________________
આગમસાર– ઉતરાર્ધ
170
શ્રાવસ્તિ નગરીમાં ગોશાલક અને ભગવાન ઃ– ભગવાન મહાવીર સ્વામી પણ છદ્મસ્થ કાલ પૂર્ણ કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાથી ધર્મોપદેશ દેવા લાગ્યા અને ગૌતમ આદિ હજારો શિષ્યો સહિત વિચરણ કરતાં-કરતાં એકવાર શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા અને કોષ્ટક નામના ઉદ્યાનમાં સમોસર્યા.
ગોશાલક પણ વિચરણ કરતાં ભગવાનથી પહેલાં જ શ્રાવસ્તીનગરીમાં આવી ગયો હતો. ત્યાં હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન હતી. તે ગોશાલકની અનન્ય શ્રદ્ધાવાન ઉપાસિકા હતી. ત્યાં ગોશાલક પોતાના આજીવિક સંઘની સાથે એની દુકાનમાં રહ્યો અને પોતાને ૨૪માં તીર્થંકર કહેતા પ્રચાર કરવા લાગ્યો.
સભામાં ગોશાલકનો જીવન પરિચય :– શ્રાવસ્તિ નગરીમાં ગોશાલકના કથનની ચર્ચા ફેલાવા લાગી. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને પારણાને માટે નગરીમાં ગયા. એમણે પણ આ ચર્ચા સાંભળી. બગીચામાં આવીને ભગવાનને નિવેદન કર્યું અને જિજ્ઞાસા પ્રગટ કરી કે ભગવાન આ ગોશાલક કોણ છે અને એનું જીવન વૃત્તાંત શું છે ? ત્યાં નાગરિક જનની પરિષદ પણ બેઠી હતી. ભગવાને ગૌતમ સ્વામીનું સમાધાન કરતાં ગોશાલકના જન્મથી લઈને ત્યાં શ્રાવસ્તીમાં પહોંચવા સુધીનો સારો જીવન વૃતાંત સંભળાવી દીધો. ગોશાલકની સંપૂર્ણ વાર્તા સાંભળીને પરિષદ વિસર્જિત થઈ. નગરમાં વાતો ચાલવા લાગી. ગોશાલક સુધી પણ વાત પહોંચતા વાર ન લાગી. એને પોતાની વાર્તા પ્રકટ થવાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તે આતાપના ભૂમિથી ઉતરીને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો.
ગોશાલક અને આનંદ શ્રમણ :- ભગવાનની આજ્ઞા લઈને આનંદ નામના સ્થવિર શ્રમણ છઠના પારણે નગરીમાં ગોચરીને માટે ગયા. ભ્રમણ કરતાં તે ગોશાલકના સ્થાનની નજીકથી જઈ રહ્યા હતા. ગોશાલકે આનંદ શ્રમણને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે આનંદ ! તું મારી પાસેથી એક દષ્ટાંત સાંભળ ગોશાલકે પોતાનું કથન શરૂ કર્યું.
વ્યાપારીનું દૃષ્ટાંત :– કોઈ એક સમયે કેટલાક વ્યાપારી ધન કમાવા માટે યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં ભયંકર જંગલ આવ્યું આજુબાજુ કોઈ ગામ ન હતું. એમની પાસેનું પાણી પૂરું થઈ ગયું. પાણીની શોધ કરતાં–કરતાં એમણે એક વલ્ભીક(બાંબી) જોઈ. જેના ચાર સુંદર શીખર હતા. પરસ્પર વિચાર કરી ને તે ત્યાં રોકાયા અને એક શીખરને પાણીની આશાથી તોડયું, ઈચ્છાનુસાર તેમને સુંદર મધુર પાણી પ્રાપ્ત થયું. બધાએ તરસ છીપાવી અને પોતાની પાસેના જળ કુંભોમાં છલોછલ પાણી ભરી લીધું. પરસ્પર વિચાર વાર્તા થઈ અને બીજું શીખર સોનાની ઈચ્છાથી તોડયું, એમાં પણ એમને ઈચ્છિત પ્રચુર સોનું પ્રાપ્ત થયું. પોતાની પાસે રહેલા ગાડાઓમાં ઈચ્છા પ્રમાણે સોનું ભરી લીધું. પછી રત્નોની આશાથી ત્રીજું શીખર તોડયું. એમાં પણ એમને સફળતા મળી. ઈચ્છિત રત્નોની રાશિ પણ પોત–પોતાના ગાડામાં ભરી લીધી. લોભ સંજ્ઞા અનેક ગણી વધી, ચોથું શિખર તોડવાની વિચારણા ચાલી. ત્યારે એક અનુભવી હિતપ્રેક્ષી વ્યાપારીએ નિષેધ કર્યો કે આપણને ઈચ્છિત સામગ્રી મળી ચૂકી છે અને હવે ચોથા શિખરને ન તોડવું જોઇએ. સંભવ છે કે આને તોડવાથી કોઈ આપત્તિનું કારણ બની શકે. એ અનુભવી વ્યક્તિએ આગ્રહ કર્યો પરંતુ બહુમતીની આગળ એનું કાંઈ ન ચાલ્યું. ચોથું શિખર તોડયું. એમાંથી દષ્ટિ વિષ સર્પ નીકળ્યો. વલ્ભીકની ઉપર ચડીને સૂર્યની તરફ જોયું અને પછી વ્યાપારી વર્ગ તરફ અનિમેષ દષ્ટિથી જોયું અને તેઓને તેમના બધા ઉપકરણ સાથે સળગાવીને ભસ્મ કરી દીધા. જેણે ચોથું શિખર તોડવાની મનાઈ કરી હતી એના પર અનુકંપા કરીને એ નાગરાજ દેવે એનો સામાન, સંપત્તિ સહિત એને એના નગરમાં પહોંચાડી દીધો. ગોશાલક દ્વારા ધમકી :- હે આનંદ ! આ રીતે તારા ધર્માચાર્યે બહુ જ ખ્યાતિ, આદર સન્માન પ્રાપ્ત કરી લીધા છે. હવે જો મારા વિષયમાં કાંઈપણ કહેશે તો એ સર્પરાજની સમાન હું પણ મારા તપ તેજથી બધાને સળગાવીને ભસ્મ કરી દઈશ અને હે આનંદ ! જો તું મારો સંદેશ પહોંચાડીને મનાઈ કરી દઈશ તો હું પણ એ હિત સલાહ દેનારા વણિકની સમાન તારી રક્ષા કરીશ. આથી જા, તારા ધર્માચાર્યને મારી આ વાત કરી દેજે.
