________________
૩૬૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૩૯
સમાધિના બળે થાય છે. ચિત્તના પ્રચારનું જ્ઞાન પણ સમાધિથી ઉત્પન્ન થાય છે. કર્મબંધનો ક્ષય થતાં અને ચિત્તના પ્રચારનું જ્ઞાન થતાં, યોગી પોતાના શરીરમાંથી ચિત્તને બહાર કાઢીને અન્ય શરીરોમાં દાખલ કરે છે. ચિત્તની પાછળ ઇન્દ્રિયો પણ દાખલ થાય છે, જેમ મધમાખીઓનો રાજા ઊડે કે બેસે એની પાછળ મધમાખીઓ ઊડે કે બેસે એમ અન્ય શરીરમાં પ્રવેશ કરતા ચિત્તની પાછળ ઇન્દ્રિયો પણ પ્રવેશ કરે છે. ૩૮
तत्त्व वैशारदी
तदेवं ज्ञानरूपमैश्वर्यं पुरुषदर्शनान्तं संयमफलमुक्त्वा क्रियारूपमैश्वर्यं संयममफलमाह-बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरावेशः । समाधिबलादिति । बन्धकारणविषयसंयमबलात् । प्राधान्यात्समाधिग्रहणम् । प्रचरत्यनेनास्मिन्वेति प्रचारः । चित्तस्य गमागमाध्वानो नाड्यः । तस्मिन्प्रचारे संयमात्तद्वेदनम् । तस्माच्च बन्धकारणशैथिल्यान तेन प्रतिबध्यते । अप्रतिबद्धमप्युन्मार्गेण गच्छन्न स्वशरीरादप्रत्यूहं निष्क्रामति । न च परशरीरमाविशति । तस्मात्तत्प्रचारोऽपि ज्ञातव्यः । इन्द्रियाणि च चित्तानुसारीणि परशरीरे यथाधिष्ठानं निविशन्त इति ||३८||
પુરુષદર્શન પહેલાંનું જ્ઞાનરૂપ સંયમફળ કે ઐશ્વર્ય કહીને, “બંધકારણ શૈથિલ્યા” વગેરે સૂત્રથી ક્રિયારૂપ સંયમફળ કે ઐશ્વર્ય વર્ણવે છે. સંયમમાં સમાધિ મુખ્ય હોવાથી બંધકારણરૂપ કર્મની શિથિલતા સમાધિથી થાય છે, એમ સમાધિ શબ્દ પ્રયોજ્યો છે. જેના વડે કે જેની અંદર ગતિ થાય એને પ્રચાર કહે છે. નાડીઓ ચિત્તના પ્રચાર (જવા-આવવા)ના માર્ગો છે. એમાં સંયમ કરવાથી એનું જ્ઞાન થાય છે. એનાથી બંધનના કારણમાં શિથિલતા થતાં બંધનનો અભાવ થાય છે. ચિત્ત બંધાયેલું ન હોય, છતાં અવળા માર્ગે ગતિ કરે તો પોતાના શરીરમાંથી નિર્વિઘ્ને નીકળીને અન્ય શરીરમાં પ્રવેશી શકતું નથી. માટે એનો પ્રચારમાર્ગ જાણવો જરૂરી છે. ચિત્તને નિત્ય અનુસરતી ઇન્દ્રિયો પણ અન્ય શરીરમાં યોગ્ય સ્થાનોમાં પ્રવેશે છે. ૩૮
उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ॥३९॥
ઉદાનવાયુના જયથી પાણી, કીચડ અને કાંટા વગેરે સાથે સંપર્ક થતો નથી અને ઉત્ક્રાન્તિ થાય છે. ૩૯