________________
૧૮૭
ગુનો કરે તો એમને કેદ થાય. લાંબી સજાવાળાને હવે ઓપન જેલમાં મોકલે છે. ડેમ એ પાણીની ઓપનજેલ છે. વગર ગુનાની સજા.
(૨)
ઓરિસ્સાની પ્રજા ગરીબ. એક છાપરા તળે જીવે. એક કપડું વરસભર ચલાવે. એક અન્ન પર જીંદગી નીભાવી લે. માટીની ભીંતો પર ઝાડના થડ ગોઠવીને ઘાસપાંદડા બીછાવી દે. ઘર તૈયાર. દર ચોમાસે છાપરાને સજાવી લેવાનું. એક માત્ર ચૂલો હોય ઘરમાં. લાકડાથી સળગાવે. ખાવાની વાનગી મર્યાદિત. વાસણો પણ એટલે જ સાવ ઓછા. નાની ઝૂંપડીમાં જીવન જરૂરિયાતની બધી ચીજો ભરી દીધી હોય તોય જગ્યા વધે. ઘરમાં નળ ન હોય. નહાવા માટે તળાવે જાય. નહાવાની સાથે જ કપડાં ધોઈ લે કેમ કે બદલવાની બીજી જોડ ન હોય. નહાતી વખતે કપડાં ભીના થયાં તેને પાણીમાં હલાવી, નીચોવીને ભીનેભીનાં પહેરી લે. કપડાંના ખાનાં કે કબાટની એમને કલ્પના નથી. વાસી ચાવલ તેમની બારમાસી વાનગી. રાતે ચોખા પલાળી દે. સવારે એના ગઠ્ઠા થઈ જાય તેને મીઠાઈની જેમ હોંશથી ખાય. એમના શરીર પર ચરબીના થર કદી ન ચડે. ખેતરોમાં મજૂરી કરી દિવસના પંદરવીસ રૂપિયા રળી ખાય. ઉડિયા પ્રજા આળસુ ગણાય છે. પણ લગભગ સવાસો રાઈસમિલ એમના પસીનાથી ચાલે છે. ગરીબીના એ સાક્ષાત્ અવતાર. છતાં ખુમિજાજ રહે. રડારડ નહીં. શહેરોમાં જીવન જરૂરિયાતની તકલીફો વેઠનારા આ ગરીબી જોઈ લે તો ફરિયાદ કરવાનું ભૂલી જાય. ઘરે ઘરે ખરીદી કરવાનો ને ઘર ભરવાનો પ્રવાહ ચાલ્યો છે. તે આ ગરીબી જોયા બાદ નક્કામો લાગશે. ખાલીખમ ઝૂંપડીમાં આખી જિંદગી કાઢનારા, ચીજવસ્તુ માટે ઝઘડનારી આજની પેઢીને સાદગીનો આદર્શ આપે છે. આજે ઘરમાં ફક્ત એક જ નળ હોય તો ભારે તકલીફો થાય છે. આ ઝૂંપડીઓમાં પાણી આવતાં જ નથી. આખાં ગામ વચ્ચે માત્ર એક જ વોટરપમ્પ હોય છે. બધા જ પરિવારો ત્યાં પાણી ભરવા આવે. બપોરે નહાવાની ભીડ થાય. સાંજે પંપ એકલો પડી રહે. આ વિસ્તારની ગરીબી જોઈને ભારતના રાષ્ટ્રપિતાએ મોંઘા કપડાં પહેરવાનું છોડીને, ધોતીને સાદો વેષ અપનાવ્યો હતો. જો કે, જમાનાનો પવન વાયો છે એટલે આ લોકો સુધરવા માંડ્યા છે. ઓરિસ્સામાં એકકાળે જૈનધર્મનો જબરજસ્ત ફેલાવો હતો. મહારાજા
૧૮૮
ખારવેલની આ સામ્રાજ્યભૂમિ છે. આજે જંગલો ઘણાં છે. તેમાં આદિવાસીઓ તો હજી તીરકામઠાના યુગમાં જીવે છે. બહારના માણસોને ઝેરી બાણ મારીને ભગાવનારા, જંગાલિયતથી રહેનારા એ ક્રૂર સમાજનો વિસ્તાર ધીમે ધીમે અલબત્ત, ઘટતો જાય છે. આજની તારીખેય તેનો ગુજારો શિકારવૃત્તિ પર થાય છે. આ બધું જોઈએ ત્યારે લાગે કે આપણને સુખસુવિધા ભલે ઓછી મળી છે પણ જીવન તો ઘણું સારું છે. ભગવાનની કૃપાથી જિંદગી તો માણસ જેવી છે. જનાવર જેવી તો નથી જ.
(૩)
સંબલપુરથી નીકળીને સવારે કુંદેપાલી ગામની સ્કૂલમાં રોકાયા. બહાર ખેડૂતો ટોળેવળી બેઠા હતા. પોતપોતાના ડબ્બામાં હાથ નાંખી વાસી ચાવલ ખાતા હતા. એક ભાઈએ સ્ફોટક સમાચાર આપ્યા. અમે જઈ રહ્યા હતા એ રસ્તે એક પાગલ હાથી ગયો છે. હજી ગઈકાલે જ આ સ્કૂલની સામે એ હાથીએ એક આદમીને પગતળે છૂંદી નાંખ્યો છે. અમે જઈ રહ્યા હતા બદરમાની ઘાટી તરફ. એમાં સેંકડો હાથીઓ છૂટા ફરે છે. ઉનાળાના દિવસોમાં એ બધા ગામડા પર હલ્લો કરે. ખાવાનું ન મળે તો આખા ગામને ઉજ્જડ કરી ચાલી જાય. ખેતરોમાં આઠ મહિને જે પાક તૈયાર થયો હોય તે બે કલાકમાં ખતમ કરી નાંખે. એમને કોઈ રોકી ન શકે. આવા જોખમી વિસ્તારમાં ચાલીને જવાનું. પેલો ગાંડો હાથી જોઈ જાય તો જિંદગીનો છૂંદો થઈ જાય. મહાત્માઓ વાધનાં આક્રમણ વચ્ચેય નિર્ભય હતા. એ કક્ષાથી આપણે ઘણા દૂર છીએ તે સમજાતું હતું. ઊંચા પહાડ પર વિસ્તરેલું જંગલ દેખાતું હતું. સાંજનો વિહાર થયો ત્યાર સુધી ખાસ વાંધો ન આવ્યો. બીજે દિવસે બદરમાનો ઘાટ શરૂ થયો. થોડું જ ચઢાણ પસાર કર્યું ત્યાં ખીણમાં ફેલાયેલી અનંત વનઘટા નજરે પડી. મોટાં વાહનો જ રોડ પરથી જતાં. ચાલનારું કોઈ ન દેખાય. એક જગ્યાએ સેંકડો ઝાડ બેફામ રીતે તૂટેલાં હતાં. આ તો હાથીના જ પરાક્રમ. હમણાં ચીંઘાડતો સામે આવશે. પૂછશે : સ્વામી શાતા છે જી ? પહાડ પર આગળ નીકળતા ગયા તેમ જંગલ ઘોર થતું ગયું. યવતમાળનું જંગલ તો ઝાંખરા લાગે એવો સઘન જંગલપ્રદેશ હતો. નિસર્ગની રમણીય છટાના અગણિત પર્યાયો ઉઘડતા હતા. વચ્ચે તીવ્ર બદબૂ આવતી તો જરા સાવધાન થઈ જતા. મોડેથી મુકામ આવ્યો. રેસ્ટ હાઉસ. સંપૂર્ણ સલામત સ્થળ.