું જ નથી. દુઃખ આખા ગામને ગમતું નથી. મને કયો અધિકાર છે કે મારા સુખ ખાતર બીજાને દુઃખ આપું ? આપણી પાસે દોષો ઘણા પડ્યા છે તે માટે જ હિતશિક્ષાની જરૂર છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
–
૫