________________
વાણીનો સિદ્ધાંત
૭૦
વાણીનો સિદ્ધાંત
અમને ભૂલચૂક દેખાય કે આમાં શું વાગ્યું. આ ટેપમાં શું ભૂલચૂક થાય છે, એ દેખાય.
પ્રશ્નકર્તા : પણ એ તમે સુધારો નહીં ? દાદાશ્રી : એ સુધરે જ નહીં ને ! પ્રશ્નકર્તા : એટલે જે ટેપ થયેલી છે એ જ આવે.
દાદાશ્રી : હા. અને એ તો મારે એકલાને નહીં. બધાયને એવું જ છે. બ્લિડિંગ ઊંધું થાય ને, એટલે વકીલે ય કહે કે “તમારું નસીબ ફૂટલું છે એટલે એવું બોલાયું.’ પણ ટેપ થયેલી એવું જ બોલાય છે. એ મારા ભાગ્ય પ્રમાણે તારી ટેપરેકર્ડ નીકળે. અને બીજાના કેસમાં બીજાના ભાગ્ય પ્રમાણે તારી ટેપ નીકળે. ના સમજાયું તને ?
પ્રશ્નકર્તા : એને આપે ‘વ્યવસ્થિત’ છે, એમ કહ્યું ને ? દાદાશ્રી : સૂક્ષ્મ થઈ ગયેલું છે, હવે સ્થૂળ થવાનું બાકી છે. પ્રશ્નકર્તા : એ સ્થૂળ થતી વખતે આપનું જ્ઞાન શું કામ કરે ?
દાદાશ્રી : આ આજના જ્ઞાનથી એ કચાશ નહીં કંઈ હોય તો ખબર પડી જાય કે અહીં કચાશ છે.
સૂર એક, પણ તાલ જુદા ! પ્રશ્નકર્તા: એક જ ઘરમાં પાંચ-દસ જણ રહેતા હોય. તો ય આ ટેપ જુદી જુદી કેમ થતી હશે ? કેવી રીતે થતી હશે ?
દાદાશ્રી : માણસો જુદા છે, માટે વાણી જુદી જુદી જાતની છે. જેટલા માણસ છે, એટલી જાતની વાણી હોય. કોઈની વાણી કોઈને મળતી ના આવે. કોઈ બીજો બોલતો હોય તો કોઈ એમ ના કહી શકે કે ‘આ ચંદુભાઈ બોલ્યા !”
પ્રશ્નકર્તા : પણ ‘ચંદુભાઈ જેવી છે' એવું કહે ! દાદાશ્રી : હા “જેવી છે' એવી મળે. પણ કોઈની વાણી મળતી ના
આવે, દેહનો આકારે ય મળતો ના આવે.
પ્રશ્નકર્તા : પણ બીજા ભવમાં તમારા જેવી જ વાણી થાય ને ?
દાદાશ્રી : મારા જેવી એટલે વાણીનો સૂર એક જ જાતનો આવે. પણ કંઈ આ તાલ ના આવે.
પ્રશ્નકર્તા : એ તાલ અમારે તમારા જેવો જોઈએ છે.
દાદાશ્રી : ના, એવો ના બેસે. એ તો મારે ફરી બેસાડવો હોય તો ય ના બેસે, બીજા અવતારમાં ય ના બેસે.
વાણીને સાંભળતારો કોણ ? પ્રશ્નકર્તા: વાણી સંભળાય છે, તે સાંભળનાર કોણ ? શબ્દ કાને પડતાં તેના શબ્દાર્થથી માંડીને ભાવાર્થ કે પરમાર્થ સુધી તે જ ક્ષણે બધા ફોડ પડી જાય છે, તે કેવી રીતે ? ત્યારે મૂળ આત્મા તો પ્રકાશક રૂપે રહે છે, તો પછી વચ્ચે કઈ મિકેનિઝમથી મહીં ફોડ પડે છે ?
દાદાશ્રી : વાણી સંભળાય છે. તે સાંભળનાર કોણ ? એ અહંકાર. સાંભળનાર કોણ, એટલું જ જાણવાની જરૂર. સાંભળનારો એ અહંકાર. બીજું બધું જેટલું પછી આગળ લંબાવો, એ બધું અહંકારને ત્યાં પહોંચે. એવું ના સમજાય ?
પ્રશ્નકર્તા : સમજાયું.
દાદાશ્રી : એ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, સૂક્ષ્મતર હોય, સૂક્ષ્મતમ હોય. એટલે સંભળાય છે, તે મશીનરી જુદી છે. વાણી બોલે છે, તે ટેપરેકર્ડ જુદી છે. આ સંભળાવનારી મશીનરી છે. બધાનો માલિક એક અહંકાર છે, બસ !
પ્રશ્નકર્તા : પણ એ અહંકાર તો એમ અહંકાર જ કરે છે ને, કે મેં સાંભળ્યું, હું બોલ્યો ?
દાદાશ્રી : એ જ અહંકાર ને !