________________
ઘર બંધાઈ જાય છે, સુથાર વિસરાઈ જાય છે
વિપિન પરીખની આ પંક્તિઓઃ એક કૂતરાના માલિકે તેને ઢોર માર મારી ઘરની બહાર કાઢી મૂક્યો પણ તે મૂરખ વફાદારીના ખખડી ગયેલા આદર્શને વળગી પૂંછડી પટપટાવતો, અપેક્ષાનું પોટલું જીભ પર હાંફતું રાખી બંધ દરવાજાની બહાર આખી રાત ઊભો જ રહ્યો. મેં તેને કહ્યું, ‘જરા સમજ. આ ઘર સાથેનો તારો ઋણાનુબંધ હવે પૂરો થયો. આ ઘરની માયા-મમતા છોડી હવે બહાર પડ. આ મોટા શહેરમાં બીજો કોઈ પણ સારો માલિક મળી જશે અને ન મળે તો પણ પેટ પૂરતા રોટલાના બે-ચાર કટકા તો ગમે ત્યાંથી મળી રહેશે’ પણ તે ત્યાંથી ખસ્યો જ નહીં. સવારે જોયું તો દરવાજાની બહાર જ તેણે પ્રાણ ત્યજી દીધા હતા.
કૃતજ્ઞતા” એ કદાચ પશુજગતને મળેલ વરદાન છે તો “કૃતનત’ એ માનવજગતને લમણે ઝીંકાયેલ અભિશાપ છે. ઘોડો અસવારને પ્રસન્ન રાખવા એક વાર તો જાનની બાજી પણ લગાવી દે છે. બળદ ખેડૂતને શ્રીમંત બનાવી દેવા પોતાની જાત તોડી નાખે છે. વફાદારી નિભાવવાના ક્ષેત્રે પશુજગતમાં કૂતરો આજે પણ પ્રથમ
નંબરે છે. સિંહણ ગમે તેટલી ભૂખી હોય છે ત્યારે પણ એનાં બચ્ચાંઓ તો એની પાસે નિર્ભય જ હોય છે. પેટ ભરેલું હોય છે ત્યારે તો સિંહના શરીર પર સસલું ય કૂદાકૂદ કરી શકે છે.
પણ,
માનવ ? એની તો આખી વાત જ ન્યારી છે. એ તો એક જ સુત્રને આધારે પોતાનું જીવન જીવી રહ્યો છે અને એ સૂત્ર છે, “સહુનો ઉપયોગ કરી લો અને પછી એને ભૂલી જાઓ.’
બીમારી આવી છે એમ ને? ડૉક્ટરનો ઉપયોગ કરી લો અને પછી ક્યારેક એ રસ્તામાં મળી પણ જાય તો ય એને ઓળખવાની પણ ના પાડી દો. શેરડી બહુ ગમી ગઈ છે એમ ને ? એને ચૂસી લો અને પછી રસ્તા પર રહેલ કચરાપેટીમાં નાખી દો. પત્નીનું રૂપ મનને બહુ ભાવી ગયું છે એમ ને? વાસનાતૃપ્તિ માટે એનો થાય એટલો ઉપયોગ કરી લો અને પછી એનાથી મોઢું ફેરવી લો, મા-બાપ હવે કામનાં રહ્યા હોય એવું નથી લાગતું ને? મૂકી આવો એમને વૃદ્ધાશ્રમમાં. અરે, દુઃખને દૂર કરવા પ્રભુ પાસે ગયા હતા અને એમની ભક્તિ કરી હતી એ તો બરાબર છે પણ હવે દુઃખ દૂર થઈ ગયું છે ને? ભૂલી જાઓ એ પ્રભુને !
હા. ‘ઉપકાર લેતા રહો અને ઉપકારીને ભૂલતા રહો’ કૃતજ્ઞતાનો આ દોષ જાણે કે માણસના લોહીના બુંદ બુંદમાં રમી ગયો છે. આ દોષે એને નથી તો કોમળ રહેવા દીધો, નથી તો સરળ રહેવા દીધો કે નથી તો એને શીતળ રહેવા દીધો. હૃદયક્ષેત્રે એને બનાવી દીધો છે કઠોર, મનક્ષેત્રે એને બનાવી દીધો છે કુટિલ અને સ્વભાવક્ષેત્રે એને બનાવી દીધો છે ધગધગતા અંગારા જેવો.
આવી મનોભૂમિમાં સંસ્કારોનું વપન? અશક્ય ! સદ્ગુણોનો પાક ? અશક્ય ! સમાધિનું ફળ? અશક્ય ! સદ્ગતિની બાંયધરી? અશક્ય ! માનવ ! તારી આ કલંકકથા? કમ સે કમ પશુજગત સામે તો ટટ્ટારથી ઊભો રહે !