આનંદ શ્રમણે આવીને બધી વાર્તા ભગવાનની સમક્ષ કરી અને પૂછ્યું કે હે ભગવન્ ! શું ગોશાલકની પાસે એટલી શક્તિ છે. ભગવાને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કર્યું કે ગોશાલક એવું કરવામાં સમર્થ છે. પરંતુ તીર્થંકર ભગવંતો પર એની શક્તિ ચાલી શકતી નથી. કેવલ પરિતાપ પહોંચાડી શકે છે. હે આનંદ ! ગોશાલકથી અનંત ગણી શક્તિ શ્રમણ નિગ્રંથો અને સ્થવિરોની પાસે છે. પરંતુ તે ક્ષમા—શ્રમણ હોય છે. તેઓ આવું આચરણ નથી કરતા. એનાથી પણ અનંત ગણી શક્તિ તીર્થંકરોની પાસે હોય છે. પરંતુ તે પણ ક્ષમાધારી હોય છે. આવું હિંસક આચરણ તે કરતા નથી. આથી હે આનંદ ! તું ગૌતમ આદિ બધા શ્રમણોને સૂચના આપી દે કે કોઈપણ નિગ્રંથ ગોશાલકથી જરાપણ ધાર્મિક ચર્ચા ન કરે. કેમ કે તે હમણાં વિરોધ ભાવમાં ચઢેલો છે.
ગોશાલકનું ભગવાનની સામે વક્તવ્ય :– આનંદ શ્રમણે અન્ય શ્રમણોને સૂચના અને સંપૂર્ણ માહિતી આપી દીધી. ગોશાલકથી ન રહેવાયું, એનો ક્રોધ ઉગ્ર થતો ગયો અને તે પોતાના સંઘની સાથે અત્યંત ગુસ્સે થતો ત્યાં પહોંચી ગયો. ભગવાનની સામે ઉભો રહી ભગવાનને કહેવા લાગ્યો કે આયુષ્યમનું કાશ્યપ ! મારા માટે તમે સારી વાતો કરો છો. અરે વાહ ! ઠીક વાતો કરો છો કે આ મારા શિષ્ય ગોશાલક મંખલી પુત્ર છે. પરંતુ તમને અત્યાર સુધી ખબર જ નથી કે આપનો શિષ્ય ગોશાલક ક્યારનો મરી ચૂક્યો છે. હું તો અન્ય છું. છોડાયેલા શરીરને ગ્રહણ કરતાં કરતાં મેં એ ગોશાલકના શરીરને પડેલું જોયું તો એમાં પ્રવેશ કરી દીધો છે. આ મારો સાતમો શરીરાંતર પ્રવેશ(પઉટ્ટ પરિહાર) છે. હું તો કોડિન્ય ગૌત્રીય ઉદાયી છું. હું ગોશાલક નથી, ગોશાલકના સ્થિર મજબૂત સહનશીલ શરીર જોઈને મેં આમાં આ સાતમો પ્રવેશ કર્યો છે. આથી હું ઉદાયી છું, ગોશાલક નથી, સોળ વર્ષ મને આ શરીરમાં તપ સાધના કરતાં થઈ ગયા. ૧૩૩ વર્ષની મારી ઉંમર છે. એમાં મેં આ સાતમું[પઉદ્મપરિહાર] શરીર પરિવર્તન કર્યું. એટલા માટે આપે સમજ્યા વગર ઠીક કહેવાનું શરૂ કરી દીધું કે આ ગોશાલક છે અને મારા શિષ્ય છે. આ રીતે વ્યંગ ભર્યા શબ્દોમાં ગોશાલક મનમાની બોલતો જ ગયો.
ભગવાન દ્વારા ગોશાલકને સંબોધન :- એના થોભવા પર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રકારે કહ્યું– હે ગોશાલક ! જેમ કોઈ ચોર પરાભવ પામીને ક્યાં ય છુપાવાનો અવસર ન હોય અને ઊન, શણ, કપાસ, તૃણ વગેરેથી પોતાને ઢાંકીને