________________
0 સંવત ૨૦૫૯ કારતક વદ - ૨. શુક્રવાર, તા. ૨૨-૧૧-૦૨
આ સંસાર અસાર છે કારણકે તેમાં સતત પાપો કરવા પડે છે. પાપ વિનાનું જીવન સંસારમાં રહીને જીવવું મુશ્કેલ છે. સતત જીવોની હિંસા સંસારીઓ ન ઇચ્છે, તો જ તેમને કરવી પડે છે. તેનાથી બચવા જલ્દીથી સંયમજીવન સ્વીકારવું જોઈએ. જયાં સુધી સંયમ ન સ્વીકારી શકો ત્યાં સુધી જીવહિંસાદિ પાપો ઓછામાં ઓછા થાય તેની કાળજી લેવી જોઈએ. તે માટે સંમુસ્ડિમ મનુષ્યોની વિરાધનાથી અટકવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ગર્ભજ મનુષ્યોના મળ, મૂત્ર, ચૂંક, લોહી, સેડા, મેલ, છારી, વોમીટ, ચરબી, ચામડી વગેરે ગંદી ચીજોમાં-શરીરથી છૂટી પડ્યા પછી ૪૮ મિનિટ પછી-સંમુસ્ડિમ મનુષ્યો પેદા થઈ શકે છે.
પાણી પીને ગ્લાસ લૂછવો જોઈએ. એવું ન મૂકવું. થાળી ધોઈને પીવી તથા લૂછવી. બ્રશ કર્યા પછી વોશબેસીનના બદલે બહાર ખુલ્લામાં કોગળા કરવા જોઈએ. ખુલ્લામાં સ્નાન કરવું, જેથી પાણી જમીનમાં વહીને સૂકાઈ જાય. તે શકય ન બને તો બાથરુમમાં પરાતમાં બેસીને સ્નાન કર્યા પછી, તે પાણી ડોલમાં લઈને ઉપર ટેરેસ કે નીચે જમીન ઉપર જયાં ત્રસજીવો, લીલોતરી વગેરે ન હોય ત્યાં પરઠવવું જોઈએ. યાદ રહે કે ગર્ભજ મનુષ્યોના શરીરની અશુચિમાં -છૂટી પડયા પછી-૪૮ મિનિટમાં પાંચ ઈન્દ્રિયવાળા, અતિ સૂક્ષ્મ, આંખે ના દેખાય તેવા અસંખ્યાતા સંમુસ્ડિમ મનુષ્યો સતત ઉત્પન્ન થાય છે - મરે છે. તે બધાનું પાપ ન લગાડવા આવી અનેક પ્રકારની સાવધાની રાખવી જોઈએ.
ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ હોય છે. અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં યુગલિકો હોય છે. ત્રીજા આરાના અંતે પહેલા ભગવાન થાય છે. ચોથા આરામાં બીજાથી ચોવીસમા (૨૩) ભગવાન થાય છે. પાંચમા આરાના અંતે જૈનશાસનનો વિચ્છેદ થાય છે. છઠ્ઠા આરામાં ભયાનક દુઃખો હોય છે. પછી ઉત્સર્પિણી કાળ શરુ થાય છે. તેમાં છ આરા ઉલટાક્રમે હોય છે. તેમાં પણ ૨૪ ભગવાન થાય છે. આ રીતે વારાફરતી અવસર્પિણી – ઉત્સર્પિણીકાળ પસાર થાય છે. હાલ અવસર્પિણીકાળનો પાંચમો આરો ચાલી રહયો છે.
દેવકુરુ અને ઉત્તરકુરુમાં હંમેશા અવસર્પિણીના પહેલા આરા જેવો કાળ હોય. હરિવર્ષ અને રમ્યક્રક્ષેત્રમાં બીજા આરા જેવો, હિમવંત-હિરણ્યવંતક્ષેત્રમાં ત્રીજા આરા જેવો તથા મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ચોથા આરા જેવો કાળ હોય.
અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંતે કે ચોથા આરા જેવા કાળમાં તત્વઝરણું
૨૦૬