________________
૬૧
ક્ષમાપના જીવનનો અને ધર્મનો પ્રાણ છે
પરમાત્મા શ્રીમહાવીરદેવે જીવનને ઉચ્ચ બનાવવા બે સૂત્રો આપ્યા છે—અહિંસા અને ક્ષમાપના. આપણી પ્રસન્નતાનો પાયો અહિંસા છે. હિંસાથી વાતાવરણ બગડે છે. હિંસા સંવેદનાને ખતમ કરે છે. તો કષાયો સમતાને ખતમ કરે છે. આપણા જીવનનો મૂળમંત્ર બીજા જીવોનો વિચાર હોવો જોઈએ. આપણી દરેક પ્રવૃત્તિમાં બીજા જીવને દુઃખ ન થાય તેવી ભાવના હોવી જોઈએ. આપણા ક્ષુલ્લક સુખ માટે આપણે અનેક જીવોની હિંસા ઉત્તેજન આપીએ તે યોગ્ય ન ગણાય. સૌંદર્ય પ્રસાધનો કે સગવડ વધારતા સાધનોની પાછળ હિંસા અથવા ક્રૂરતા રહેલી છે તે વાત આખી દુનિયા જાણે છે. સરવાળે સહુ દુ:ખી થાય છે. નવી નવી શોધો થવા છતાં માનવજાત સંપૂર્ણ રોગ મુક્ત નથી બની શકી. તેનું કારણ વિકાસના પાયામાં રહેલી હિંસા છે. કબર પર મહેલ રચીને તમે શાંતિથી સૂઈ શકો નહીં. અહિંસા માટે આત્મ-પરિવર્તન આવશ્યક છે. જે ક્ષમાપના દ્વારા શક્ય બને છે. જગતના તમામ જીવોની જાતની અને જગત્પતિ પરમાત્માની ક્ષમા માંગીને અંતર નિર્મળ કરવાનું પર્વ પર્યુષણ છે. ક્ષમાપનાની શરૂઆત કુટુંબના સભ્યોથી થાય છે. ઘરના વડીલ દ્વારા ક્ષમાપનાની શરૂઆત થવી જોઈએ. ઘરના તમામ સભ્યો એક-બીજાની ક્ષમાપના કરી લે તો કુટુંબમાં રામાયણ મહાભારત સરજાતાં અટકી જાય. ક્ષમાયાચના કેવળ વ્યવહાર ન બની રહેતા જીવનધર્મ બની રહેવો જોઈએ. દીવાળીના ગ્રીટીંગ કાર્ડની જેમ ક્ષમાપના માત્ર કાર્ડથી થાય તે વ્યાજબી નથી. પરદેશમાં રહેતા સ્વજન સાથે ક્ષમા કરનાર વ્યક્તિ પાડોશી સાથે ક્ષમાપના ના કરી શકે તે આશ્ચર્ય કહેવાય.
અવસર ઃ પર્યુષણ પર્વ
- ૭૧ ~
sabada\2nd proof
૬૨
માણસ જીવન માટે નથી ખાતો જીભ માટે ખાય છે
માણસનું મન પાણી જેવું છે. ઢાળ મળે ત્યાં તરત વહી જાય છે. ખરાબ નિમિત્ત મળે તો મન તરત એ તરફ વળી જાય છે. પાણીને ઉપર ચઢાવવા મોટર ચલાવવી પડે છે. મનને ઉપર ચઢાવવા મહેનત કરવી પડે છે. પાણી અને મન માટે પતન સહજ છે. ઉત્થાન કઠણ છે.
જે વ્યક્તિ પોતાના દુઃખને જુએ છે અને બીજાના દોષોને જુએ છે. તેનું પતન જલ્દી થાય છે. જે વ્યક્તિ બીજાના દુઃખને અને પોતાના દોષને જુએ છે તેનું ઉત્થાન ઝડપથી થાય છે. પતનથી બચવા માટે જીવનમાં સારા આદર્શ હોવા જરૂરી છે. આદર્શ તરીકે શ્રેષ્ઠ વ્યક્તિને નજર સમક્ષ રાખવાથી ન ધારેલા કાર્યો સિદ્ધ થઈ શકે છે.
પર્યુષણના દિવસો શ્રેષ્ઠ આદર્શો અને આદર્શભૂત વ્યક્તિઓની યાદ કરાવે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મુક્તિનો શ્રેષ્ઠ આદર્શ આપી ગયા છે. સાડા બાર વરસના સાધના કાળમાં પરમાત્માએ સાડા અગિયાર વરસ ઉપવાસ કર્યા. ઉપસર્ગોની પરવા નથી કરી. સમભાવની સાધના કરી. કઠોર તપ કર્યું.
આત્માના ઊંડાણમાં ઘર કરી ગયેલા ગાઢ દોષોને બહાર લાવવાની પ્રક્રિયાનું નામ તપ છે. તપથી દેહ શુદ્ધિ અને મનશુદ્ધિ તો થાય જ છે. પણ દોષશુદ્ધિ સવિશેષ થાય છે. શરીરને તપાવે તે તપ નથી, લંઘન છે. મગજને તપાવે તે તપ નથી, દોષોને તપાવે તે તપ છે. તપથી ઇચ્છાઓ ઉપર કંટ્રોલ આવે છે. તપ દ્વારા દોષો મનનાં ઉપરના સ્તર પર આવે છે અને આલોચના સહેલી બને છે. તપ દ્વારા સંકલ્પસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
~૭૨ -