________________
વિરાગની મસ્તી
ભારતની ભારતીયતા મરવા પડી. સદાચારને ગળે ટૂંપો દેવાયો. હવે ભારતના કલેવરની શોભા વધારીને શું ખુશ થવા જેવું છે? તમે લોકોએ પશ્ચિમના દેશોનું અનુકરણ કરીને આંધળુકિયાં કર્યા છે. તમારા દેશની આબોહવાને શું માફક આવે તેનો કદી વિચાર કર્યો નથી અને પરદેશીઓની અંજામણમાં અંજાઈ ગયા છો. એક વખત ઇંગ્લેંડમાં ભણીને આવેલો ભારતીયજન અમદાવાદમાં ભરઉનાળે ગરમ સૂટ પહેરીને ફરતો હતો ત્યારે કોઈએ તેને તેનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “અહીં ભલે ગરમી છે પરંતુ ઇંગ્લેંડમાં તો ઠંડી છે ને!!!” તમે લોકો પણ અહીંના રિવાજો, ધર્મો, લોકમાનસ વગેરેનો વિચાર કર્યા વિના જ પરદેશનું બધું ઠોકી બેસાડો છો ને? તમે પરદેશીઓને તગેડી મૂક્યા પણ પરદેશીઓએ પોતાના સંસ્કાર તમને સોંપીને તમને જ પરદેશી જેવા બનાવ્યા છે. કાલે ફરીને તમે તેમને ન બોલાવો તો અમને યાદ કરજો!
તમારા શહેરની કન્યાઓમાં ન મળે લાજ કે ન મળે શરમ! ન મળે વિનય કે વિવેક! અંગઉપાંગોને ખુલ્લાં રાખવામાં જ જે કળા સમજે તે સન્નારી કહેવાય કે..?
જવા દો, અમારે એવી વાતો કરવી નથી. એવા જીવનને જન્મ દેતા ભણતરને નવ ગજના નમસ્કાર!''
શહેરીઓ તો આ વાતો સાંભળીને સમસમી ગયા. પણ છતાં ય પોતાનો બચાવ કરવા મરણિયો પ્રયત્ન કરતાં કહ્યું, “પણ મૂર્ખાઓ! આ રીતે આધુનિક ભણતરને દોષ દેશો તો દુનિયા સાથે જીવશો શી રીતે ? ભણીગણીને તમે તેવા ન બનશો. પછી કાંઈ તમને વાંધો છે?”
તરત એક જુવાનિયાએ વળતો હલ્લો કર્યો, “આ તો કેવી વાત કરો છો? ઝેર ખવડાવવું અને પછી કહેવું કે ખબરદાર! જો ભૂવો છે તો!
તમારી કન્યાઓને તમે જ એ ભણતર આપ્યાં. અને પછી એ પાપો કર્યા વિના રહેશે એમ? અરે! એવી તો કેટલીએ કુમારિકાઓએ ગર્ભ ધારણ કર્યા! અને એને દંડ આપીને ધાક બેસાડવાની વાત તો દૂર રહી પણ એ કુમારી-માતાઓને આશ્રય આપતી સંસ્થાઓ ઊભી કરી! - વૈષયિકવાસનાઓની તીવ્રતા થઈ જવાને લીધે બેફામ રીતે ભોગવિલાસ શરૂ થયા અને તેથી વર્ષે બે વર્ષે છોકરાં થતાં રહ્યાં એટલે વસ્તી વધારાથી અકળાઈને તમે સંતતિ નિયમનનાં સાધનો આપ્યાં! ઓપરેશન કરાવે તેને ઈનામો આપ્યાં! બ્રહ્મચર્યના ધર્મને તમે પાણીમાં પધરાવ્યો, વિધવાઓને પાપની સગવડ કરી આપી, કુમારિકાઓને પણ બધું અનુકૂળ કરી આપ્યું. પણ યાદ રાખજો કે કુદરતની વિરુદ્ધ જઈને તમે કશો લાભ તો નહિ મેળવો પણ કમર ભાંગી નાખે એવો માર ખાઈ જશો!