________________
વિરાગની મસ્તી
૧૩
દેવાનો. સુખની અગનભૂખે માનવને અકળાવી મૂક્યો છે. કોટાનકોટી ડોલરોનો સ્વામી રોકફેલર શું, કે તેલના અઢળક કૂવાઓની સમૃદ્ધિનો સ્વામી કુવૈતનો શેખ શું કે ડર્બીની ટિકિટ જીતતા રેસના ઘોડાઓના માલિક નામદાર આગાખાન શું? કોઈ પણ સાચા અર્થમાં સુખી નથી. રે! સુખભૂખ્યો શ્રીમંત તો અનિદ્રાનો ભોગ બની ત્રાહિમામ્ પોકારી રહ્યો છે. એ શ્રીમંતાઈના કહેવાતા સુખ કરતાં ગરીબીનું દુઃખ તો કદાચ ઘણું ઓછું કડવું હશે.
માટે જ હવે આવા સુખોથી માત્ર વિરાગ નહિ ચાલે પણ રૂંવાડે રૂંવાડે વ્યાપી જતી વિરાગની મસ્તી જ આલિંગવી પડશે.
તમારે ભગવાન મહાવીરદેવના સમત્વની આરાધના કરવી છે? ગીતાના સ્થિતપ્રજ્ઞ બનવું છે? બુદ્ધની મૈત્રી આરાધવી છે? તો જીવનમાં સુખ વિરાગની મસ્તીની રેલમછેલ બોલાવી દો.
આ કથામાં જે કાંઈ આવે છે તે સઘળું ય માનવ મનને વિરાગની મસ્તીથી તરબોળ કરી દેવાનું કાર્ય કરે છે.
હવે શરૂ કરો “વિરાગની મસ્તી તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ એનું વાંચન ધીરે ધીરે એક નવી જ દુનિયામાં તમને લઈ જશે. કદાચ તમને એની ખબર પણ નહિ પડે. અને જ્યારે પુસ્તક પૂર્ણ થશે ત્યારે તમારું આંતરમન ચિચિયારીઓ પાડી ઊઠશે. ખરેખર! ભયંકર છે આ સુખ, સુખનો રાગ, સુખની કારમી ભૂખ. અપૂર્વ છે વિશ્વનું સ્વરૂપ ચિંતન. ચિત્તની અશોક અવસ્થા એ જ આપી શકે. સુખના કોઈ પણ સાધન વિના બધા જ સુખનો અનુભવ સુખવિરાગથી જ થાય.
આ પુકાર જ વિરાગની મસ્તી છે.
અનંત કાળ છે, વિરાટ પૃથ્વી છે; કોઈક દી ક્યાંક કોઈક આત્મા એ મસ્તીને જ્યારે સ્પર્શશે, સર્વાગે આલિંગશે ત્યારે આ પ્રયત્ન વિશેષતઃ સફળ થયો ગણાશે.
મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી (વર્તમાન પં. ચન્દ્રશેખરવિજયજી ગણી.)