________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
THE ૩૪.પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમનું
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન,
આજે આ પત્રમાં મારે તને સાધનાની પૂર્વભૂમિકાથી શરૂ કરી, ઠેઠ આત્માનુભવરૂપ પ્રકષ્ટ લય સુધીનો ક્રમિક વિકાસ બતાવવો છે. જેથી તું કોઈ ગૂંચવાડામાં ન પડી જાય અને આ વિકાસક્રમ મુજબ તારી આરાઘના આગળ વધતી જાય.
પહેલી વાત છે ભવનિર્વેદની. સંસારમાં જે અનર્થોની પ્રચુરતા છે તે જોઈને હૃદય કંપી ઊઠે. શુભાશુભ કર્મોના ઉદયોથી સર્જાતી અસંખ્ય વિષમતાઓ સાધકના મનને અકળાવી દે. ચૌદ રાજલોકમય વિરાટ સૃષ્ટિમાં જીવોના થતા અવિરત પરિભ્રમણને જોઈ તેના શરીરે પરસેવો વળી જાય. બિહામણા દૈત્ય કરતાં પણ વધુ ભયંકર તેને સંસાર લાગે. તે હંમેશાં ઉદ્વિગ્ન રહે, ભયભીત રહે. “રખેને કોઈ પાપ મારાથી થઈ ન જાય. રખેને હું પ્રમાદમાં પડી ન જાઉં... રખેને કોઈ પાપપિશાચ મને ગળી ન જાય!'
બીજી વાત છે ઃ ભવોગથી સાધક ક્ષમાશીલ બને. સંસારના સુખો પ્રત્યે જે વિરાગી બને તેને ક્ષમાગુણ સહજતાથી સિદ્ધ થાય. પોતાના શરીર પ્રત્યે પણ મમતારહિત બનેલા સાધકને દુનિયામાં કોઈ શત્રુ જ દેખાય નહીં. શરીર પર આક્રમણ કરનારને પણ તે મિત્ર માને! જે સાધક આત્મા સ્વજનોને, પરિજનોને, સંપત્તિને અને શરીરને પરાયાં માને, એના પ્રત્યે આકર્ષણ નાશ પામે, તેવા સાધકને કોઈ જીવાત્મા પોતાનો અપરાધી લાગે જ નહીં, એટલે તે સહજ ભાવે ક્ષમાશીલ બને.
ત્રીજી વાત : ક્ષમાશીલ આત્મામાં અભિમાન ન હોય. ક્ષમા અને નમ્રતા સખીઓ છે. સહચરી છે. જ્યાં ક્ષમા હોય ત્યાં નમ્રતા હોય જ. જ્યાં નમ્રતા હોય ત્યાં ક્ષમા હોય જ. જેના મનમાં દેહાભિમાન પણ રહ્યું ન હોય તેવા મહાત્માને કુલાભિમાન, રૂપાભિમાન, બલાભિમાન જેવાં અભિમાનો હોય જ ક્યાંથી? તે નિરભિમાની હોય. તે મદરહિત હોય, તેના દેહ પર નમ્રતાની ચાંદની પથરાયેલી હોય. તેની વાણીમાંથી નમ્રતાનાં ફૂલ ખરતાં હોય. તેના વિચારો નમ્રતાની સુવાસથી મઘમઘતાં હોય.
For Private And Personal Use Only