________________
વિરાગની મસ્તી
પ્રલોભનોમાં એ કદી અટવાઈ જતા નથી. સાચા સંસારત્યાગી પણ તે જ કહેવાય જેઓ વિરાગી છે. વિરાગવિહોણા ત્યાગીઓ તો વનમાં ભમતા નિરાધાર મૃગલા સમા છે. વિરાગીઓને વિશ્વનું કોઈપણ પ્રલોભન અડી શકતું નથી. રે! અલકાપુરીની ઉર્વશીઓ અને શશીનાં સૌંદર્ય પણ એમની આંખની પાંપણને ય ઊંચી કરી શકતાં નથી. પહાડોને પણ ભેદી નાખવાના સામર્થ્યવાળો ઈન્દ્ર પોતાની સમૃદ્ધિ બતાવીને એમના એક રુંવાડાને પણ હલાવી શકતો નથી, કેમકે આ વિરાગીઓની આંતર સૃષ્ટિમાં ઈન્દ્ર અને ઈન્દ્રાણીને ય ટપી જાય એવું મંગલ સૌંદર્ય વસેલું હોય છે. એવી સમૃદ્ધિના અક્ષય ભંડારો પડેલા હોય છે કે એની પાસે ઉર્વશી તો બાપડી છે, ઈન્દ્રની સમૃદ્ધિ તો બિચારી છે!'
દા'ની વિરાગી કથા સાંભળતાં આખી સભા વિરાગના રસમાં તરબોળ થઈ ગઈ. શોક તો ક્યાંય ઓગળી ગયો. બધા એક દિલથી દા'ને સાંભળતા જ રહ્યાં.
ત્યાં સિદ્ધાર્થ બોલ્યો, “ગુરુદેવ! આજે આપ અમારા જીવનમાં કોઈ નવો જ પ્રકાશ પાથરી રહ્યા છો. રંગરાગના કાદવમાં ખરડાઈને જ સુખ માનતા ભેંસ અને પાડાના જેવા અમને આજે તો એમ જ લાગે છે કે અમે કોઈ સુખની નવી જ દુનિયામાં જઈ રહ્યા છીએ. ગુરુદેવ, મળેલી સામગ્રીમાં આસક્ત થઈ જઈએ તો તેના વિયોગે વધુ વલોપાત થાય એ વાત તો અનુભવસિદ્ધ છે છતાં અમને અને આખા ય વિશ્વને આ વાત કેમ વીસરાઈ જતી હશે? કેટલાકને તો આવું સાંભળવું ય ગમતું નથી?”
ગુરુદેવે કહ્યું, “બેટા, સિદ્ધાર્થ! ગધેડાને સાકર ન ભાવે તેમાં બિચારી સાકરનો શો દોષ? દુર્જનોને વિરાગીની વાતો ન ગમે તેમાં તે વાતોનો થોડો જ દોષ કહેવાય? ઊંટને કલ્પતરુનાં ફળ ધરવામાં આવે તો ય તેને તરછોડીને બાવળીયે જાય; તેના માટે તેમ જ બનવાનું સ્વાભાવિક છે. દુર્જનોને એ વાત નથી ગમતી એ ભયથી આપણે એ વાત ન કરવી એવું પણ નથી. કેમકે તો તો પછી કપડાં બગડી જવાના ભયથી કપડાં પહેરવાનું ય બંધ કરી દેવું પડે !'
ગુરુદેવની મીઠી રમૂજ સાંભળતાં જ બધા ખડખડાટ હસી પડ્યા.
ગુરુદેવ આગળ બોલ્યા, “એટલે બેટા સિદ્ધાર્થ, એ દુર્જનોએ રાગનાં તિમિર ખડક્યાં છે માટે જ વિરાગના રશ્મિની જરૂર પડી છે. રશ્મિનો ઉદય થતાં જ રાગ આપોઆપ નાસી જવાનો. વિરાગની વાતો તેને જ ગમે જેને પોતાના સુખની વાત ગમતી હોય. જે કોઈ સુખની શોધમાં નીકળે છે તેને આ વિરાગની વાતો બહુ જ ગમી જાય છે કેમકે વિરાગ ભાવને જાગ્રત કર્યા વિના સુખ સાંપડે તેમ છે જ નહિ. સિદ્ધાર્થ, માની લે કે તારે ત્યાં કુબેરની અઢળક લક્ષ્મી ખડકાઈ ગઈ અને ધાર કે તું