________________
વિ.સં. ૨૦૦૯, કા.સુ.૪, ઇ.સ. ૧૯૫૨ પત્રીમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો.
પૂ. મુનિ શ્રી કાન્તિવિજયજી :
કીડીયાનગરના આ મહાત્માએ સા. આણંદશ્રીજી દ્વારા પ્રતિબોધિત બનીને વિ.સં. ૧૯૮૧, મહા સુ.૫, ઇ.સ. ૧૯૨૫ ના કીડીયાનગરમાં દીક્ષા લીધી હતી. ગુરુ સમર્પિત આ મહાત્મા અત્યંત સંયમી હતા. વિ.સં. ૧૯૯૩, મહા સુ.૨, ઇ.સ. ૧૯૩૭ ના ધીણોજમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. મૃત્યુ નજીક હોવા છતાં તેમને કેવો ગુરુ આજ્ઞા તથા સંયમનો પ્રેમ હતો ? તે જાણવા જેવું છે.
વિ.સં. ૧૯૯૨, ઇ.સ. ૧૯૩૬ નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ ચાણસ્મામાં હતું. ચાતુર્માસ પછી ૧૯૯૩માં કાર્તક મહિને ધીણોજમાં ઉપધાન હોવાથી પૂ. બાપજી મ.ની આજ્ઞાથી પૂજ્યશ્રી ધીણોજ પધાર્યા. ત્યારે કાન્તિવિ.મ.ને ટી.બી. થયેલો હતો. પ્રશાંત સાધક એવા આ મહાત્માનો ઇલાજ ઝીંઝુવાડાના પાનાચંદભાઇ નામના વૈદ કરતા હતા. ઇલાજથી ક્યારેક સારું જણાય. ફરી ૧૫ દિવસ પછી તબિયત બગડે. આમ ચાલ્યા કરવાથી વૈદે કહ્યું : મોસંબીનો રસ તથા અન્ય ફળો આપવાની જરૂર છે.
પણ ત્યાગી મુનિશ્રીને આ પસંદ નહોતું. ઘસીને ના પાડી દીધી. શ્રીસંઘે આ વાત પૂજ્યશ્રીને જણાવી. પૂજ્યશ્રીએ આ માટે પૂ. બાપજી મ. ની આજ્ઞા પ્રમાણે વર્તવા જણાવ્યું. (પોતે ગુરુ હોવા છતાં કેટલી નમ્રતા !) પૂ. બાપજી મ.ની આજ્ઞાથી બે દિવસ ફળો લીધા ખરા, પણ લેતાં લેતાં માથું કુટે ! મનમાં બળાપાનો પાર નહિ. શરીરમાં ટી.બી.નું દર્દ તો છે જ, હવે મનમાં આ દર્દ ક્યાં ઊભું કરવું ? આવું વિચારીને સંઘે મુનિશ્રીની સંપૂર્ણ પરિસ્થિતિ પૂ. બાપજી મ.ને જણાવતાં તેમણે પણ સંયમ ભાવનાને બિરદાવી ફળાહાર માટે આગ્રહ નહિ કરવાનું વૈદરાજને જણાવી દીધું.
ગુરુ આજ્ઞાપાલન, સંયમની ચુસ્તતા, મનમાં સમાધિ આવા બધા તેમના ગુણોથી ધીણોજ સંઘ અત્યંત પ્રભાવિત થઇ ગયો હતો.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી • ૫૮
* પૂ.પં. શ્રી દીપવિજયજી (પૂ.આ. શ્રી દેવેન્દ્રસૂરિજી) : પૂજ્ય દેવેન્દ્રસૂરિજી મ.નું જીવન જુઓ.
પૂ. મુનિ શ્રી ધન્યવિજયજી (પૂજ્યશ્રીના પ્રશિષ્ય હતા) : યેવલા (મહારાષ્ટ્ર)ના આ મહાત્માએ વિ.સં. ૧૯૯૩, અંજારમાં દીક્ષા લીધેલી. સંયમના ખપી આ મહાત્માનું જીવન અદ્ભુત હતું.
છેલ્લી અવસ્થા જણાતાં તેઓ આડીસરથી વિહાર કરીને ખાસ પલાંસવા આવેલા. એમના અંતિમ કાર્ય માટે ભચાઊથી પૂ. કંચનવિ.મ. એક દિવસમાં (લગભગ ૬૪ કિ.મી.) વિહાર કરીને સાંજે પલાંસવા પહોંચ્યા હતા.
“પ્રાયઃ વિ.સં. ૨૦૧૨ માં પૂ. ધન્યવિ. તથા પૂ. દેવવિ. વાંકાનેરમાં ચાતુર્માસ હતા. સમગ્ર ચાતુર્માસ દરમ્યાન લગભગ ઓળીઓ જ. પારણામાં પણ એકાસણા જ. આખો દિવસ જ્ઞાન-ધ્યાનમાં લીનતા. કોઇ પંચાત નહિ. આજે પણ એ દિવસો યાદ આવતાં રોમાંચ ખડા થઇ જાય છે.” એમ હમણાં જ પૂના-કાત્રજમાં એક વાંકાનેરના ભાઇએ કહેલું. ત્યાર પછી તરત જ વિ.સં. ૨૦૧૩માં એ મહાત્મા કાળધર્મ પામી ગયા હતા.
*
પૂ. મુનિ શ્રી કંચનવિજયજી :
મૂળ ફલોદી (રાજ.)ના લક્ષ્મીચંદભાઈ વ્યવસાય નિમિત્તે મદ્રાસ (ચેન્નઇ) જઇને વસ્યા હતા. એમના પ્રયત્નોથી ત્યાં આયંબિલ શાળાની સ્થાપના થઇ હતી. દીક્ષા લેવાના ભાવ જાગતાં સૌ પ્રથમ પત્ની તથા સાળીને દીક્ષા અપાવી. સદ્ગુરુની શોધ માટે તેઓ પાંચેક વર્ષ સુધી પાલીતાણામાં રસોડું ખોલીને રહ્યા હતા અને છેવટે તેમણે પસંદગીનો કળશ પૂ. કનકસૂરિજી મ. પર ઢોળ્યો હતો. પાલીતાણામાં તે વખતે અનેક મહાત્માઓને તેમણે ખૂબ જ નિકટથી જોયા હતા. પણ નજર ઠરી પૂજ્યશ્રી પર.
વિ.સં. ૧૯૯૩, વૈ.સુ.૧૦, ઇ.સ. ૧૯૩૭, ભુજમાં તેમની દીક્ષા થઇ હતી. તેઓ ખૂબ જ નિઃસ્પૃહી તપસ્વી અને જ્યોતિર્વેત્તા હતા. પૂ. કમલવિ., પૂ. કલાપૂર્ણસૂરિજી મ. વગેરે તેમના શિષ્યો હતા.
કચ્છ વાગડના કર્ણધારો - ૫૯