________________
પા. ૧ સૂ. ૨૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૬૭
ઈશ્વરનું ચિત્તસત્ત્વ, પ્રધાન સાથે સામ્ય પ્રાપ્ત કર્યા પછી પણ મહાપ્રલયનો અવધિ પૂરો થયે, સંકલ્પની વાસનાના બળે પહેલાંની જેમ સજ્વભાવથી પરિણમે છે. જેમ ચૈત્ર આવતી કાલે સવારે મારે વહેલા ઊઠવું છે, એવો સંકલ્પ કરીને, એ સંકલ્પ બળથી વહેલો ઊઠે છે. આમ, ઈશ્વરનો સંકલ્પ અને સત્ત્વનો સ્વીકાર બંને અનાદિ હોવાથી શાશ્વતિક છે. તેથી અન્યોન્યાશ્રય દોષ થતો નથી.
- ઈશ્વરનું ચિત્તસત્ત્વ મહાપ્રલયમાં પણ પ્રકૃતિ સાથે સામ્ય પ્રાપ્ત કરતું નથી- એમ ન માનવું જોઈએ. પ્રધાન સાથે જેનું ક્યારે પણ સામ્ય ન થાય, એ પ્રાકૃતિક નથી. તેમજ એ ચિતિશક્તિ પણ નથી, કારણ કે ચિત્તસત્ત્વ સ્વભાવે જડ છે. આમ, એ કંઈક અપ્રામાણિક બીજી જ વસ્તુ છે, એવો દોષ આવી પડે, જે અયોગ્ય છે. કારણ કે પ્રકૃતિ અને પુરુષથી અતિરિક્ત અન્ય તત્ત્વનો અભાવ છે.
ઈશ્વરનો આવો સનાતન ઉત્કર્ષ છે. એ સકારણ કે સપ્રમાણ છે કે નિમિત્ત વિનાનો અને અપ્રામાણિક છે ? આનો ઉત્તર એ છે કે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ વગેરે શાસ્ત્ર એમાં પ્રમાણ છે. શાસ્ત્ર વિષે પૂછે છે : શાસ્ત્રનું નિમિત્ત શું છે? શાસ્ત્ર પ્રત્યક્ષ અને અનુમાનના આધારે રચાય છે. ઈશ્વરના સત્ત્વપ્રકર્ષનું કોઈને પ્રત્યક્ષ કે અનુમાનથી જ્ઞાન થતું નથી. વળી, શાસ્ત્ર ઈશ્વરના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે રચાય છે, એમ માનવું પણ યોગ્ય નથી, કારણ કે ઈશ્વર પોતાના ઐશ્વર્યના પ્રકાશ માટે એમ કરે છે, એવો દોષ કોઈ એમાં દર્શાવી શકે. આના પરિવાર માટે કહે છે કે શાસ્ત્ર પ્રકૃષ્ટ સત્ત્વ નિમિત્તવાળું છે. આનો ભાવ એ છે કે ઈશ્વરે રચેલા વેદમંત્રો અને આયુર્વેદ વિષયક અર્થોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આ કારણે લોકો વિશ્વાસપૂર્વક તે તે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. આમ એમની પ્રામાણિકતા સ્વયંસિદ્ધ છે. ઔષધોના ભેદો અને એમનાં વિવિધ મિશ્રણો, અને મંત્રોને પોતપોતાના વર્ગમાં ગોઠવવાનું અને છૂટા પાડવાનું કામ લૌકિક પ્રમાણોના આધારે કોઈ પણ મનુષ્ય હજાર જીવનો જેટલા લાંબા સમયમાં કરવા સમર્થ નથી. એમાં રહેલા ભેદાભેદનું જ્ઞાન આગમથી અને આગમનું જ્ઞાન ભેદાભેદના જ્ઞાનથી એમ અનાદિકાળથી ચાલ્યા આવતા પરસ્પરાશ્રયને કારણે સિદ્ધ થશે, અને આમ વેદમંત્રો અને આયુર્વેદનો વ્યવહાર સિદ્ધ થશે, એમ કહી શકાય નહીં, કારણ કે મહાપ્રલયમાં એ બેના અન્યોન્યાશ્રયની પરંપરા પણ નષ્ટ થાય છે.
વળી, એમની હયાતિમાં પ્રમાણ નથી, એમ ન કહેવાય. જગત પ્રધાનનું તેના જેવું પ્રમાણ છે, એ વાત આગળ કહેવાશે. દૂધમાંથી દહીં અને શેરડીના રસમાંથી ગોળ જેવાં અસમાન પરિણામ જોવા મળે છે, એથી ઊલટું, કારણના જેવા ગુણવાળાં કાર્ય પણ જોવામાં આવે છે. આમ પ્રધાન મહત, અહંકાર વગેરે રૂપ વિસદેશ (અસમાન) પરિણામ નિપજાવે છે, અને ક્યારેક સદશ પરિણામ પણ