________________
૭૦
વિરાગની મસ્તી
સુખ આપે છે એમ તો શી રીતે કહેવાય?
પુણ્ય કર્મ અનુકૂળ હોય તો હા કદાચ સુખ માનીએ પણ તો ય એના પરિણામોની કટુ પરંપરાઓને લીધે એ સુખ પણ જતું કર્યે જ છૂટકો છે.
ભારતવર્ષના ઋષિ-મુનિઓએ વિશ્વના પદાર્થોનું દર્શન કરીને આ જ વાત જાહેર કરી છે કે સંયોગમાં સુખ માનનારાઓ ચેતી જજો. માથે મોત ભમે છે. મોત આવતાં જ તમારી ફેલાવેલી સંસાર-જાળ આખી ય વીખરાઈ જવાની. બધા ય સંબંધોનો વિયોગ થવાનો. કરોડો રૂપિયામાંથી એક નવો પૈસો પણ સાથે નથી આવવાનો. એક પણ પત્ની દુર્ગતિમાં તમારી આંખનાં આંસુ લૂછવા નથી આવવાની. ભયંકર રાની પશુઓ વચ્ચે તમે ફેંદાઈ જશો. ત્યાં રહેવા માટે જરૂરી આ મકાનની એક ઇંટ પણ નથી આવવાની. સ્વજનો તો મસાણે તમને મૂકી દઈને પાછા વળી જવાના.
સાથે આવવાનું માત્ર કર્મ. પેટ અને પટારા ભરતાં, ભોગ-વિલાસોની મોજ માણતાં, દુઃખિતોને ધિક્કારતાં, સ્વાર્થાન્ત બનીને અકરણીય કરતાં જે કાળાં પાપકર્મ આત્માને વળગી ગયાં તે જ સાથે આવવાનાં. જેમાંનાં એકેકા કર્મનો ઉદય સેંકડો ભવો સુધી ત્રાહિ ત્રાહિ પોકરાવી દેવાનો. એમાં ય ક્યાંક કોઈ પળે સુખ મળે તો તે અહીં આદરેલી સત્કરણીથી બાંધેલા પુણ્ય-કર્મના ફળરૂપે! બાકી સુખની આછી છાંટ પણ જોવા નહિ મળે!
થોડાક સુખ ખાતર પાપ કરીને કારમાં કષ્ટ વેઠીને પરમ-સુખની અનુભૂતિ કરવી છે? વિષયોના ભોગમાં માનવ ભાન ભૂલે છે અને આસક્ત થાય છે. આસક્તિ જ મોટું અનિષ્ટ છે. ભયાનક પાપ છે. થોડું ધન મળતાં જ માણસ સંતોષી ન બનતાં આસક્તિના પાપે લોભી બનતો જાય છે, એક સ્ત્રી પછી બીજી અનેક સ્ત્રીઓ તરફ તેની પાપી નજર દોડી જાય છે. એક વસ્તુ ચાખ્યા પછી ફરીને ફરી તે ચાખવાની ઈચ્છા વેગ પકડે છે. બુદ્ધિમાન માનવો પણ આસક્તિના કારણે મર્યાદાને ઓળંગી જાય છે.
આ રાગની તીવ્રતાને કારણે જ જ્યારે જ્યારે પોતાને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી ત્યારે રોષ ઉત્પન્ન થાય છે. રાગ અને એ રોષ, રતિ-અરતિને લાવે છે અને તેથી ચિત્ત સ્વસ્થ અને શાંત રહી શકતું નથી. રાગી ચિત્તમાં તે પ્રલોભન તરફ તીવ્ર આવેગ હોય, અને રોષવાળું ચિત્ત ધંધવાતું હોય. માટે જ ચિત્તશાન્તિ મળે છે, રાગ-રોષ ભાવરહિતની સમ અવસ્થામાં.'