________________
સંપાદકીય
અનાદિ કાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે જેવાં કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી આત્મધર્મમાં સ્થિર કરે છે. અને કાળક્રમે મૂળ પુરુષની ગેર હાજરી થવાથી દુનિયામાં ધીરે ધીરે મતભેદ પડી જઈ ધર્મમાં વાડા-સંપ્રદાયો બની જાય છે. તેનાં પરિણામે સુખ-શાંતિ ગુમાવતા જાય છે.
ધર્મમાં મારા-તારીના ઝઘડા થાય છે. તે દૂર કરવા નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. આ ત્રિમંત્રોનો મૂળ અર્થ જો સમજીએ તો એમાં કોઈ વ્યક્તિને કે સંપ્રદાયને કે કોઈ પંથને લાગુ પડતું નથી. આત્મજ્ઞાનીથી લઈને ઠેઠ કેવળજ્ઞાની અને નિર્વાણ પામીને મોક્ષ ગતિને પામ્યા છે એવાં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યાં છે અને જે નમસ્કાર કરવાથી સંસારના વિઘ્નો દૂર થાય, અડચણોમાં શાંતિ રહે અને મોક્ષના ધ્યેય પ્રતિ લક્ષ બંધાય.
કૃષ્ણ ભગવાન આખી જીંદગીમાં બોલ્યા નથી કે હું વૈષ્ણવ છું કે મારો વૈષ્ણવ ધર્મ છે. મહાવીર ભગવાન આખી જીંદગી બોલ્યા નથી કે હું જૈન છું કે મારો જૈન ધર્મ છે. ભગવાન રામચંદ્રજી ક્યારેય બોલ્યા નથી કે મારો સનાતન ધર્મ છે. બધાએ આત્માને ઓળથીને મોક્ષે જવાની જ વાત કરી છે. જેમ કે ગીતામાં કૃષ્ણ ભગવાને, આગમમાં તીર્થંકરોએ અને યોગવશિષ્ટમાં રામચંદ્રજીને વશિષ્ટ મુનિએ આત્મા ઓળખવાની જ વાત કરી છે. જીવ એટલે અજ્ઞાન દશા. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી એ જ જીવમાંથી શિવ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કોઈ વ્યક્તિની વાત નથી.
આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને નિષ્પક્ષપાતી ત્રિમંત્રો આપ્યા. જે સવાર-સાંજ પાંચ-પાંચ વખત ઉપયોગપૂર્વક બોલજો કહ્યું. તેથી સંસારી કાર્યો શાંતિપૂર્વક થશે. અને બહુ અડચણ હોય ત્યારે કલાકકલાક બોલજો. તો મુશ્કેલીઓ શૂળીનો ઘા સોયે સરી જશે.
નિષ્પક્ષપાતી ત્રિમંત્રનો શબ્દાર્થ, ભાવાર્થ તેમજ કઈ રીતે હિતકારી છે તે સર્વ પ્રશ્નોત્તરી દ્વારા દાદાશ્રીએ સમાધાન આપ્યું છે. તે સર્વ વિગતો પ્રસ્તુત પુસ્તિકામાં સંકલન થઈ છે. આ ત્રિમંત્રોની આરાધના કરવાથી પ્રત્યેકના જીવનના વિઘ્નો દૂર થાય. તેમજ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય.
- ડૉ. નીરુબેન અમીન
८
ત્રિમંત્ર
રહસ્ય ત્રિમંત્ર ભેળાં તણાં !
પ્રશ્નકર્તા : ત્રણ જાતના મંત્રો, એક જૈનનો મંત્ર, એક વૈષ્ણવનો મંત્ર, એક શિવધર્મનો મંત્ર એ ભેગુ થવાનો શું હેતુ છે ? શું રહસ્ય છે ?
દાદાશ્રી : ભગવાન નિષ્પક્ષપાતી હોય છે. ભગવાનને વૈષ્ણવ સાથે કે શિવ સાથે કે જૈન સાથે કંઈ લેવાદેવા નથી. વીતરાગોને ત્યાં પક્ષાપક્ષી ના હોય. પક્ષવાળા જે છે, એ ‘આ તમારો ને આ અમારો’ એવાં ભેદ પાડે. ‘અમારો' જે બોલે છેને, તે બીજાને ‘તમારો’ કહે છે. તે અમારો-તમારો ત્યાં રાગ-દ્વેષ, એ વીતરાગનો માર્ગ હોય. જ્યાં અમારો-તમારો ભેદ પડ્યો છે તે વીતરાગનો માર્ગ હોય. વીતરાગનો માર્ગ ભેદાભેદથી રહિત હોય. તમને સમજાય છે ?
ત્રિમંત્રથી પ્રાપ્ય પૂર્ણ ફળ !
પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રો છે એ બધા માટે છે ? અને બધા માટે છે તો શા માટે ?
દાદાશ્રી : બધા માટે છે આ તો. જેને પાપ ધોવાં હોય ને, એને માટે સારું છે ને પાપ ધોવાં ના હોય તો તેને માટે નથી.
પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રમાં નવકારમંત્ર, વાસુદેવ અને શિવ, આ ત્રણેય મંત્રોને જોડે મૂકવાનું શું પ્રયોજન છે ?