________________
પ્રવચનમ્-નો પમરાટ
ગગનને આંબતાં પંખીડાઓને ઉડાન મળે છે પાંખો દ્વારા. આનંદની પાંખો દ્વારા જીવનને આંબવાનું હોય. નબળા વિચારો અને અધૂરી સમજણ, ભીડવેલી પાંખો છે. એને પસારીએ તો એનાં રંગરૂપ ફરી જાય. મનને સમજાવીએ, મનને સજાવીએ એટલે જૂની પાંખો ખરી પડે, નવી પાંખો ઉગે, પ્રસન્નતાની પાંખો. જીવન કેટલા બધા આનંદથી ભરેલું છે તેનો અનુભવ થાય.
પ્રવચનમ્-નાં પાને મુદ્રિત થઈ ચૂકેલા લેખો આ અનુભવ લઈને આજે પુસ્તિકારૂપે પ્રકટ થઈ રહ્યા છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ.ના આ શબ્દોએ, અનેક પુણ્યવાનોનાં અંતરમાં નવા ઉન્મેષ જાગૃત કર્યા છે. આ પ્રવચનમ્-નો પમરાટ આપને પણ નવો આનંદ આપશે.
– પ્રવચન પ્રકાશન, પૂના
ત્રણ જીવન છે.
વર્તમાન જીવન. જીવનોત્તર જીવન. જીવનાતીત
જીવન.
જીવનમાં જ્યોતિ
આજે જે જીવન ચાલુ છે તે પૂરું થશે પછી બીજું જીવન ચાલુ થવાનું છે. જીવન પછીનું જીવન. બંને જીવન શરીરના સ્તરે.
ત્રીજું છે શરીર વિનાનું જીવન. તમામ પ્રવૃત્તિઓ વિનાની નિદ્રામાં જેમ નિરાંત છે તેમ શરીર વિનાનું એ ત્રીજું જીવન અદ્ભુત છે. એને પરમપદ, મોક્ષ, પરમાત્મદશા જેવા શબ્દોથી ઓળખાવાય છે.
જીવનોત્તર જીવન પર વર્તમાન જીવનની અસર છે. જીવનાતીત જીવન માટે વર્તમાન જીવનમાં જાગૃતિ જોઈએ.
મારા સંયમજીવનમાં સહયાત્રી રહેનારા પૂજ્ય પ્રાણપ્રિય બંધુમુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ની સંગાથે રહીને આ શબ્દો લખાયા છે. એ દ્વારા
વર્તમાનજીવનમાં જ્યોતિ જાગે તો આનંદ.
મહા વદ ૧૪ સાબરમતી
– પ્રશમરતિવિજય