________________
(૨) પિપાસાપરીષહ : આહાર લીધા પછી પાણીની તરસ લાગે ને ? તેથી ક્ષુધા પછી પિપાસાપરીષહ જણાવ્યો છે. પાણી છે માટે વાપરવું - એવું નહિ, તરસ લાગે ત્યારે વાપરવું - એવું ય નહિ, તરસ સહન ન થાય ત્યારે જ પાણી વાપરવું. એ પણ સચિત્ત પાણી ન વાપરવું. ઇચ્છા મુજબ નહિ, ભગવાન કહે એ જ પાણી લેવું.
સ૦ શરીર પર આવો અત્યાચાર કરવાનો ? ડૉક્ટર પાણી વાપરવાનું કહે ! ડૉક્ટર ભલે કહે, ભગવાન ના પાડે છે. આપણે તો ડૉક્ટરને જ ભગવાન માનીએ છીએ ને ? કે ભગવાનને ડૉક્ટર માનીએ ? આપણા આરોગ્યની ચિંતા ભગવાને કરી જ છે. આપણે માનવી નથી ને ? સ૦ કીડની ફેલ થઇ જાય !
આપણે પાણીના કારણે નથી જીવતા, ડૉક્ટરના કારણે પણ નથી જીવતા, આપણા આયુષ્યકર્મના કારણે જીવીએ છીએ. દુઃખ આવે છે તે કર્મના કારણે આવે છે, નિમિત્તના કારણે નહિ. અમારે ત્યાં ઠામ ચોવિહાર આયંબિલ કરનાર મહાત્માની કીડની ફેલ થઇ ન હતી. તેથી ખોટો ભય
કાઢી નાંખો. અહીં જણાવે છે કે ઉપવાસના પારણે વહોરવા નીકળ્યો હોય, તડકાના કારણે શ્રમિત થયો હોય ત્યારે અત્યંત તૃષા-તરસથી વ્યાપ્ત થયો હોય તેવો પણ સાધુ અનાચારની જુગુપ્સા કરનારો હોવાથી અને લજ્જા એટલે કે સંયમમાં યતનાવાળો હોવાથી શીતોદક એટલે સચિત્તપાણી ન વાપરે, ઉપલક્ષણથી છાંટે પણ નહિ. અહીં ‘લજ્જા’નો અર્થ ‘સંયમ’ છે. કારણ કે પાપની લજ્જાના કારણે જ સંયમ પળાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને લજ્જાને જ સંયમ કહેવાય છે. તેમ જ સાધુ અતિક્રમ વગેરેનો જુગુપ્સક હોય અને સંયમની યતના કરનારો હોય. તેથી ઠંડું એટલે કે કાચું પાણી ન વાપરે. ત્રણ ઉકાળાવાળું પાણી એષણાપૂર્વક વાપરે. આ સાધુ એકાંતસ્થાનમાં હોય કે જાહેરમાર્ગમાં હોય, અત્યંત આતુર થયો હોય અર્થાત્ તરસથી અત્યંત આકુળ થયો હોય, મોઢું સુકાઇ ગયું હોય, મોઢામાં થૂંક પણ સુકાઇ ગયું હોય તેવા વખતે ‘તરસ ક્યારે છિપાશે, પાણી ક્યારે મળશે’, આવી દીનતા ધારણ કર્યા વિના તૃષાપરીષહ જીતી લેવો. આપણે
૨૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તો ફ્રીજનું પાણી વાપરીએ ને ? તો તૃષાપરીષહ કઇ રીતે જીતી શકાશે ? આજે નિયમ આપી દઉં ? ફ્રીજનું પાણી વાપરવું નહિ, તૃષાપરીષહ જીતવાનો અભ્યાસ પાડવો છે ને ?
આ પરીષહ જીતવા માટે પણ કથા છે. ઉજ્જયિની નગરીમાં ધનમિત્ર નામનો વાણિયો હતો. તેણે પોતાના ધનશર્મા નામના પુત્ર સાથે દીક્ષા લીધી. પહેલાના કાળમાં દીકરાઓ આજ્ઞાંકિત હતા તેથી પિતા સાથે દીક્ષા લઇ લેતા. એક વાર અરણ્યમાંથી વિહાર કરીને જતા હતા. ગ્રીષ્મઋતુનો કાળ હતો, મધ્યાહ્નનો સમય હતો. વિહાર કરતા બંન્ને પિતાપુત્ર જતા હતા. તેવામાં પુત્રમુનિને ખૂબ તરસ લાગી અને તેના કારણે તેના પગ લથડિયા ખાવા માંડ્યા. તેની ચાલ ધીમી પડી. પિતામુનિ તેમની પાછળ ચાલવા માંડ્યા. તેમણે જોયું કે આ તૃષા અસહ્ય થવા લાગી છે, આથી રસ્તામાં નદી આવતી હતી તેમાં પાણી વાપરવાનું પુત્રમુનિને જણાવ્યું. પિતામુનિએ પુત્રના મમત્વના કારણે આ રીતે સચિત્ત પાણી વાપરવાની સલાહ આપી હતી. પોતાની શરમના કારણે પુત્રમુનિ પાણી નહિ વાપરે એમ સમજીને થોડા આગળ ચાલવા માંડ્યા. પુત્રમુનિએ પાણી વાપર્યું નહિ અને પ્રાણાંત તૃષાપરીષહ સહન કર્યો - એમ કેટલાક કહે છે. જ્યારે કેટલાક એમ કહે છે કે બાલમુનિ નદી પાસે ગયા. નદીમાંથી ખોબો ભરીને પાણી લીધું, મોઢે સુધી લાવ્યા પરંતુ તરત વિચાર આવ્યો કે આટલા બધા જીવોને મોઢામાં કઇ રીતે પધરાવું ? એમ વિચારીને જે રીતે ખોબો ઉપર લાવ્યા હતા તે જ ક્રમે ધીરે ધીરે નીચે ઉતારી પાણીના
જીવોને વધુ કિલામણા ન થાય તે રીતે પાણી મૂક્યું અને આ બાજુ પ્રાણો પણ મૂક્યા. ત્યાંથી કાળધર્મ પામી દેવલોકમાં ગયા. ઉપયોગ મૂક્યો. તૃષાતુર મુનિઓની ભક્તિ માટે રસ્તામાં ગોકુળ વિકુર્તીને પાણી-છાશ વગેરે વહોરાવ્યાં. તેમ જ આ દેવપિંડ છે તેનું જ્ઞાન કરાવવા એક સાધુ પોતાનો વીંટિયો ભૂલી જાય એવું કર્યું. તે સાધુ પાછા ફર્યા ત્યારે ત્યાં ગોકુળ કે માણસો વગેરે કાંઇ ન જોયું. માત્ર વીંટિયો પડ્યો હતો તે લઇ આવ્યા ને ગુરુને વાત કરી. ગુરુએ દેવપિંડ લીધાનું જણાવ્યું. એટલામાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૭