________________
‘અમારા ભાઈ મહારાજ ક્યાં છે?” તમારા ગુરુ મહારાજને તેઓએ પૂછ્યું છે અને તમારા ગુરુદેવે એમને ઉપર જવા સૂચવ્યું છે.
બન્યું છે એવું કે તમે ૧૦પૂર્વના જ્ઞાતા છો. બહેન સાધ્વીજીઓ મને વંદન કરવા ઉપર આવી રહી છે એનો તમને ખ્યાલ આવી ગયો છે અને એમને બતાડી દેવા તમે આસન પર સિંહનું રૂપ કરીને બેસી ગયા છો. સાધ્વીજીઓ ઉપર આવ્યા તો ખરા પણ જ્યાં આસન પર એમને સિંહ બેઠેલો દેખાયો, તેઓ એકદમ ડરી ગયા અને નીચે પહોંચી ગયા.
‘ગુરુદેવ, ઉપર અમારા ભાઈ મહારાજ તો નથી પણ આસન પર સિંહ બેઠો છે ૧૪ પૂર્વધર ભદ્રબાહુસ્વામી મહારાજ પાસે તમારા સાધ્વીજીઓએ આ વાત કરી છે અને ઉપયોગ મૂકતાં એમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો છે.
‘તમે ઉપર જાઓ. સ્થૂલભદ્ર ત્યાં જ છે' અને ભદ્રબાહુસ્વામીજીના વચનને શિરોધાર્ય કરીને સહુ સાધ્વીજીઓ ઉપર આવ્યા છે. તમે સિંહનું રૂપ સંહરીને પુનઃ તમારું રૂપ ધારણ કરીને આસન પર ગોઠવાઈ ગયા છો. સાધ્વીજીઓ તમને વંદન કરીને સ્વસ્થાને જવા નીકળી ગયા છે અને આ બાજુ વાચનાનો સમય થતાં તમે ભદ્રબાહુ સ્વામીજી સમક્ષ વાચના લેવા ઉપસ્થિત થયા છો.
‘તમને હવે વાચના આપવાની નથી” ધરતીકંપના આંચકાની અનુભૂતિ કરાવી દે એવું આ વચન ભદ્રબાહુ સ્વામીજીના મુખે સુણતા તમે ધ્રૂજી ઊઠ્યા છો.
‘ભગવંત ! કોઈ અપરાધ ?’ ‘તમારા સાધ્વીજીઓ પહેલી વાર ઉપર આવ્યા ત્યારે તમે સિંહનું રૂપ ધારણ કરીને બેસી ગયા હતા ને?'
બસ, એ જ અપરાધ. જ્ઞાન પરિણમન પામવાને બદલે જ્યારે પ્રદર્શનનું કારણ બનવા લાગે ત્યારે એ જ્ઞાન આત્માનું અહિત નોતરી દીધા વિના ન રહે. ૧૦પૂર્વ સુધીનું જ્ઞાન ભણ્યા પછી ય તમે આવી તુચ્છ પ્રદર્શનવૃત્તિના શિકાર બની ગયા? ના. હવે આગળનું અધ્યયન તો તમને નહીં જ !'
પ્રભુ! કામવિજેતા સ્થલૂભદ્રસ્વામીજીની આટલી નાનકડી પણ ક્ષતિ જો આટલી બધી ખતરનાક ગણાઈ છે તો મારા જેવા અજ્ઞ અભિમાનીની હાલત તો કર્મસત્તા કેવી કરી નાખશે? મને તું એવી મજબૂત પાચનશક્તિ આપી દે કે જ્ઞાન મારી પાસે જેટલું પણ હોય એ મને પચીને જ રહે.
૨૫