________________
૯૨
વિરાગની મસ્તી
તાકાત ક્યાંથી આવે છે?”
ગુરુદેવે કહ્યું, “આ પોતાની પરાધીનતાના ભાનમાંથી “સ્તો! જેમને પોતાનું જીવન તદ્દન પરાધીન છે એવું ભાન થાય છે એ સ્વાધીનતા મેળવવા તલપાપડ થઈ જ જાય છે. આપણને કદી એમ લાગ્યું કે આપણે પરાધીન છીએ? આપણે તો માનીએ છીએ કે અંગ્રેજો ગયા પછી આપણે સ્વાધીન થઈ ગયા પણ એ તો એક પ્રકારની સ્વાધીનતા માનો! પરંતુ એ સ્વાધીનતાને કયાંય ટપી જાય તેવી બીજી ભયંકર પરાધીનતાઓનું શું?'
એક બાળક ભિખારીને ત્યાં જન્મ પામે છે. બીજો શ્રીમંતને ત્યાં જન્મે છે. અહીં ભિખારીને ત્યાં જન્મ લેવાની જેને ફરજ પડી તેનું કારણ કોણ?
વહાલી માતા પોતાની એકની એક દીકરીને પરણાવીને સાસરે મોકલે છે અને બે ચાર માસમાં જ દીકરીને રંડાપો આવે છે. કન્યાનું છાતી ફાટ રુદન જોઈને ભલભલા મનુષ્યો ત્રાસી જાય છે. એ કન્યાને આ સ્થિતિમાં મૂકી દેનાર કોણ?
આપણે એકાએક માંદગીના બિછાને પટકાઈએ અને તે વખતે નોકરીમાંથી છૂટા થઈ જવું પડે. બેકારીની પરિણામે ઘરમાં હાંડલાં ખખડે! કોઈ આપણી સામે પણ ન જુએ! આવી પરિસ્થિતિ કોણ ઉત્પન્ન કરે છે?
બિચારી ચંપાને મોતના મુખમાં કોણે ધકેલી દીધી? આખા ગામને શીતળ છાંયડી દેતા વિમળ વડલાને કોણે ઘા માર્યા?
કાળા માથાનો માનવ ધારે તે કરી શકે એમ ભલે કહેવાતું હોય પણ મને બતાવો કે આપણું ધાર્યું કેટલું થાય છે?
કેટલાએ પોતાના જુવાનજોધ દીકરાને યમસદનમાં ચાલી જતો નથી જોયો? કેટલાએ પોતાના વફાદાર મિત્રો તરફથી વિશ્વાસઘાત નથી અનુભવ્યો? છાશવારે ને છાશવારે છાપામાં ખૂન, લૂંટ, આગના બનાવો વાંચવા મળે છે.
ઘાસલેટ છાંટીને બળી મરતી ૧૮-૨૦ વર્ષની કન્યાઓના હૃદય કમકમાવી નાંખે તેવા કિસ્સાઓ વાંચવા મળે છે.
ભયાનક ધરતીકંપ, નદીનાં પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ વગેરે કુદરતી કોપને લીધે લાખો લોકો તારાજ થઈ ગયા. હજારોએ પોતાના પ્રાણ ખોયા. આ બધી કારમી પરાધીનતા આપણને કદી સાલી છે?
માણસ જેવો માણસ દીનહીન મનોદશાનું જીવન જીવે એ કેટલો ત્રાસ છે? માતા પુત્રને જન્મ આપે અને તે કાણો, બોબડો કે કદરૂપો નીકળે છતાં માતાને