________________
દુઃખની દોસ્તી
આપણે દુઃખી હોઈએ ત્યારે બીજાની સહાય કેટલી હદે કામ લાગે છે ? દુઃખ આવશે ત્યારે સધિયારો મળશે એમ માનીને બીજાની પાસે દોડી જવાની આદત છે આપણને. દુ:ખને લીધે બેબાકળા થઈ બેસવાથી એ દુ:ખ ઘટી જતું નથી. દુખને આપણે દૂર રાખવા જેવો દુશ્મન માન્યો છે. એની સાથે લડાય નહીં, એને જવાબ અપાય નહીં. એની સામે જીતવાનું શક્ય નથી. હારવાનું ગમતું નથી.
દુઃખના સંયોગોમાં બીજા હાથ ઝાલે તે સારું છે. દુ:ખી મનોદશામાં બીજાનો ફાળો કશો કામ લાગવાનો નથી. બીજા ખરેખર બીજા જ હોય છે. અળગો અને જુદા. આપણી લાગણીને મૂલવી શકવાની તેમની તાકાત નથી હોતી, આપણે દુઃખી છીએ તે જોઈ એ દુ:ખી થશે અને એમ કરતાં એ દુ:ખ વહેંચવાથી હળવું થશે એમ આપણે માની લીધું છે. આપણો આ અધિકારભાવ.
આપણાં દુઃખથી બીજા શું કામ દુ:ખી થવા જોઈએ ? આપણા દુ:ખગ્રસ્ત વિચારોનો ચેપ બીજાને લગાડવાની કોઈ જ જરૂર નથી. દુ:ખ સાથે કામ લેતા આવડતું નથી. આપણને દુઃખમાં બીજાનો ખોળો યાદ આવે તે જેટલું માનવસહજ છે તેથી વધુ બાળસહજ છે. દુ:ખને વેઠવું પડે તે તો વેઠવું જ પડે. દુ:ખની ક્ષણોમાં મનને વિષાદી બનાવી મૂકવું તે સાવ જ જુદી અનુભૂતિ છે. દુ:ખનો ભાર ખભે આવે ત્યારે બેસી પડનારા લોકોમાં આપણું નામ છે. દુ:ખના ભાર ઉપાડીને દમામથી ચાલનારા લોકોમાં આપણું નામ નથી. દુ:ખ નથી જીરવાતું તે બીજો તબક્કો છે. દુ:ખ આવે છે તે પહેલો તબક્કો છે. દુ:ખ આવે, ન જીરવાય અને પછી એ બીજા સમક્ષ વ્યક્ત થઈ જાય તે સદા ચાલી આવતો ક્રમ છે. આપણું દુ:ખ એ આપણો રોગ અને આપણી સમસ્યા છે. બીજા વગર એ ઉકેલી શકાય છે. દુ:ખ ન હોય તેવા દિવસો મળે તો સારું જ છે. દુઃખ હોય તેવા દિવસો મળે તો પણ સારું જ છે. દુ:ખ બીજાને જણાવીએ તેને લીધે દુ:ખનો ફેલાવો વધે છે અને દુ:ખનું કદ તો ઘટતું જ નથી. એક દુ:ખ આવે છે તે કોઈ બીજા એક દુ:ખને અટકાવીને જ આવે છે. જે નથી આવ્યું તે દુ:ખ યાદ કરીને તેની ઉપર ખુશીથી ચર્ચા કરવાની. એક લાખની નુકશાની થઈ તે વખતે દસ લાખની નુકશાની નથી થઈ તે યાદ કરવાથી ખુશ રહેવા મળે છે. દસ લાખની નુકશાની થઈ તે વખતે પચીસ લાખની નુકશાની નથી થઈ તે નક્કી હોય છે. આ દિશાથી વિચારીએ છીએ તો દુ:ખમાં પણ મજા આવવા માંડે છે.
