________________
પ્રવેશ
૧. માંગવું અને જાગવું
કથા છે. કાલ્પનિક છે. બોધ મજાનો છે.
કલાકાર પર પ્રભુ પ્રસન્ન થયા. પ્રત્યક્ષ મુલાકાત આપી. ખૂબ બધી વાતો કરી. આખરે છૂટા પડવાનો સમય આવ્યો. પ્રભુએ કલાકારને કશુંક માંગવા કહ્યું. કલાકાર કહે : ‘મારે પૈસા નથી જોઈતા. સમૃદ્ધિ નથી જોઈતી. ઘરબાર પરિવારનો આડંબર નથી જોઈતો. બધા માંગવા માટે જ તમારી પાસે આવે છે. મારે માંગવું નથી. મારે તમને મળવું હતું. મુલાકાત થઈ તેનો આનંદ છે. પ્રભુ, તમે માંગવાનું કહો જ છો તો મારે તમારી પાસેથી ત્રણ વસ્તુ જોઈએ છે. શાંતિ, સંતોષ અને પ્રસન્નતા.”
પ્રભુ હસ્યા. કહે : “અમે બીજ આપીએ. છોડ તો તમારે ઉગાડવા પડે.' જવાબ સાંભળી ભક્ત હસ્યો. પ્રભુએ વરદાન આપ્યું કે નહીં તેની એને પરવા ન રહી. પ્રભુએ તેને જવાબ આપી દીધો હતો. જિંદગી અજવાળી દે એવો જવાબ. ભગવાન આપે છે. ભગવાન પાસેથી માંગો તો ભગવાન ઉત્તમ જીવન અને સમાધિભર્યું મરણ અવશ્ય આપે છે. માંગવામાં મરમ હોવો જોઈએ. મંત્રીશ્વર વસ્તુપાળ માંગણીના મરમી હતા. ભગવાન પાસેથી બીજ મળે છે. બીજમાંથી છોડ ઉગાડવાની આવડત જાતે કેળવવી પડે છે. તૈયાર માલ પણ ભગવાન પાસેથી મળે. એનું લાંબું ચાલે નહીં. વારંવાર થોડું થોડું માંગ્યા કરવું તે કરતાં એક વાર મબલખ માંગી લેવું વધુ સારું.
મંત્રીશ્વરે માંગ્યું છે. મન દઈને માંગ્યું છે. જે જાગે છે તે માંગે છે. જેને જોઈએ છે તે માંગે છે. જેને જે જોઈએ છે તે જ તે માંગે છે. તમારી પાસે શું છે તે તમારી ઓળખ નથી. તમે શું માંગો છો અને તમે શું કરવા માંગો
અનહદની આરતી છો તે તમારી ઓળખ છે.
મંત્રીશ્વરે સિદ્ધાચલનાં શિખરે જે દીવો છે તેની સમક્ષ માંગણી મૂકી છે. દીવો છે આદિનાથ દાદા. અજવાસ પણ આપે. સહવાસ અને સુવાસ પણ આપે. મંત્રીશ્વર સંઘ લઈને આવ્યા છે. સંઘપતિ બન્યા છે. પ્રભુપૂજા કરીને ભાવપૂજા આટોપી રહ્યા છે. એ જમાનામાં ‘આવ્યો શરણે તુમારા' ગવાતું નહોતું. આજે ‘આવ્યો શરણે’ એ ચૈત્યવંદનની બધાઈ તરીકે ગવાય છે. મંત્રીશ્વર બધાઈની આ જ ક્ષણે ઊભા છે.
શત્રુંજયના ડુંગર પર દાદાનો દરબાર ભરાયો છે. પૂજાર્થીઓની ભીડ મચી છે. યાત્રાળુઓની ઠઠ જામી છે. શત્રુંજયનો વાયરો વહી વહીને અટકે છે. દૂર દૂર વિમલગિરિના મોર બોલી રહ્યા છે. રાયણવૃક્ષની ડાળે ડાળે નર્તન છે. મંત્રીશ્વર દાદા આદેશ્વર પ્રભુને નિહાળી રહ્યા છે. પ્રભુથી વિખૂટા પડવાની ઘડી છે. હવે ઊભા થઈને ચાલી નીકળવાનું છે. પ્રભુને છેલ્લો સંદેશો શો આપવો ?
મંત્રીશ્વર વિચારે છે : પ્રભુની ભક્તિ કરતાં મને નથી આવડતી. પ્રભુની પાસે માંગવાનો મને ક્યાં હક છે ? ભગવાનની સાથે સંવાદ જ સધાયો નથી ત્યાં માંગવું અને શી રીતે ? છતાં ભગવાન સમક્ષ ખુલાસો કરવો છે. મનની મુંઝવણ ભગવાન સામે ઠાલવી દેવી છે. આતમઝુરાપો પ્રભુને દેખાડવો છે. મારે પ્રભુ જેવા થવું છે. પ્રભુ જેવા થવા માટે પ્રભુના મારગડે ચાલવું છે. મારા સ્વભાવે મારા સંસારને ઘડ્યો. મારા સંસારે મારા સ્વભાવને ઘડ્યો. સંસાર ખરાબ છે તો મારો સ્વભાવ પણ ખરાબ જ છે. સંસાર સુધરે તેમ નથી. મારે સ્વભાવને સુધારવો છે. ઘણું મનોમંથન કર્યું છે. જાતનાં પારખાં ઘણી વાર લીધાં છે. મને જે ધર્મ સમજાયો છે તેનો એક છાંટો પણ જીવનમાં ઉતારી શક્યો નથી. મારી ઘડામણ મારા હાથે જ મારે કરવાની છે. પોતપોતાનો આત્મા છે. પોતે જ સંભાળવાનો હોય. ખરું છે. મારું મન કેળવાય તેવી રૂપરેખા મારે જોઈતી હતી. જિનવાણી અનેક ગુરુભગવંતોનાં શ્રીમુખે સાંભળી છે. આત્મનિરીક્ષણ કર્યું છે. ભીતર ડોકિયું કરીને અંધારું તપાસું છે. હિંમત હારી જવાય એટલી બધી કમજોરીની ઝાંખી થઈ છે.