________________
વિરાગની મસ્તી
૧૯
[૨]
આજ ગામડામાં જીવરામ નામના નેવું વર્ષના એક ડોસા રહેતા હતા. વર્ષ તો નેવું થયા હતા પણ દાંત તો બત્રીશે સાબૂત હતા. નખમાં ય રોગ જણાતો ન હતો, લાલબુંદ કાયા હતી, શરીર ઘાટીલું હતું, સફેદ મોટી દાઢી એની પ્રતિભાને નવો જ ઓપ આપતી હતી. અણિયાળું નાક, તેજસ્વી આંખો અને વિશાળ છાતી ભલભલા જુવાનિયાને શરમાવી દે તેવાં હતાં.
શહેરમાં રહીને અઠ્ઠાવીસ વર્ષ સુધી એમણે સ૨કા૨ી નોકરી કરી હતી. ત્યાં શિક્ષિતોની બનેલી એક કલબ હતી. એમાં વૈજ્ઞાનિકો હતા, સાહિત્યકારો હતા, કવિઓ અને ચિંતકો પણ સારા પ્રમાણમાં હતા. જીવરામ રોજ આ કલબમાં જતા અને જુદા જાદા માણસો પાસેથી એમનું જ્ઞાન અને એમનો બહોળો અનુભવ મેળવતા. સ૨કા૨ી નોકરીમાંથી નિવૃત્તિ થઈને ‘પેન્શન’ ઉપર ઊતર્યા પછી તો વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની તેમની ભૂખ ઠીક ઠીક પ્રમાણમાં સંતોષાવા લાગી.
આ પ્રમાણે વર્ષો સુધી શહેરમાં રહીને જીવરામ, પીઢ કહી શકાય તેવા સર્વતોમુખી પ્રતિભાવાળા સાક્ષર બન્યા. આમ શહેરી જીવનમાં બધુંય ગોઠી ગયું હોવા છતાં જીવન તો શહેરનું જ ને ? વિલાસનો વાયરો ત્યાં ન વાતો હોય, એકબીજાની નિંદા-કુથલી ત્યાં ન થતી હોય, નવા જમાનાના શિક્ષણની ઝેરી અસરો વાતાવરણમાં ન ફેલાઈ હોય, એ તો બને જ શેનું ? જીવરામ આ બધી વાતોથી ખૂબ જ દુભાયા હતા. એમને સંસ્કારવિહોણા શિક્ષણ તરફ ભારે નફરત હતી. વધુ દુઃખની વાત તો એ હતી કે એમના એ વલોપાતને વિચારવા શહેરનો શિક્ષિત વર્ગ લાચાર હતો.
એટલે જ અકળાઈને કંટાળીને છેવટે તેમણે એ શહેર છોડ્યું. જીવરામ સુવર્ણગઢમાં આવી વસ્યા. શાંતિ લેવા અને સાચી સુખ-શાન્તિનો રાહ ગામડાના ગભરુ માનવોને ચીંધીને એક ગામનો ઉદ્ધાર કરવા.
ધીરે ધીરે એમને ગ્રામ્ય જીવન ખૂબ માફક આવી ગયું. ગામડાના લોકો એમને ગમી ગયા. અને લોકોને એ પણ ખૂબ ગમી ગયા. સહુ એમને જીવરામ દા’ અથવા તો દા' કહીને જ બોલાવતા.