બીજાની પાસે દુ:ખ કહેવાના નથી. બીજાનાં મનમાં આપણી માટે લાગણી
હોય, આદરભાવ હોય તો પણ એમના સહવાસમાં જ એક અણદીઠ સ્પર્ધા રહેતી હોય છે. બીજી સમક્ષ દુ:ખ વ્યક્ત કરીએ છીએ ત્યારે આ સ્પર્ધામાંથી હારીને મુક્ત થઈ જવાનો નબળો સંતોષ મળે છે. બીજને જણાવીએ છીએ તે દુ:ખ ખરેખર એ જ રંગરૂપનું દુઃખ છે કે નહીં તે વિચાર્યા વગર આપણે નિવેદન કરવા જઈશું તો સામી
વ્યક્તિ કંટાળી જવાની છે. આપણે કહીએ છીએ તે બધી જ વાત ખોટી નથી હોતી. તેમ આપણે કહીએ તે બધી જ વાત સાચી નથી હોતી. આપણું દુ:ખ બીજાના હાથમાં સોંપીએ તે આપણી નબળી કડી જાહેર કરવા જેવું કામ છે, દુ:ખનો ડૂમો ભરાયો હોય તો બહાર નીકળશે જ. દુ:ખને ગળી જવાની આવડત હશે તો એ બહાર વેરાશે નહીં. આપણી ખામી કબૂલીએ તો એ સુધરે છે. આપણું દુઃખ કબૂલીએ તો એ સુધરતું નથી. આપણે ગૂંચવાઈ ગયા હોઈએ ત્યારે જ બીજાની પાસે જવું પડે છે. આપણી સમજણમાં કોઈ કડી ખૂટે છે તો જ ગૂંચ પડે છે. શાંતિથી વિચારીએ તો દુ:ખનો સામનો કરવામાં સમયની સહાય લેવાનું સૌથી વધુ અનુકૂળ આવે. બીજાને જણાવી દેવાથી આપણે સલામત બની જતા નથી. આપણે બોજો ઉપાડી શકતા નથી માટે જ એ બીજાને ટેકે ઉપાડવાનું થાય.
દુ:ખમાં બીજાને ટેકે ચાલો છો તેનો અર્થ, તમારી પર બીજાનું વર્ચસ્વ પ્રસ્થાપિત થયું છે, એટલો જ થાય. દુ:ખ જણાવી દેવાથી હલકા થઈ જવાતું હશે, દુઃખમાં ઘટાડો લાવે તેવા સંયોગોમાં બીજી વ્યક્તિની સહાય પણ મોટો ભાગ ભજવે છે, કબૂલ. આવી પરાધીનતા કાયમ માટે કોઠે પડી જાય તે જરાય વ્યાજબી નથી. આપણને રોગ થયો, બીજાને કહેવાથી એ ન મટ્યો, દવાથી જ મટ્યો. યાદ છે. આપણને દુ:ખ પડ્યું. બીજાને કહેવાથી નથી ઘટ્યું, સામનો કરવાથી મઢ્યું છે. યાદ છે ?
તમને દુ:ખી જોઈને બેચેન થઈ જનારા સહવર્તીથી જીવન ઉજળું છે. દુ:ખ બતાવતા જ રહીને સહવર્તીના માથે ભાર મૂક્યા કરવામાં સારપ નથી. દુ:ખે કહો નહીં. સંઘરી રાખો તો માનસિક સમતુલા તૂટશે. દુ:ખમાંથી તરત જ ઈલાજ શોધવાની શરૂઆત કરી દેવાથી હિંમત બંધાય છે. પરિશ્રમ ક્યારેય નિષ્ફળ નથી જતા. સાધુ બનીને દુ:ખના પહાડ ખમી શકીએ તો ઉત્તમ. એવી ક્ષમતા ન હોય તો જે દુ:ખ આવે તેને સમજણપૂર્વક ઉકેલો. પેઇનકીલર્સથી દુ:ખાવો દબાય, મટે નહીં. રડવાથી દુ:ખનું જોર દબાય, ઘટે નહીં. દુ:ખના દરવાજે તાળું હોય અને તેની ચાવી આપણા હાથમાં જ હોય પછી જિંદગી આરામથી પસાર થઈ શકે.
નથી ફરક પડતો દુ:ખ કહી દેવાથી. દેવું થઈ ગઈ ગયું છે તેમ કહી દેવાથી, ગયેલા પૈસા પાછા આવી શકે તો જ બીજાને જણાવી દેવાથી દુ:ખ મટી શકે.
૬
.