________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ્યાનો સમય હતો. શ્રીદેવી હવેલીની મદનવાટિકાના માધવી-મંડપમાં એકલી બેઠી હતી. વિચારમગ્ન હતી. ઉમર તો એની પાંત્રીસ વર્ષની હતી, પરંતુ એ પોતાની ઉંમરથી ઘણી નાની દેખાતી હતી. તપેલા સોના જેવો એનો દેદીપ્યમાન રંગ હતો. તેની ભાવભંગિમા ઘણી મોહક હતી. તેની કાયા ઊઠાવદાર અને કંઈક ઊંચી હતી. લાવણ્ય અને સ્વાથ્યની કોમળતાનું એના શરીરમાં એવું કોઈ સામંજસ્ય હતું કે કોઈ રીતે એની સુષમાનું વર્ણન ના કરી શકાય. એનાં નયન કંઈક મોટાં અને કાળાં હતાં. ભ્રમર જેવો કાળો એનો કેશકલાપ હતો. તેમાં કલાત્મક રીતે મોતી ગૂંથેલા હતાં. કાન નાના, પાતળા અને કોમળ હતા. સમગ્ર શરીર સુડોળ, મનોહર અને આકર્ષક હતું. તેણે ગ્રીષ્મકાલીન શ્વેત, પીત અને કેસરી રંગનાં વસ્ત્ર ધારણ કર્યા હતાં.
શ્રીદેવીને કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી. સંતાનપ્રાપ્તિ માટે તે તલસતી હતી. તે સુશર્મનગરના નગરશ્રેષ્ઠ વૈશ્રમણની પત્ની હતી. તેની પાસે બધાં જ ભૌતિક સુખો હતાં. ઉચ્ચ કુળ હતું. શ્રેષ્ઠ રૂપ હતું. કુબેર જેટલો વૈભવ હતો... પ્રેમપૂર્ણ અને સુંદર પતિ હતો... બસ, એકમાત્ર દુઃખ હતું – પુત્રપ્રાપ્તિ થઈ ન હતી.
નગરશ્રેષ્ઠી વૈશ્રમણ પ્રતાપી પુરુષ હતો. તે કરુણાવંત, ભાવુક અને સ્વચ્છ હૃદયનો પુરુષ હતો. તે વિપુલ અર્થોપાર્જન કરનારો મોટો ઉદ્યોગપતિ હતો. એટલો જ ધર્મપુરુષાર્થ કરનારો ધર્માત્મા હતો અને શ્રીદેવી સાથે યથેચ્છ ભોગસુખો ભોગવનારો પ્રેમી પુરુષ હતો.
આ બધું હોવા છતાં, શ્રીદેવીને સંતોષ ન હતો. પુત્રપ્રાપ્તિની પિપાસા તેના હૃદયમાં ઊથલપાથલ મચાવતી હતી. છતાં, તેને પોતાની મર્યાદાનું, ચારિત્રનું અને પોતાના ઉત્તરદાયિત્વનું પૂરું જ્ઞાન હતું.
વૈશ્રમણ ભલે ચાલીસ વર્ષની ઉમરનો હતો, છતાં તે સાહસિક હતો, વિનોદી હતો અને સદા હસતો રહેતો હતો. એના લોહીનું એક એક ટીપું ઉલ્લાસ અને આકાંક્ષાઓથી ભરપૂર હતું. વૈશ્રમણના આ સ્વભાવ, સ્વાચ્ય અને પૌરુષ ઉપર શ્રીદેવી મુગ્ધ હતી, મોહિત હતી. માધવી- મંડપમાં એ પોતાના પતિ વૈશ્રમણનો જ વિચાર કરતી બેઠી હતી. “આવો મારો પતિ હોવા છતાં.. મને પુત્રની પ્રાપ્તિ કેમ નથી થતી?”
શ્રી સમરાદિત્ય મહાકથા
પd૭
For Private And Personal Use Only