________________
૮૯
ફાગણ સુદ દશમ : પાવાપુરી નિર્વાણમંદિર. વીરપ્રભુની વિદાયનો મર્મ સમજશક્તિ આવ્યા પછી સમજાયો હતો અને ત્યારે જ પ્રભુવિરહનો આઘાત નવેસરથી અનુભવ્યો હતો. આજે એ ઘા તાજો થતો હતો. માત્ર બહોતેર વરસ જ જીવ્યા પ્રભુ. ઇન્દ્રમહારાજાએ આયુષ્ય લંબાવવાની વિનંતી કરી હતી. તે ભારતવર્ષના આરાધક માત્રની લાગણી હતી. ભસ્મગ્રહની બધાને ખબર નહોતી. બધા તો પ્રભુની વિદાયને જ ભયંકર ગ્રહ સમજતા હતા. આ ગ્રહને માત્ર પ્રભુ જ રોકી શકવાના છે, તેમ સૌ માનતા હતા. ભગ્રહ તો અઢી હજાર વરસેય ઊતરે. વિદાયનો ગ્રહ તો ક્યારેય નહીં ઊતરે, એ સનાતન સાડા સાતી બનીને નડશે, સૌ સમજતા હતા. સોળ પ્રહરની દેશનાના અંતે એ ક્ષણ આવી હતી. કલ્યાણક, મોક્ષ કલ્યાણક, આ અવસર્પિણીનું અંતિમ કલ્યાણક. પણ આ કલ્યાણકથી મળ્યું શું ? આગલાં ચાર કલ્યાણકોમાં પ્રભુનું સાંનિધ્ય મળતું રહ્યું હતું. આમાં તો અસંખ્ય જનોનો આધાર ચાલી ગયો હતો. પ્રભુનાં કલ્યાણકથી જો પ્રભુ જ ગુમાવી દેવાના હોય તો એ સહન કરવાની ત્રેવડ હતી નહીં. શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનાં આંસુ તો દૂર હતાં ને મોડાં હતાં. અહીં તો નજરોનજર વિદાય જોઈને હૃદયભંગ પામનારાઓનાં આંસુ ઝર્યા હતાં. એ આંસુનાં બુંદ બુંદ પર પ્રભુનો પ્રેમ હતો, એમના વિલાપના અક્ષરે અક્ષરમાં દેવાધિદેવની ભક્તિ હતી. હવે કોઈ આશ્વાસન મંજૂર નહોતું. ભગવાન ચાલી જાય પછી એવી વાતોનો અર્થ જ શો ? માલકૌંસ રાગ હવે ઝંખવાઈ જવાનો કેમ કે ભગવાનની દેશનાઓ પૂરી થઈ ગઈ. ભગવાનની ગોચરીનો લાભ હવે નહીં જ મળે. સમવસરણના ત્રણ ગઢ હવે જોવા નહીં મળવાના. અરે, આજ સુધી સમવસરણનો વૈભવી ઠાઠ ધ્યાનથી જોયો જ ક્યાં છે ? પ્રભુને જોવામાં બધું જ ભૂલી જવાતું હતું.
ભગવાન ભાવનાઓની સામે પાર હતા. કર્મો તૂટી ગયાં. આયુષ્ય અને સંસારનો એકી સાથે અંત આવ્યો. ચૌદમું ગુણસ્થાનક પાંચ સ્વરોમાં સમેટાયું. આ ધનભાગી ધરા પર પ્રભુનો આત્મા સંપૂર્ણ નિર્મળ બન્યો. સત્યાવીસ ભવની સાધનાનું અજરામર ફળ લાધ્યું, દિવાળીના દીવા થાય તે પૂર્વે પ્રભુનું કર્માતીત આત્મતેજ નિખરી આવ્યું. જે સમયે કર્મો છૂટ્યાં તે જ સમયે પ્રભુએ આ સ્થાનથી ઉર્ધ્વપ્રયાણ કરીને સિદ્ધશિલા પર સ્થાન મેળવ્યું. જાણે અનંત મહાસાગરમાં એક
નવી મહાભરતી ભળી ગઈ.
