________________
સાધુને પરીષહ સ્પર્શે તો તેનાથી હારી ન જાય. અહીં ‘ભિક્ષાચર્યા પદ ઉપરથી એ સૂચિત થાય છે કે ભિક્ષાચર્યા સિવાયના બીજા કોઇ કાર્ય માટે સાધુ મકાનની બહાર ન જાય. સ0 શ્રાવકની વિનંતિ હોય તો પગલાં કરવા ન જવાય ?
સાધુભગવંત સાધુ થયા છે તે ભગવાનની આજ્ઞાથી થયા છે અને સાધુપણું પાળવાનું કામ પણ ભગવાનની આજ્ઞા મુજબ કરે. ભગવાને જ્યારે આજ્ઞા કરી હોય ત્યારે જ બહાર જવાનું. તમે ગોચરીની વિનંતિ કરો અને અમારે ખપ હશે તો આવીશું. તમે અમને વંદન કરો ત્યારે પણ શું વિનંતિ કરો ? ‘ભાત પાણીનો લાભ દેશોજી.’ એમ કહો ને ? તો નક્કી છે ને કે - ભિક્ષાચર્યા સિવાય બહાર જવાનો પ્રસંગ પ્રાયઃ આવે જ નહિ, આ તો કામળી અને દાંડો લઈને બહાર ફર્યા કરે ! આ સાધુપણાના આચાર નથી. અહીં જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માએ જણાવ્યું છે કે ભિક્ષાચર્યાએ નીકળેલો સાધુ પરીષહોને સાંભળીને, જાણીને, તેનો અભિભવ-પરાભવ કરીને જ રહે, તેમાં પાછો ન પડે. દુ:ખ ભોગવ્યા વગર ચાલે એવું જ નથી. સાધુભગવંત મકાનની બહાર જાય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે જ જાય. વાચના લેવા માટે જવું પડે, દર્શન કરવા જવું પડે અથવા ચારિત્રની ક્રિયા માટે જવું પડે : એ સિવાય ચોથું કામ નથી. આ પરીષહો કોની પાસે સાંભળવાના તે માટે જણાવે છે કે ગુરુ પાસે આ વર્ણન સાંભળવું, જાતે વાંચીને કે પંડિતો પાસેથી ન જાણવું. અમારા આચાર્ય ભગવંત અનુયોગદ્વારની વાચના જ્યારે આપતા હતા ત્યારે તેમાં પલ્યોપમ કે સાગરોપમનું વર્ણન આવે ત્યારે અમે એ બધું ઉપેક્ષાપૂર્વક સાંભળતાં. સાહેબને એ વાતનો ખ્યાલ આવી ગયો. તેથી તેમણે કહ્યું કે આ બધો સંખ્યાતો કે અસંખ્યાતો કાળ માત્ર ગણતરી કરવા માટે નથી, નરકાદિ ગતિમાં આ બધો જ કાળ દુ:ખમાં પસાર કરવો પડે છે... આ પ્રમાણે સાંભળતાંની સાથે અમે સાવધ થઈ ગયા. આ રીતે ગુરુ પાસે ભણવાથી આપણે સંખ્યાતાદિ કાળનું જ્ઞાન શા માટે કરવાનું છે – એ પણ સમજાય. આ બધું પુસ્તકમાં લખેલું નથી હોતું, ૨૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ગુરુભગવંત પાસે જ સમજવા મળે. પરીષહની વાત ગુરુ પાસે સાંભળી હોય તો ઠંડી વગેરે પરિસહો પોતે, પોતાના વડીલોએ. પૂર્વના મહાપુરુષોએ કઈ રીતે સહન કર્યા તે પ્રસંગો જાણવા મળે તો આપણને પણ તેના માટે ઉલ્લાસ પ્રગટ થાય, સત્ત્વ-બળ પ્રાપ્ત થાય. આચાર્યભગવંતે એક વાર કહેલું કે જૈન સાધુને તડકામાં ત્રણ કલાક ઊભો રાખે તોપણ તે અકળાય નહિ. ઠંડીમાં ત્રણ કલાક ઊભો રાખે તોપણ અકળાય નહિ. કારણ કે તેણે દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડ્યો હોય. તેથી નક્કી છે કે જેમણે પરીષહ વેઠ્યા હોય તેની પાસે પરીષહનું વર્ણન સાંભળવાનું. જે પરીષહ વેઠતા નથી તેની પાસે પરીષહોનું વર્ણન ન સાંભળવું. સ0 એવા લોકો પરીષહની વાત કરે ખરા ?
એ લોકો તો સારામાં સારી વાત કરે, તત્ત્વજ્ઞાનના પાઠ એ લોકો જ ચલાવે છે. આજના પંડિતો આમ પંખા નીચે, એ.સી.માં બેસે, ખુરશી ઉપર બેસે, તત્ત્વજ્ઞાનના પાઠ ચલાવે. તમારી ભાષામાં કહીએ તો ભૂખમરોનિવારણ માટેની મિટિંગ તાજમહાલ હોટલમાં રાખવી : એના જેવી આ ચેષ્ટા છે. તેથી આ વર્ણન ગુરુ પાસે સાંભળવાનું – સમજવાનું જણાવ્યું છે. તે પરીષહોને સારી રીતે જાણીને પછી જ વેઠવાના. તેમ જ તે પરીષહોનો વારંવાર અભ્યાસ કરીને પછી જીતવાના. ગમે તેવા પરીષહો આવે તોપણ સંયમમાં બાધા ન પહોંચે તે રીતે વર્તવું. એક બાજુ નિર્જરા સતત ચાલ્યા કરે, ગુણોનો આવિર્ભાવ થાય અને દોષો દૂર થાય તે રીતે પરીષહોને વેઠવાની પ્રવૃત્તિ કરવી છે.
આ પરીષહો કયા છે એવું શિષ્ય પૂછે છે ત્યારે આચાર્યભગવંતના બધા જ શબ્દોનો અનુવાદ કરીને પછી પૂછે છે. આ વિનયનો આચાર છે. ક્યાંય પણ તોછડા પ્રશ્નો પૂછવા નહિ – એવું જણાવવા માટે આ રીતે વર્ણન છે. તે જ રીતે આચાર્યભગવંત પણ બધો જ જવાબ એના એ શબ્દોનો અનુવાદ કરીને આપે છે. તેના પરથી એ સૂચિત કર્યું છે કે પ્રશ્નો પૂછ્યા પછી તેના જવાબ પણ તોછડા ન આપવા. ભગવાનનું શાસન વિનયના આચરણમાં સમાયેલું છે તે જણાવવા સૂત્ર આ રીતે લાંબુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૯