________________
તું કદાચ કહીશ કે પરિસ્થિતિ જ એવી છે કે હું ચિંતા કરવા ન પણ માગું તોય ચિંતા થઈ જ જાય છે તો મારી તને ખાસ સલાહ છે કે મનના ચિંતા કરતા રહેવાના સ્વભાવ પ્રત્યે આંખમીંચામણાં કરતા રહીને અંતઃકરણના ચિંતના કરતા રહેવાના સ્વભાવને તું અમલી બનાવતો જા.
ચિંતા છે, સૂર્યની આડે આવી જતા વાદળ જેવી. સૂર્યને જોવા જ નથી દેતી જ્યારે ચિંતન છે, વાદળવિહીન આકાશ જેવી, સૂર્યદર્શન સીધું જ થઈ શકે છે.
કબૂલ, આજની પરિસ્થિતિ તે જણાવ્યા મુજબની વિષમ છે જ; પરંતુ કેવળ ચિંતા કરતા જ રહેવાથી તો એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો હશે તો ય તું જોઈ નહીં શકે જ્યારે ચિંતનના માર્ગે કદમ માંડવાથી કમસે કમ એ રસ્તાનાં દર્શન તો તું કરી જ શકીશ. અને રસ્તો દેખાશે તો તું આ પરિસ્થિતિમાંથી અલ્પાંશ બહાર પણ આવી શકીશ.
સંદેશ સ્પષ્ટ છે. ચિંતા કહે છે, “શું થશે?” ચિંતન કરે છે “શું થઈ શકે તેમ છે?” બંને વચ્ચે આસમાન-જમીન જેટલો તફાવત છે.