________________
વિરાગની મસ્તી
લીલીછમ ધરતીના એક જ દર્શને ગમે તેવું દીવેલીયું મોટું પણ મરક મરક હસી ઊઠતું. ધરતીના છોરુ તો રાત ને દી ત્યાં જ પડ્યાં-પાથર્યા રહેતાં; સખત કામ કરતાં પણ એમના મોં ઉપર કોઈ દિવસ થાક જણાતો નહિ; ધરતીના એ બાલુડાઓ તો સદેવ હસતાં ખીલેલાં જ રહેતાં.
સો સવાસો ઘરના એ ગામડાનું નામ હતું સુવર્ણગઢ.
હશે એનો ય કોઈ જાહોજલાલીનો સમય, જ્યારે કોઈ રાજા-રજવાડાએ એને ફરતો સોનાનો ગઢ ચણ્યો હશે, પણ આજે તો એ ભૂતકાળ ભૂત થઈને ભાગી ગયો હતો. નહોતા આજે ત્યાં કોઈ રાજા-રજવાડા; ન હતો એ સોનાનો ગઢ! રે! માત્ર હતો ગારલીયો કાચો કોટ અને હતું માત્ર નામ સુવર્ણગઢ!
ગામમાં વેપારી હતા, પટેલ અને ગરાસીયા હતા, રબારી અને ભરવાડ પણ વસ્યા હતા, કોળી-કણબી અને ઘાંચી પણ હતા. જાત બધાયની જાદી હતી પણ મન તો એક જ હતું.
અહીં ન હતી મોટી મહેલાતો, ન હતાં તાડ જેવડા ટાવરો, ન હતા ધુમાડા કાઢતાં કારખાનાઓ કે ધૂળ ઉડાડતી શેઠિયાઓની મોટરો.
અહીં કોઈ શેઠ ન હતો. હા, ગામની વચ્ચે આવેલી સાદી હવેલીમાં રહેતા વિમળને લોકો વિમળ શેઠ કહીને બોલાવતા ખરા. ભલે એમને લોકો શેઠ કહેતા પણ એમનામાં શેઠાઈ' જેવું કશું જ દેખાતું ન હતું. એમને અવસરે ઝાડુ પકડતા ય લાજ ન આવતી. ભરબજારે કોઈ દુઃખિયારા અપંગનો હાથ ઝાલતાં ખચકાતા પણ નહિ.
બેશક, વિમળ પાસે થોડી પૂંજી હતી જ પણ એ લક્ષ્મીથી અંજાઈને લોકો એને શેઠ” કહેવા લલચાયા ન હતા, એ તો એમની આગવી પરદુ:ખભંજન વૃત્તિએ જ એમને ‘શેઠ'નું બિરુદ અપાવ્યું હતું.
દુષ્કર્મના યોગે કોઈ માણસ એકાએક મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય અને જ્યાં એ વાતની વિમળને ખબર પડે કે એ બધું ય કામ પડતું મૂકીને દોડતો. કાયા તો ઠીક ઠીક દીવાળીઓ જોઈ ચૂકી હતી છતાં જ્યારે કોઈના તનમનને એ કરમાયેલાં જોતો. ત્યારે તો તાજા લીલા પલ્લવ જેવી તાજગી એના મોં ઉપર તરવરી આવતી.
નાનકડા બજારમાંથી હાંફળો-ફાંફળો બનીને ધમાલિયા વેગથી જ્યારે વિમળ ક્યાંક જતો દેખાતો ત્યારે તેને જોનાર સહુ એક બીજાના કાનમાં કહેતા, “જરૂર, કોઈને દુઃખના દી જોવાના આવ્યા લાગે છે. શેઠ એનો હાથ ઝાલવા, એનાં આંસુ લૂછવા જઈ રહ્યા હોવા જોઈએ. જે શેઠને પૈસાની કોઈ ગરમી નથી, માનની કોઈ ભૂખ નથી,