________________
રુહ
કુવલયપભ આચાર્ય!
અનંત ચોવીસી પહેલાંની આ વાત છે. ૨૪ મા તીર્થંકર ભગવંત ધર્મશ્રીનું નિર્વાણ થઈ ચૂક્યું છે. એમનું શાસન ચાલી રહ્યું છે પણ કાળના પ્રભાવથી એમના શાસનમાં અસંયતોની, શિથિલાચારી વગેરેની પૂજા ચાલુ થઈ ચૂકી છે. અસંવિગ્ન અને અગીતાર્થ આચાર્યોએ આ પરિસ્થિતિનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ચાલુ કર્યું છે. એમણે શ્રાવકો પાસેથી ધન કઢાવડાવી ચૈત્યો દેરાસરો તૈયાર કરાવડાવ્યા છે અને દેરાસરોમાં જ અડિંગો જમાવીને તેઓ ચૈત્યવાસી બની ગયા છે. અપાર સંપત્તિના તેઓ માલિક બની બેઠા છે.
પણ, ઉકરડામાં મોતી ચમકે એમ કુવલયપ્રભાચાર્ય, તમે જિનાજ્ઞાને વફાદાર જ રહ્યા છો. નથી તમે નિત્ય વાસ સ્વીકાર્યો કે નથી તમે સાવદ્ય ભાષાઓ દ્વારા ચૈત્યો કરાવ્યા.
એક દિવસ,
વિહાર કરતાં કરતાં તમે શિથીલાચારીઓના સ્થાનમાં આવી ચડ્યા છો. એમણે તમારી જોરદાર આગતાસ્વાગતા કરી છે. થોડોક સમય વિશ્રામ કરી લઈને જેવી તમે ત્યાંથી વિહાર કરવાની તૈયારી કરી છે, એ શિથીલાચારીઓએ તમને વિનંતિ કરી છે. ‘તમે જો અહીં ચોમાસું કરો તો તમારા પ્રભાવથી અત્રે એક નવું દેરાસર થઈ જાય.’
તમે એમને જરાય ગભરાયા વિના સ્પષ્ટ ભાષામાં જવાબ આપી દીધો છે કે “આ કામ દેરાસર સંબંધી છે એટલે સારું છે પણ મારા-તમારા માટે સાવદ્ય-પાપ છે. માટે હું વચન માત્રથી પણ આ બોલવા તૈયાર નથી કે શ્રાવકો ! તમે દેરાસર બંધાવો.'
સામે બધા જ ચૈત્યવાસીઓ હતા, એમના ભક્તો હતા. છતાં કોઈની પણ શેહ-શરમમાં તણાયા વિના તમે જે સસૂત્ર પ્રરૂપણા કરી છે, જિનાજ્ઞાની વફાદારી જાળવી છે એના પ્રતાપે તમે ત્યાં ને ત્યાં જ તીર્થકર નામકર્મનો બંધ કર્યો છે.
પણ એ ભેગા થયેલા ચૈત્યવાસી આચાર્યાદિને તો તમારી આ પ્રરૂપણાએ ઝાળ લગાડી દીધી છે. તમારી ઠેકડી ઉડાડતા તેઓ એટલું જ બોલ્યા છે કે “દેરાસરમાં પણ તમને જો સાવદ્ય જ દેખાય છે તો તમારું નામ સાવદ્યાચાર્ય જ રાખવું જોઈએ.”
તમારું ‘સાવદ્યાચાર્ય' નામ ચારેય બાજુ પ્રસિદ્ધ થવા લાગ્યું છે. તમારી સર્વત્ર નિંદા પણ થવા લાગી છે પણ તમે જિનાજ્ઞા પ્રત્યેની તમારી વફાદારી પકડી જ રાખી છે.
આ બાજુ
કેટલોક કાળ પસાર થયા બાદ ચૈત્યવાસીઓ વચ્ચે જ આગમિક પદાર્થોમાં મોટો વિવાદ ઉત્પન્ન થયો છે અને એનો નિવેડો લાવવાની જવાબદારી તમારા શિરે નખાઈ છે. તમે વિહાર કરતા સાત મહિને આ સ્થાન પર આવી પહોંચ્યા તો છો પણ તમારા નગર પ્રવેશ વખતે તમારા સંયમના તેજથી પ્રભાવિત થઈ ગયેલ એક સાધ્વીજી ભગવંત જાહેર રસ્તા પર તમને પ્રદક્ષિણા આપીને સીધા તમારા પગમાં પડ્યા છે અને પગને સ્પર્યા છે. તમે પગ પાછો ખેંચી લેવાને બદલે એમ ને એમ ઊભા રહી ગયા છો. સાધ્વીજીને ચરણ સ્પર્શ કરવા દીધો છે. એ પ્રસંગે હાજર રહેલા શિથીલાચારીઓએ આ જોયું છે અને એમણે આ બધું મનમાં ધારી લીધું છે.
૬૪