________________
૪૧
પ્રલોભનોની વણઝાર, નિ:સત્ત્વ મન, માયકાંગલી શ્રદ્ધા, વિલાસી વાતાવરણ, દોષ બાહુલ્ય જીવન, આ બધું જોતા-અનુભવતા એમ લાગે છે કે કાળ જ ખરાબ છે. અચ્છા અચ્છા સજ્જનને ય એની અસરથી મુક્ત રહેવું અશક્ય બની ગયું છે. આપ શું કહો છો?
નમન, કરોડો રૂપિયાનું દાન કરનારા દાનેશ્વરીઓ પણ આ કાળમાં જ મોજૂદ છે તો ભરયુવાન વયે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવા કટિબદ્ધ બની જતા પવિત્ર યુવાનયુવતીઓનો પણ આ કાળમાં તોટો નથી. સાંભળવા માત્રથી શરીરમાંથી કંપારી પસાર થઈ જાય એવી વંદનીય તપશ્ચર્યાઓ કરનાર તપસ્વીઓના પણ આ કાળમાં દર્શન સુલભ છે તો જીવનભરને માટે હોટલ, પિશ્ચર, ટી.વી., રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરી દેતા સત્ત્વશીલ આત્માઓ પણ આ કાળમાં પાર વિનાના છે.
જો કાળ જ ખરાબ છે તો એની અસર સહુ પર એક સરખી જ થવી જોઈએ ને? પણ ના, આવા ખરાબ કાળમાં ય સારા આત્માઓ આ જગતમાં સંખ્યાબંધ વિદ્યમાન છે જ.
હું તને જ પૂછું છું. ‘કાળ જ ખરાબ છે'ના બચાવ હેઠળ તારું મન જીવનમાં રહેલ કમજોરીઓને ન્યાયી” પુરવાર કરવા તો નથી માગતું ને? સત્ત્વ ફોરવતા રહીને સ્વજીવનને પાપમુક્ત અને દોષમુક્ત બનાવતા રહેવાની જવાબદારીમાંથી તારું મન છટકી જવા તો નથી માગતું ને? જીવનમાં પાપો કરતા રહેવાની છૂટ લઈ લેવા તો મન નથી માગતું ને? ખૂબ ગંભીરતાથી તું આત્મનિરીક્ષણ કરજે. કદાચ મેં તને પૂછેલા બધા જ પ્રશ્નો તને સાચા જ લાગશે.
અને એક બીજી વાત કરું?