મહારાજા નંદીવર્ધને પ્રભુવીરનાં ત્રણ પગલાં ભરાવ્યાં, એક આ નિર્વાણ મંદિરમાં છે. બીજાં જલમંદિર અને સમવસરણ મંદિરમાં છે. આ મંદિરનાં પ્રતિમાજી પણ ખૂબ પ્રાચીન છે. પ્રભુના જીવનપ્રસંગોનાં વિગતવાર ચિત્રો પણ મંદિરમાં છે. આ વિદાયભૂમિનું વાતાવરણ અવાચક કરી દે છે. અહીં બોલવું કે વિચારવું શક્ય નથી, અહીં તો એક જ સંવેદના થાય છે : ગદ્ગદભાવ.
ફાલ્ગન પૂર્ણિમા : પાવાપુરી દૂર પુરી ગામમાં હોળીની જવાળા ભડકી ઊઠી તે જોઈ. ઢોલ ને નગારા ગાજયા, આદમી ઘેલા થઈને બૂમરાણ મચાવવા લાગ્યા. ઠેર ઠેર હુતાશન જાગ્યો. નીલઘન આકાશ ધરતીને અડતું હતું ત્યાં કેસરિયા ભડકાની કતારો સર્જાઈ. રહી સહી ઠંડીને બાળી મારવાની લૌકિક ઉજવણીરૂપ હોળીની રાતે લાઈટસ ચાલી ગઈ હતી. તેથી અગનના તેજ સહજ રીતે નીખરતા હતા. ધીમે ધીમે એ અજવાળાં ઠર્યા. પૂનમની પૂર્વરાત્રિનો ચંદ્રમાં તો કયારનો ઉપર આવ્યો હતો. ચારે કોર બીજા બધા ચમકાટ શમ્યા પછી તેની ચાંદનીને ઝીલતું આરસબદ્ધ નાજુક શિલ્પમંદિર એકાએક આંખો પર પથરાયું. રાતરંગી આસમાનની પાર્શ્વભૂને લીધે એની ધવલતાને અનુરૂપ વિરોધમેળ સાંપડતો હતો. શ્રીસમવસરણમંદિરનાં નખશિખ સૌન્દર્યની આવી છબી તો જોવા છતાંય માન્યામાં ન આવે. કોઈ દેવતા હમણાં જ અમૃતનો લેપ કરી ગયો હોય તેમ સંપૂર્ણ મંદિર ઝકઝોળ હતું. ચંદ્રકાંત મણિમાંથી પાણી ઝરે, આમાંથી તો સ્વયંભૂરમણનાં ક્ષીર નીતરતાં હતાં. બરફને ફરીથી થીજવીને એકદમ ઘટ્ટ બનાવ્યો હોય ને તેમાંથી સમગ્ર વાસ્તુ રચાયું હોય તેવું જ લાગતું હતું. આકાશમાં ઊડવા માંગતું દેવવિમાન ઊપડતા પહેલા શ્વાસ ભરી લેતું હોય તેવી આભા રેલાતી હતી, સમવસરણ મંદિરનાં ત્રણ ગઢ, સોપાન અને તોરણ. અશોકવૃક્ષ નીચેનો વિશાળ ચોતરો અને વાવડીઓ, બધું જ જાણે અધરાતે સહજીવન થઈને દ્રવતું હતું. હિમાલય ધીમે ધીમે ધરતીમાંથી બહાર આવતો હોય તેવો અપ્રતિમ ઉજ્જવલ રંગનિનાદ જાગતો હતો. ધવલતાનો પ્રભાવ એવો છવાયો હતો કે બોલીશું તો આપણો અવાજ પણ એમાં રંગાઈ જશે તેવું લાગે. ચંદ્રનાં અજવાળાને રોમેરોમથી પીતાં હોય તેવા આરસના પાષાણોનું સંપૂર્ણ ચિત્ર દોરાયું હતું. ચંદ્રમા