________________
૬૮
બદલાતાં પાણીને લીધે શરીરનું વાતાવરણ ખોરવાયું હતું. અજાણ્યા અને અવાવરું મકાનોમાં અડધા ઉજાગરે સંથારા કર્યા હતા. કાળોતરા સાપ અને વીંછીઓ ફરતા હોય તેવી કેડીઓ પર ઊભા રહ્યા હતા. ટોળાઓની કૌતુકભરી નજરનો સામનો કર્યો હતો. ભિખારીઓ અને દારૂડિયાઓની માંગણીઓ વેઠી હતી. ઝુંપડામાં રહ્યા હતા ને સારાં ગણાતાં સ્થાનોમાં રહેવાની ના પણ કાનોકાન સાંભળી હતી. અતિશય લાંબા વિહારો થયા હતા. બધું જ ખમી લીધેલું, અહીં સુધી આવવા, મહિનાઓના આકરા વિહારની લક્ષ્મભૂમિ પર તે દિવસની યાત્રીના આઠમા કલાકે પહોંચાયું ત્યારે આસપાસ ભીડ ન હોત તો પગલાં સમક્ષ રોઈ પડાયું હોત. અસહ્ય આનંદ ઉમટ્યો હતો અંતરમાં.
પ્રભુપાર્શ્વનાં નિર્વાણની ક્ષણ અહીં સદાકાળ જીવે છે. મજબૂત પગથિયાનાં શતકબદ્ધ આરોહણ પછી ઊંચાં જિનાલયને પ્રદક્ષિણા આપવાનું યાદ નથી રહેતું. સીધો જ અંદર પ્રવેશ થઈ જાય છે. અંદર નાનકડી દેરી છે. તેમાં પ્રભુનાં પગલાં છે. જિનાલય એટલું તો ભવ્ય છે કે આપણે પહાડની ટોચ પર છીએ તેનો ખ્યાલ જ ન આવે. દર્શનાર્થીઓનો કોલાહલ ન હોય તો પ્રભુપાર્શ્વનાં પગલાંની આહટ કદાચ, હજી સંભળાય. પ્રભુની વિદાય થઈ તેની પોણાત્રણ હજાર વરસ જુની વેદનાકથા સાંભળવા આકાશ નજીકમાં આવી ગયું છે. પાર્થપ્રભુનું અનંત મૌન, તડકામાંથી ઘરમાં વેરાતા અજવાસની જેમ મંદિરભરમાં પ્રસરેલું છે. એ મૌનની વ્યાખ્યા શક્ય નથી. એની અનુભૂતિ જ હોય. અતૃપ્તભાવે વારંવાર દર્શન કર્યા. જિનાલયને પ્રદક્ષિણા દીધી. મંદિરની પાછળના ભાગે પગ થંભી ગયા. સળંગ અને ભીષણ અને પ્રલંબ ઢાળ હતો ખીણનો. મહાઝરણને કૂદવા માટેની લપસણી જ જાણે. પ્રભુનાં નિર્વાણ પછીનાં અંતિમ ખાત્રજળ આ ઢાળે નીસર્યા હશે. મંદિરનાં જમણા પડખે ઢાળ, એને છેવાડે માથું ઊંચકતા પહાડ. લીલાધેરા વિસ્તાર પર ઝળકતો તડકો. પંખીઓના પડઘાદાર કલબલાટ. હવાની આરામબારી જેવા પહાડોના વિશાલ પોલાણ.
જિનાલયની નીચે ભોંયરા જેવી ગુફામાં પ્રભુની નિર્વાણશિલા છે. પ્રભુના જીવંત સ્પર્શનો છેલ્લો અનુભવ આ પથ્થરે લીધેલો. ચૌદમા ગુણસ્થાનકની અજીબોગરીબ યોગ પ્રક્રિયાનું સાત્વિ એને મળ્યું. એને મસ્તક અડાડ્યું. પ્રભુના ખોળે બેઠા હોઈએ તેવી અનુભૂતિ મળી. યાત્રાની એ આખરી
મંઝિલ હતી. પ્રભુ પોતાની સાથે, સદા માટે રહેવા બોલાવી લે તેવી ભાવના ધબકતી રહી. ઉઠવું નહોતું પણ યાત્રા પૂરી થઈ હતી. હવે નીચે જ ઉતરવાનું હતું. માત્ર પર્વત પરથી નહીં. યાત્રાનંદની સપાટી પરથી પણ, એ નવમો કલાક હતો. ચઢાણ પર ચાલ્યા, તડકો ઝીલ્યો, પસીને નીતર્યા અને પગને આરામ ન દીધો તે બધાની પ્રતિક્રિયારૂપે ખાલી પેટમાં ઊલટી ચડી હતી. પુજારીઓ ભેગા થઈ ગયા. દવા લાવવાની વાત કરવા માંડ્યા. ના પાડી. ભગવાનને છોડીને દૂર જવાનું હોય તેની સજા તો ભોગવવી જ પડેને. સૂર્યાસ્તના માંડ અડધા કલાક પહેલા ભોમિયાજી ભવને પહોંચી શકાયું.
મહા સુદ એકમ : બદર્મા શિખરજીની યાત્રા તો હવે રોજ સવારે મનોમન થાય છે. ત્રણ યાત્રા કરી એટલે દરેક રસ્તા બરોબર યાદ રહી ગયા છે. મધુવનમાં જિનાલયો હતાં તેય જુહાર્યા હતાં. શ્વેતાંબર કોઠીનું જિનાલય સૌથી વિશાળ . ભોમિયાજી ભવનમાં નવનિર્મિત જિનપ્રસાદ છે તેનો ઠાઠ નોખો છે. આગળ જૈન મ્યુઝિયમ છે તેમાં દૂરબીન ગોઠવેલાં છે. એમાંથી શ્રી ચંદ્રપ્રભજી અને શ્રી પારસનાથજીની ટૂંક નજીક દેખાય. શ્રી પારસનાથજીની ટૂંક તો દૂરદૂરથી દેખાય છે. હવે એટલા દૂર આવી ગયા છીએ કે એનાં દર્શન નથી થતાં. જ્યાં જઈશું ત્યાં સૌ કોઈને શિખરજી યાત્રા કરવા પ્રેરણા કરીશું. કોઈ યાત્રા કરવા જતું હશે તો તેને કહીશું-યાત્રા કરતા યાદ કરજો. અવાજ ત્યારે ભીનો થઈ જશે. ત્રણ યાત્રા જીવનભર યાદ રહેશે. શિખરજી, શિખરજી.