________________
૪૧
મહારાજ સાહેબ,
સોનાને કસોટીના પથ્થર સાથે ચકાસીને જો ખરીદવામાં આવે છે તો થાપ ખાવાની શક્યતા ઓછી રહે છે એવું મેં ક્યાંક વાંચ્યું હતું. મારી પાસે સોનું ખરીદી શકું એવી સંપત્તિની શ્રીમંતાઈ ભલે નથી, પણ બુદ્ધિની શ્રીમંતાઈ મારી પાસે સારી એવી છે અને એટલે જ હું કોઈ પણ વાતનો સ્વીકાર કરતા પહેલાં એને તર્કની એરણ પર ચડાવી દઉં છું. જો ત્યાં એ વાત સાચી પુરવાર થાય છે તો જ હું એનો સ્વીકાર કરું છું અન્યથા એ વાતને નકારી દઉં છું.
આપ નહીં માનો પણ મારી આ પડી ગયેલ આદતના કારણે હું જો પરિચિતો વચ્ચે જાઉં છું તો ત્યાં મને “આ
તર્કશાસ્ત્રી આવ્યો’ એમ કહીને આવકાર મળે છે.
પૂછવું તો મારે આપને એ છે કે મારી આ આદત મારા જીવનમાં આગળ વધવામાં મારા માટે જોખમી તો નહીં બની રહે ને ?
શ્યામલ,
સુવર્ણની પરીક્ષા માટે કસોટીનો પથ્થર બરાબર છે પણ તું જો પુષ્પની સુવાસ અનુભવવા માગે છે અને એ માટે પુષ્પની પરીક્ષા કરવા માગે છે તો ત્યાં તો કસોટીનો પથ્થર માત્ર નકામો જ નથી, પુષ્પ માટે ઘાતક પણ છે.
૮૧