________________
રાજકારણી નિવૃત્ત થાય છે ખરા ?
મુંબઈ સમાચાર : તા. ૧૫/પ/૦૦
વાંદરાને તમે પૂછો. તું કઈ ઉંમરે ગુલાંટ મારવાનું બંધ કરીશ? સિંહને તમે પૂછો. તું કઈ ઉંમરે શિકાર કરવાનું બંધ કરીશ? કૂતરાને તમે પૂછો. તું કઈ ઉંમરે ભસવાનું બંધ કરીશ? માછલીને તમે પૂછો, તું કઈ ઉંમરે પાણીમાં સરકવાનું બંધ કરીશ? જો આ તમામ પ્રશ્નોના કોઈ સંતોષજનક પ્રત્યુત્તર તમને મળે તો રાજકારણીઓની નિવૃત્તિની વય અંગે તમને કંઈક સંતોષજનક પ્રત્યુત્તર મળે આ જગતના તમામ લોકોએ આ વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે કે રાજકારણીઓની તમામ ખુશીનું કેન્દ્રસ્થાન એક માત્ર “ખુરશી' જ હોય છે. વાંદરાની પાસેથી તમે ગુલાટ લઈ લો અને પછી જુઓ વાંદરાનો ચહેરો. તમને ખ્યાલ આવી જશે કે એ ચહેરા પર કોઈ નૂર જ રહ્યું નથી. બસ, આ જ સ્થિતિ હોય છે રાજકારણીઓની. તેઓ તો એમ જ માનતા હોય છે કે
ખુરશી દીવો, ખુરશી દેવતા, ખુરશી વિણ ઘોર અંધાર તે ખુરશી વિનાની જિંદગી, જીવતા મોત સમાન” તમે જીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. રાજકારણીઓ રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય !