________________
૩પ જ
મહારાણી સૂર્યકાંતા !
રાજવી પ્રદેશની પટરાણી બનવાનું સદ્ભાગ્ય તને મળ્યું છે. તારું રૂપ આમે ય એવું અદ્ભુત છે કે ભલભલો મરદ પણ એ રૂપનો ગુલામ થઈ જાય છે ત્યારે તને પતિ તરીકે મળેલો રાજા પ્રદેશી ખુદ નાસ્તિક છે. પુણ્ય-પાપ, ધરમ-કરમ, આત્મામોક્ષ વગરે એક પણ પરિબળ પર એને શ્રદ્ધા નથી અને એટલે એ તો તારી પાછળ પૂરેપૂરો પાગલ છે. સત્તા છે એની પાસેયુવાની છે એની પાસે. અમાપ સંપત્તિ છે એની પાસે. તારા જેવી રૂપવતી સ્ત્રી છે એની પાસે. જલસા કરવામાં એ શું કામ બાકી રાખે? તને જલસા કરાવવામાં ય એ શું કામ કોઈ કચાશ રાખે? તું પોતે એની નાસ્તિકતાથી ખુશ છે, તારા પાછળની એની પાગલતાથી તું પોતે બેહદ આનંદિત છે. અને એટલે જ,
એક પણ પરિબળ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ તારા આ સુખમાં બાધક બને એવું તું અંતરથી ઇચ્છતી નથી પણ એક દિવસ એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે.
રાજા પ્રદેશીને એનો મંત્રી, કેશિ ગણધર પાસે લઈ આવ્યો છે. અલબત્ત, પ્રદેશીએ શરૂઆતમાં તો કેશિ ગણધર સમક્ષ જાતજાતના કુતર્કો રજૂ કર્યા છે. ‘ચોરી કરતા પકડાઈ ગયેલા એક ચોરના મેં રાઈ રાઈ જેટલા ટુકડા કરાવ્યા છે છતાં મને આત્મા નથી તો દેખાયો કે નથી તો મળ્યો. જો આત્મા જેવી કોઈ ચીજ હોય તો દેખાવી કે મળવી જોઈએ ને ?'
આવા સંખ્યાબંધ કુતર્કોનાં કેશિ ગણધરે ચોટદાર સમાધાનો આપ્યા છે પ્રદેશીને અને એ સમાધાનોથી માત્ર સંતુષ્ટ જ નહીં અત્યંત પ્રસન્ન પણ થઈ ગયેલ પ્રદેશી એ જ દિવસથી ધર્મ માર્ગે વળી જવાનો નિર્ણય કરી બેઠો છે.
એ ઘરે આવ્યો છે તો ખરો પણ તારા ચેનચાળાની સામે એ સર્વથા ઉદાસીન બની ગયો છે. તારું રૂપ, તારું સૌંદર્ય, તારી કામોત્તેજક ચેષ્ટાઓ, એ તમામ સામે એ જાણે કે બરફ જેવો ઠંડો બની ગયો છે એ તો ઠીક પણ એણે છઠ્ઠને પારણે છઠ્ઠની તપશ્ચર્યા શરૂ કરી દીધી છે.
એનાં આ જીવન પરિવર્તનથી તું સમસમી ગઈ છે. એનું આ સંયમિત સ્વરૂપ કે જેની તેં ક્યારેય કલ્પના પણ નથી કરી એ તારી સામે જ તને જોવા મળી રહ્યું છે અને તારી વેદનાનો કોઈ પાર નથી. “યુવાની મારી નિષ્ફળ જઈ રહી છે” એવું તને લાગી રહ્યું છે અને તે પ્રદેશની તારા પ્રત્યેની આ ઉદાસીનતાનો બદલો અલગ રીતે લેવાનું નક્કી કરી દીધું છે.
આજે રાજવી પ્રદેશીને ધર્મ માર્ગે વળ્યાને ઓગણચાલીસમો દિવસ છે. તેરમા છઠ્ઠનું આજે પારણું છે. તેર છઠ્ઠના છવ્વીસ દિવસ, એમાં કરેલા બાર છઠ્ઠના પારણાના કુલ બાર દિવસ અને તેરમા છઠ્ઠનો આ તેરમો દિવસ છે. એને કલ્પના ય નથી કે આજે તું તારા મગજમાં કોક ભયંકર જયંત્ર રચીને બેઠી છે.
પ્રદેશી છઠ્ઠનું પારણું કરવા આજે બેઠો છે અને તે પોતે એને પારણામાં જે દૂધ આપ્યું છે એ વિષમિશ્રિત છે. જેવું એ દૂધ પ્રદેશના પેટમાં ગયું છે, દૂધમાં ભળેલા ઝેરે પોતાનો ભાગ ભજવવાનું ચાલુ કરી દીધું છે. એની નસો તણાવા લાગી છે. એનું માથું ફાટફાટ થવા લાગ્યું છે. એના મોઢામાંથી ફીણ છૂટવાના ચાલુ થઈ ગયા છે.
‘બહાર કોણ છે ?” પ્રદેશીએ બૂમ પાડી છે. એની બુમ સાંભળીને બહાર ઊભેલો ચોકીદાર એકદમ અંદર ધસી આવ્યો છે. ‘આજ્ઞા કરો’
‘જલદી રાજવૈદને બોલાવી લાવ’
૬૮