________________
વિરાગની મસ્તી
આમુખ
યુગાન્તરના ત્રિભેટે ઊભેલા માનવીને હજી એ વાત નથી સમજાઈ કે અવકાશને આંબવા જતાં વિજ્ઞાનને એટલું બધું મહત્ત્વ એણે આપી દીધું છે કે હવે એ વિજ્ઞાનની સામે સાવ જ વામણો દેખાવા લાગ્યો છે! બેશક, એણે ઘડ્યું ઘડતર વિશ્વનું અને એમાં પૂર્યાં સૌંદર્ય વિલાસનાં; પરંતુ એમ કરવા જતાં તૂટી પડ્યા મીનારા આત્મ સમૃદ્ધિના અને સુકાઈ ગયા પાણી પ્રેમ અને મૈત્રીનાં.
માનવ રાચેમાચે છે વિજ્ઞાનની પ્રચંડ સિદ્ધિઓમાં! અંજાઈ જાય છે એના ઝાકઝમાળોમાં! પરંતુ જીવનના પ્રાણનો પણ જે પ્રાણ છે તે સંસ્કાર ઉપર વ્યાપી રહેલી ઝેરી અસરોનો હજી એને ખ્યાલ સુધ્ધાં આવ્યો નથી એ જ ભારે અફસોસની બીના બની ચૂકી છે.
માનવી રખડુ-ટ્રેમ્પ જેવો બની ગયો છે ! સવારથી સાંજ સુધી એ અનેક જંજાળોમાં ઝડપાયેલો રહે છે. પ્રચારનાં તોતિંગ યંત્રોએ ઊભા કરેલા ભ્રમોની પાછળ એ પાગલ બન્યો છે. એ ભ્રમ એને માટે સુખદ બન્યો છે. કેમકે એ સુખદ ભ્રમે જ એની જિજીવિષાને ટકાવી રાખી છે. ‘આજે નહિ તો કદાચ આવતીકાલે તો જરૂર આ વિજ્ઞાન મને સુખ આપશે; શાન્તિ બક્ષશે.' આ આશાના તંતુએ જ આજનો માનવ શ્વાસ લે છે અને મૂકે છે.
પણ હજી ‘આજ’ ખસતી નથી અને એ ‘આવતીકાલ' આવતી નથી છતાં પૂરપાટ દોડ્યો જાય છે માનવી, મૃગજળિયા મૃગલાની જેમ. નથી જોતો રાત કે દિવસ; નથી વિચારતો સમાજ કે નમાઝ; નથી મથતો જીવન મૃત્યુના તત્ત્વજ્ઞાનને; નથી નજરે લાવતો પરલોકને કે પરમલોકને.
એની એક જ કામના છે. વિજ્ઞાને બતાવેલું મેળવી લઉં; એણે ઉત્પન્ન કરેલું વસાવી લઉં; એણે ચીંધ્યા સુખના રાહે ચાલી નાખું. જીવવું છે એટલે જીવવું છે. જીવનનો બીજો કોઈ એથી વિશેષ અર્થ હોઈ શકે નહિ. સ્વર્ગ અહીં જ, મોજમજામાં છે, નરક અહીં જ, દિલની વેદનાઓમાં છે; મોક્ષ અહીં જ, કોઈ દુ:ખની મુક્તિમાં છે.
માનવી આવી સમ્રાન્ત સ્થિતિનાં જબ્બર વમળોમાં એવો તો અટવાયો છે,