________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારો રાજમહેલ “નીલપદ્મ પ્રાસાદના નામે પ્રસિદ્ધ છે. મહેલની બહારની ભીંતો પર અને મહેલની ફરસ પર મત્સ્ય દેશના ચમકીલા પથ્થરો જડેલા છે. દીવાલો પર ઉપરથી નીચે સુધી વિવિધ રંગનાં રત્નો જડાયેલાં છે. બહારના મેદાનથી મહેલ સુધી સુંદર પુલ બનેલો છે. એ પુલની બંને બાજુ સ્વર્ણ-દંડ લાગેલા છે. નીલ-પદ્મ સરોવરનું પાણી ખરેખર, નીલમણિની સમાન સ્વચ્છ અને ઉજ્વલ છે. અને એમાં મોટાં મોટાં નીલકમલ સદેવ ખીલેલાં રહે છે. સરોવરની વચ્ચે કૃત્રિમ ટાપુ બનેલા છે. એ ટાપુઓ પર હંસ, ચક્રવાક, બક, સારંગ.... વગેરે પશુ-પક્ષીઓના કૃત્રિમ આવાસ બનાવવામાં આવ્યા છે. એ પક્ષીઓનો કલરવ, નિર્મળ જળમાં નીલ કમલોની શોભા અને એના પર પડતી મહેલની કંપતી પરછાઈ.. (પડછાયો) અપૂર્વ સૌંદર્યનું દર્શન કરાવે છે.
હે માતા, ક્યારેક શુભ ચંદ્રની જ્યુસ્નામાં, શ્વેત વસ્ત્રો પરિધાન કરી, સરોવરના એક સ્વચ્છ શુભ્ર શિલાખંડ પર હું બેસી જતી. હું બાહ્ય જગતને ભૂલી જતી. મને ભગવાન ઋષભદેવની નયનરમ્ય મૂર્તિ દૃષ્ટિગોચર થતી... મારું મન પ્રભુના ધ્યાનમાં લીન થઈ જતું. મારા અધરો કંપવા લાગતા અને પ્રભુની સ્તવના પરિફુટ થતી... હું ધીમા... મધુર સ્વરે... આંખો બંધ કરીને ગાતી રહેતી. મને પ્રભુ ઋષભદેવનું સાંનિધ્ય પ્રાપ્ત થતું. મારા રોમરોમ વિકસ્વર થઈ જતા. મારી આંખો પ્રેમાશ્રુથી છલછલી જતી... આવા મધુર અનુભવો અનેક વાર મને થયાં છે. હે માતા! મારો ત્રાતા, ભ્રાતા, માતા ને સર્વસ્વ પ્રભુ ઋષભદેવ છે!
મહાદેવી, અમારા રાજમહેલની ખોટી પ્રશંસા નથી કરતી. ખરેખર, આ યુગમાં આ મહેલ નંદનવનની હોડ કરે છે! ત્યાંની સંપદા, સંપન્નતા, વિભૂતિ અને સજાવટ જોઈને મોટા સમ્રાટોને ઈર્ષ્યા થાય છે! આખો મહેલ શ્વેતા સંગેમરમરનો બનેલો છે. એમાં સાત ભવ્ય ખંડ છે અને સાત વિશાળ પ્રાંગણ છે. સહુથી ઊંચી અટ્ટાલિકા પર જડેલો સ્વર્ણકળશ, પ્રભાતના સોનેરી તડકામાં ખૂબ ચમકે છે અને દૂર દૂર સુધી શોભાનો વિસ્તાર કરે છે. મહેલ ખૂબ વિશાળ છે. એના દરેક કારોના કલાત્મક તોરણ પર હમેશાં સંધ્યા સમયે જૂઈ, ચંપો, ચંપક, માલતી અને શતદલની માળાઓ સુંદર રીતે ટીંગાડવામાં આવે છે. મહેલની બહારની ભીંતના ગોખલાઓમાં પોપટ, સારિકા, મયૂર, હંસ, સારસ, ચિત્તર આદિ પક્ષીઓ નિવાસ કરે છે.
મયણા
For Private And Personal Use Only