________________
પ્રસ્તાવના मथित्वा चतुरो वेदान् सर्वशास्त्राणि चैव हि । सारस्तु योगिभिः पीतः तक्रं पिबति पण्डितः ॥
જ્ઞાનસંકલિની તંત્ર, ૫૧ “ચાર વેદો અને બધાં શાસ્ત્રોનું મંથન કરીને મેળવેલા સારરૂપ માખણનો આસ્વાદ યોગીઓએ કર્યો અને પંડિતો ફક્ત છાશ પીએ છે.”
યોગ એટલે મનુષ્ય સ્વયં પોતાનો સાચો પરિચય કેળવે એ માટે પ્રાચીન સમયમાં આપણા દેશના મનીષીઓએ સ્વાનુભવથી નિપજાવેલી શાસ્ત્રીય યુક્તિ. એ યુક્તિથી માણસ પોતાને ઓળખે અને સ્વરૂપમાં રહે એ મુક્તિ. માણસનો સાચો પરિચય ફક્ત એના જાગ્રત અવસ્થાના અનુભવોને આધારે જ ન થઈ શકે. એ માટે એણે એના દૈનંદિન જીવનમાં અનુભવાતી જાગ્રત, સ્વપ્ન અને ગાઢ નિદ્રા એ ત્રણે અવસ્થાઓના બધા અનુભવોનું તટસ્થ, વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય વિશ્લેષણ કરવું જરૂરી છે. વળી, માણસ પ્રકૃતિનો એક ભાગ એની ઉત્ક્રાન્તિનું સૌથી વધુ વિકસિત એકમ છે. તેથી સમગ્ર પ્રકૃતિનાં બધાં પરિબળોનું પરિગણન તેમજ એમના બંધારણ અને કાર્યોનું ગહન, શાસ્ત્રીય અધ્યયન પણ માણસના અધ્યયનના ભાગરૂપે આપોઆપ થઈ જાય છે. આ સંકલિત કામ અતિપ્રાચીન સમયમાં વિકસેલી સાંખ્ય-યોગ-દર્શનના નામે ઓળખાતી સર્વાગપૂર્ણ વિચારપ્રણાલીના પ્રણેતાઓએ કર્યું હતું.
માણસે વર્તમાન સમય સુધીમાં શિક્ષણ, સમાજ-વ્યવસ્થા, વ્યવસાય, ધર્મ, તત્ત્વચિંતન, વૈજ્ઞાનિક અનુસંધાનો અને ઉદ્યોગોના ક્ષેત્રોમાં જે પ્રગતિ સાધી છે, એ જાણે અજાણ્યે ચિત્તની એકાગ્રતાપૂર્વક વિષયને યથાર્થપણે ગ્રહણ કરવાની શક્તિ કે યોગને આભારી છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ જણાય છે કે ભારતનાં છ પ્રાચીન દર્શનોમાં યોગનું ગૌરવપૂર્ણ સ્થાન હોવા છતાં અને બધી અભ્યાસપદ્ધતિઓમાં બધા શિષ્ટ પુરુષોએ અને આચાર્યોએ એણે ઉપદેશેલી ચિત્તશુદ્ધિ અને એકાગ્રતાની રીતોને સન્માનપૂર્વક સ્વીકારી હોવા છતાં, યોગ જાતિ, દેશ, કાળ અને સંપ્રદાયોની મર્યાદા ઓળંગીને સૌના નૈતિક ઉત્થાન, ચેતસિક સ્વાચ્ય, આધ્યાત્મિક પુનરુત્થાન તેમજ વ્યાવસાયિક સફળતા માટે બધાને સ્વીકાર્ય બની શકે એવી જીવન-પ્રણાલી બનવાની શક્યતા ધરાવે છે. આ વિષે આપણા દેશમાં અને વિદેશોમાં પણ નવજાગૃતિ આવી