________________
૧૧૬
૧૧૫ અયોધ્યાની ભૂમિ પર કલ્પવૃક્ષો ઊગતા હશે તે જમાનો કેવો હશે. અસિ, મસિ અને કૃષિ વિહોણી અલ્પદોષ જીવનપ્રણાલી અહીં સદેહે જીવતી, અયોધ્યાની ધરા પર યુગલિકો સંચરતા એ કલ્પના જ કેટલી રોમાંચક છે ? બાળ ઋષભની આ ક્રીડાભૂમિ છે તે તો ઔર આલાદક કલ્પના થઈ. ઇન્દ્રમહારાજા ભગવાનના વંશનું નામકરણ કરવા હાથમાં ઇક્ષુના સાંઠા લઈને આવ્યા ને અમૃતભોજી ઋષભકુંવરે હાથ લંબાવી એ શેરડી માંગી તે ઘટનાથી પરમભક્ત ઇન્દ્ર મહારાજાને કલ્યાણક સમો જ રોમહર્ષ થયો હશે. ભગવાન હાથ લંબાવીને માંગે તેમાં જ ભક્તિની સચ્ચાઈ છે ને ?
પેલા યુગલિકોને પ્રભુએ-શું ખાવું, શી રીતે ખાવું ને શેમાં ખાવું તે સમજાવ્યું અને પ્રભુ તો પોતે ખાવાપીવાની વૃત્તિથી અલિપ્ત જ રહ્યા. બહોતેર કળા અને ચોસઠ કળાનું પ્રવર્તન પ્રભુએ કર્યું ને જાતે તો આત્માની અનંત કળામાં લયલીન રહ્યા. સામ્રાજયના સર્વપ્રથમ અધિનાયક બન્યા છતાં અવધૂતની છટાથી જ રહેતા. સંસારની નવી વ્યવસ્થાનાં સૂત્રો પ્રભુએ રચ્યા ને જાતે તો એનાથી તદ્દન નિર્લેપ રહ્યા. કલ્પવૃક્ષોની વિદાયથી અરાજકતા ન ફેલાય તેની પ્રભુએ કાળજી લીધી, અવ્યવસ્થામાંથી દોષ, પાપ અને ઉદંડ મનોભાવ ન જાગે તે માટે ભગવાને સૌને કેળવ્યા. પ્રશિક્ષકના ઉત્સાહથી કે માર્ગદર્શકના ગર્વથી નહીં, સાક્ષીભાવની સાધના જાળવીને પ્રભુએ નૂતન યુગનું ઘડતર કર્યું અને આખરે એનો ત્યાગ જ કર્યો. જે પ્રવૃત્તિ શીખવી તેને છોડવાનો માર્ગ ખૂલ્લો મૂક્યો. જે વિચારો સિંચ્યા તેનાથી પરમ શ્રેષ્ઠ સદાચારને ઉપદેશ્યા. જે વ્યવસ્થા ગોઠવી હતી તેમાંથી જ વિરક્ત બનીને સાધક બનવાની જીવનશૈલી પ્રભુએ પ્રવર્તિત કરી. આશ્ચર્યની અનુભૂતિ એ હતી કે વર્તમાન ચોવીશીમાં આ આદિનાથ ભગવાને જ એક જીવનમાં બે યુગપ્રવર્તક કાર્યો કર્યા છે. એક, યુગલિકોની સંસ્કૃતિનું ઘડતર. બે, ધર્મતીર્થની સ્થાપના. અયોધ્યામાં આવ્યા ત્યારે પ્રભુની બન્નેય પ્રવૃત્તિ યાદ આવતી હતી.
