________________
૧૯૩
હતું. ઘણી વખત સાપ સાથે પનારો પડ્યો. કાયમ બચી ગયા. પાર્થપ્રભુની
કૃપા.
૨૨
શ્રી જૈન તીર્થ સર્વસંગ્રહની યાત્રા
કાંજી પાનીનો ઘાટ એકદમ લાંબો હતો. એટલું જંગલ જ. એક તરફ ઊંડી ખીણમાં હરિયાળી. બીજી તરફ ઊંચા પહાડના નજર બહાર રહી જતાં વૃક્ષો. રસ્તા પર ઝબૂભતી તોતીંગ શિલાઓ. ઘનઘોર લાગતી શાંતિ. એ દિવસે ધુમ્મસ ઘણું હતું. ઘણા ઊંચે પહોંચ્યા પછી ધુમ્મસનું પડ ફાટ્યું હતું. હિમની જેમ થીજી રહેલાં વાદળને હવાએ ફેલાવ્યા હતા. જોગંદરની સફેદ જટાની એક લટ જેવી લકીર રોડ પર સરી આવી હતી. અમારાથી ધુમ્મસમાં ચલાય નહીં તે સમજતા હોય તેમ બધાં જ વાદળ ઉપર જતાં રહ્યાં. ભવ્ય સૃષ્ટિ પ્રગટ થઈ. ખીણનું ઊંડાણ, તેમાં ઊગી આવેલાં ઊંચા વૃક્ષોને લીધે કળાતું નહોતું. એક જગ્યાએ પાંચ દસ વૃક્ષો પડી ગયેલાં ત્યાં ડોકિયું કર્યું તો ભીષણ કૂવાનું અતલ ઊંડાણ. રોડની કોરે જ આટલું ઊંડાણ હોય તો આગળની તો વાત જ શી. નિસર્ગવર્ણન તો અનર્થદંડ છે. તેથી વાત લંબાવવી નથી.
ઓરિસ્સામાં ગરીબી છે, ઓરિસ્સા પછાત છે એવી વાતો ચાલે છે. આ ગરીબી અને પછાત દશાને લીધે જ ઓરિસ્સામાં વનવિસ્તાર સલામત છે. જે દિવસે અહીં ગરીબી ટાળવાનાં સાધનો આવશે તે દિવસથી આ લીલોછમ પ્રદેશ ઉજ્જડ થવા માંડશે. આધુનિકતાનો વિપાક મોટા શહેરો તો ભોગવે જ છે. આ જંગલોય તેનો ભોગ બન્યા છે. રોડ બંધાયા તેને લીધે વન્યજીવોની જિંદગી અશાંત બની ગઈ છે. ગાડીઓના ઘોંઘાટ, પેટ્રોલની ગંધથી તેમનેય ત્રાસ ઉપજે છે. માણસે પોતાનાં અર્થતંત્રને સાચવવા રોડ બાંધ્યા તેનાથી હજારો વૃક્ષો કપાયાં. રોજ પશુઓ અને ખાસ તો સેંકડો સાપ રોડ પર ગાડી તળે ચંપાય છે તેની ગણના જ નથી.
સતનામાં બે દિવસ રોકાયા. ત્યાંનાં જ્ઞાનભંડારમાંથી એક દળદાર ગ્રંથ મળ્યો. શ્રી જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ ૧-૨. તાજેતરમાં જ બધી યાત્રાઓ કરી હતી, જે તીર્થોનો લાભ મળેલો તે તમામની માહિતીઓ વાંચવા માંડી, ઘણી તો ખબર હતી. થોડી નવી વાતો પણ હતી. વાંચવાની સાથે જ તીર્થો સાથે અનુસંધાન રચાતું ગયું. આખી યાત્રા નવેસરથી અનુભવી. યાત્રા કરતા પૂર્વે તીર્થ વિશે વાંચીએ ત્યારે જાણકારી મેળવવાનો કોરો ભાવ હોય છે. યાત્રા કરી લીધી હોય અને પછી વાંચીએ ત્યારે તીર્થો સાથેનું અંગત સામીપ્ય હોય. જેમ વંચાતું જાય તેમ સમીપતા ઊંડી બનતી જાય.
સૌથી પહેલી વાત નાલંદાની આવીઅંદર લખ્યું હતું : “મૂળનાયક શ્રી ઋષભદેવની જમણી બાજુએ આવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાનું શિલ્પ તો શિલ્પીએ ફુરસદના સમયે ઘડ્યું હોય તેમ લાગે છે. નાલંદા વિશ્વવિદ્યાલયની ખોદકામમાંથી મળી આવેલી આ પ્રતિમાની બરાબરી કરી શકે એવું એક પણ શિલ્ય હજી મળી આવ્યું નથી. પરંતુ જૈનોની કલા તરફની બેદરકારીને લીધે, નાલંદાનાં વિશ્વવિદ્યાલયનાં ખંડેરો અને શિલ્પોનું જ્ઞાન જગતના કળાપ્રેમીઓમાં જેટલું મશહૂર છે તેટલું જ અજ્ઞાન નાલંદાના પાડોશમાં આવેલા આ કલાશિલ્પોનું છે.”
તદ્દન સાચી વાત. વિદેશીઓના ટોળેટોળા વિશ્વવિદ્યાલયમાં ઉમટે છે. સેંકડો અને હજારો લોકોની કતાર હોય છે ત્યાં. આપણાં જિનાલયમાં જવલ્લે જ કોઈ આવે છે. જો કે, કોઈ જોવા આવે એના પર ભગવાનના મહિમાવંતા