________________
૨
ગુણોની ગોઠડી
‘હું ઉત્તમ પુરુષોના ઘણા બધા ગુણોની વાતો કરતો રહું તેવા આશીર્વાદ આપો’ ચોથી માંગણીમાં મંત્રીશ્વર કહે છે.
પોતાનો સ્વાર્થ અને પોતાની મોટાઈના ખ્યાલમાંથી બહાર આવ્યા વિના પારકા ગુણોની પ્રશંસા થઈ શકતી નથી. સારા દેખાવા માટે પ્રશંસા કરવી હોય તો એકાદ ગુણની અછડતી કથા પછી અટકી જવાય છે. આગળ વધવાનું મન થતું નથી. મંત્રીશ્વર ઘણા બધા ગુણોની પ્રશંસા કરવા ચાહે છે. લક્ષ્ય સ્પષ્ટ છે. પોતાના અહંકારમાંથી બહાર આવવાનું આલંબન મંત્રીશ્વરે શોધ્યું છે. ઉત્તમ પુરુષોમાં વસી રહેલા ગુણોને સુણતા સુણતા શ્રવણે અમી ઝરતા હોય છે, એમના ગુણોનું ગાન કરતાં કરતાં સમયનું ભાન ભૂલ્યાં હોઈએ તેવું અકસર બનતું હોય છે, જો આપણે અહંકારને વેગળો રાખી શકીએ તો.
મંત્રીશ્વર માને છે કે ગુણાનુવાદ આ શબ્દ દિવંગત થઈ ચૂકેલા આચાર્યભગવંતોનાં જીવન પૂરતો સીમિત ના હોઈ શકે. ગુણોમાં સચ્ચાઈ હોય તો એ ગુણોની જયાં હાજરી હોય તેવી દરેક વ્યક્તિનો ગુણાનુવાદ થવો જોઈએ. ગુણાનુવાદ આ સ્તરે કરવા હોય તો એની માટે સભાની જરૂર નથી, વકતૃત્વકલાની જરૂર નથી. બસ, ગુણોને શોધી કાઢવાની જ જરૂર છે. અઘરું કામ છે. આપણને આપણા ગુણો યાદ હોય તેને ગૌણ ગણીને બીજાના ગુણોને મહત્ત્વ આપી દેવા માટે જબરદસ્ત સમાધાનવૃત્તિ કેળવવી પડે છે. દુનિયામાં મોટા માણસ તરીકે જાહેર થઈ ચૂકેલા પવિત્ર આત્માઓના ગુણાનુવાદ સરળતાથી થઈ શકે છે. જેને કોઈ જાણતું જ નથી તેના ગુણોને જાહેર કરવાની તાકાત પામર માણસોમાં નથી હોતી. શ્રીમંતોએ દેરાસરો બંધાવ્યા તેની પ્રશંસા કરવી સહેલી છે. આ જ દેરાસરોમાં હોંશથી ઝાડુ વાળનાર નાના માણસની પ્રશંસા કરવી દુર્લભ છે. મંત્રીશ્વર ગુણદૃષ્ટિની વાત નથી કરતાં. ગુણગણદૃષ્ટિ છે મંત્રીશ્વરની, ઘણા બધા ગુણો. ઘણા બધા ગુણવંત જનો. ઘણી બધી ગુણપ્રશંસા. એક છરીપાલક સંઘ કાઢયા પછી મંત્રીશ્વરને સંતોષ ના થયો. ઘણાબધા સંઘો કાઢ્યા. આ જ રીતે એક સજ્જન અને એકાદ સદ્ગુણથી મંત્રીશ્વરને સંતોષ નથી. ઘણા સજજનો અને ઘણા ગુણો સુધી મંત્રીશ્વર પહોંચવા માંગે છે.
અનહદની આરતી ગુણાનુરાગ, ગુણાનુવાદ અને ગુણસ્વીકાર આ ત્રણ શબ્દો છે. ગુણસ્વીકાર જીવનગત બાબત છે. ગુણાનુરાગ મનોગત બાબત છે. ગુણાનુવાદ વાણીનો ઉદ્ઘોષ છે. જે ગુણો તમારા નથી તે ગુણની પ્રશંસા બીજી વ્યક્તિ સમક્ષ કરતી વખતે તમે તમારા અભિમાનથી દૂરદૂર પહોંચી શકો છો, એવો મંત્રીશ્વરનો અનુભવ છે. સતત અને સતત બીજાની ભીતરમાં છુપાયેલો ગુણોને શોધતા રહેવાનું આપણને ગમવું જોઈએ. ગલીના ધૂળધોયાઓ ગંદા પાણીમાંથી ચાંદીના કણિયા શોધીને પેટિયું રળી લે છે. મરજીવાઓ લાખો ટન કાદવમાંથી મોતીની છીપ શોધીને ધંધો સાચવી લે છે. આપણે બધાની પાસેથી ગુણોની શોધ ચલાવવાની છે. ગુણો પૈસા જેવા છે, તેને શોધવાની અને કમાવાની જવાબદારી આપણી છે. ધંધામાં રહેલી તક શોધી શકે તેના હાથમાં પૈસા આવે તેમ આસપાસ વસતા સ્નેહીસ્વજનોમાં ગુણ શોધી શકે તેનાં જીવનમાં ગુણો આવે છે.
ચોથી માંગણીમાં ગુણોનું ઉપાર્જન માંગ્યું નથી. ગુણો તો આપણી ભીતરમાં બેસુમાર છે. એ ગુણોનું અનાવરણ થવાનું બાકી છે. આપણા હોઠેથી ગુણોની ગોઠડી અવિરત થાય છે તેને લીધે ભીતર સૂતેલા ગુણોના પ્રાણ જાગે છે.
મુદ્દાની વાત. બીજી વ્યક્તિમાં ઘણાબધા ગુણો છે અને ગુણો ધરાવનારી વ્યક્તિઓ ઘણી બધી છે આ સ્વીકૃતિ, અહંકાર સાથેની બાંધછોડ વિના થતી નથી. આપણને કામ ન લાગે તેવા અગણિત લોકોને ગુણિયલ વ્યક્તિ તરીકે આદરપૂર્વક જોઈએ છીએ, તો એ દરેક વ્યક્તિ દૂર બેઠી કામ લાગે છે. ગુણવાન સજજનોની વિશાળ સૃષ્ટિ છે. આપણને ગુણગણકથા કરવાનો રસ જાગે તે જ ઘડીએ આ સૃષ્ટિમાં પ્રવેશ થાય છે.
મંત્રીશ્વરની માંગણીની બીજી પણ એક ભૂમિકા છે.
આપણે જે ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગીએ છીએ. તે ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને બેસેલી વ્યક્તિ આપણી માટે આદર્શ પુરુષ બને છે. એણે જે હાંસિલ કર્યું છે, જે રીતે હાંસિલ કર્યું છે, તેનો ઇતિહાસ આપણે જાણીએ છીએ અને યાદ રાખીએ છીએ. ગુણોની ગરીબી આપણને સતાવે છે. આપણી આસપાસમાંથી કોઈ એક આદર્શપુરુષ શોધીને તેના ગુણોને ધ્યાનથી જોયા કરવાના. એ