ચૈત્ર વદ નવમી : ઝુબુલિયા રામાયણના એ મહાપુરુષોની સંવેદનાઓ વ્યાખ્યાનોમાં અનેકવાર આલેખી છે. પરંતુ અયોધ્યાની ભૂમિ પર, એ જ મહાપુરુષોની જીવનભૂમિ પર ચાલતી વખતે લાગ્યું કે આપણી પોતાની સંવેદના જ આલેખી શકાતી નથી
આજે. આદર્શો પૂરેપૂરા સમજાયા નથી, સમજાયા છે તે જીવનમાં ઉતર્યા નથી છતાં આદર્શોની મોટી મોટી વાતો કાયમ કરી છે. અયોધ્યાના એ મહાન્ પુરુષો આદર્શોને જીવતા. એમને માટે આદર્શો સહજ હતા. સહજ એટલે શીખવાની જરૂર ન પડે એટલા બધા કુદરતી. એ બોલતા તો આદર્શોનું સંગીત રચાતું. એ મૌન રહેતા તો આદર્શોનો ઝંકાર સતત ઉઠતો. એમની કબૂલાતમાં અને રજૂઆતમાં, એમના આગ્રહમાં અને વિરોધમાં કાયમ આદર્શ અનુભવાતો. પવિત્રતાને અંગેઅંગમાં ઝીલી હતી એમણે એ જીવ્યા તેમાંથી કથા અને કાવ્યો સર્જાય તે ખરું, પણ લોકોમાં સારા દેખાવા માટે અને ઊંચા પૂરવાર થવા માટે તેઓ કદી અલગ રીતે વર્યા નથી. પોતાનો સંસ્કારવારસો જાળવવા દરેક પ્રવૃત્તિમાં જોડાયા. સંસ્કારોની સાચવણી ખાતર સમૃદ્ધિ અને સંપદાનો ભોગ સુદ્ધાં આપ્યો. મહત્તા અને ગરિમા એમને શ્વાસ સમી સહજ હતી. આજે શ્વાસ સિવાય બીજું કશું સહજ નથી આપણને. ખરાબી શીખી લેવાય છે, ભૂલ સહસા થતી રહે છે. તે સૌ મહાપુરુષો ખરાબી અને ભૂલથી દૂર ભાગતા તેમ ન કહેવાય. કહેવું એમ જોઈએ કે ખરાબી અને ભૂલ એમનાથી દૂર ભાગતી. ક્યારેક કોઈ ગલત નિર્ણય લેવાયા તોય એની ભૂમિકામાંય કશોક બોધપ્રદ ભાવ જરૂર રહેતો. સર્વાધિક લોકપ્રિય મહાકથાના જીવનનાયકોની જન્મભૂમિ અયોધ્યામાં મન દ્રવતું હતું. કોઈ કલ્પનાની જરૂર નહોતી. કોઈ ચાલાક શબ્દરચનાનો ઉપયોગ રહ્યો નહોતો. અનાયાસ વહેતા ઝરણાની જેમ સમગ્ર રામાયણ અંતસ્તલમાં જીવાતું હતું. કોઈ ઘટના નાની નહોતી, કોઈ ઘટના મોટી નહોતી. કેમકે રામાયણ સ્વયં એક મહાઘટના છે તે સમજાઈ ચૂક્યું હતું. એ યુગના કોઈ અવશેષ મળવાના નહોતા, નક્કી હતું. એ સમયનું ધરાતલ મહાકાળનાં ઘમસાણમાં દબાઈ ચૂક્યું હોવાથી એની શોધ કરવાની નહોતી. જોવું હતું માત્ર આકાશ, જેણે દિવસ રાત રામાયણની જીવમાન, પરંપરાબદ્ધ અને સર્વાગસત્ય પ્રસંગધારાને અજવાસથી સીંચી હતી ને અંધકારથી આશ્વાસી હતી. બધું બદલાય છે, આકાશ નથી બદલાતું. સૂરજ-ચંદા-તારાનું છત્ર હરહંમેશ રહે છે. રામાયણની કથાનું દરેક નામ એની છાયામાં ઘડાયું છે. અયોધ્યામાં સદાકાળ જીવે છે અને જીવશે રામાયણનું આકાશ. હા, કારણ કે રામાયણની કથાનું દરેક નામ આસમાનની બુલંદી સાથે જીવ્યું હતું, રાતભર અને દિવસભર મનભરીને રામાયણનું આકાશ જોયું હતું. હજારો પ્રસંગો અને સેંકડો નામો ગુંજતાં હતાં. શું લેવું અને શું છોડવું