________________
માનવધર્મ
ઉછીતા પૈસા ન ચૂકવે તો ?
અત્યારે દસ હજાર આપણને આપ્યા હોય અને પાછાં ના આપીએ, તે ઘડીએ આપણા મનમાં વિચાર થાય કે ‘મેં કોઈને આપ્યા હોય ને એ ના આપે તો મને કેટલું દુ:ખ થાય ?! માટે એને વહેલી તકે આપી દેવા.’ આપણા હાથમાં રાખવું નહીં. માનવધર્મ એટલે શું ? જે દુઃખ આપણને થાય છે તે દુઃખ એને થાય જ. પણ માનવધર્મ દરેકનો જુદો જુદો હોય. જેટલું ડેવલપમેન્ટ હોય એવો એનો માનવધર્મ હોય. માનવધર્મ એક પ્રકારનો
ના હોય.
કોઈને દુઃખ આપતી વખતે મનમાં એમ થાય કે મને દુઃખ આપે તો શું થાય ? એટલે દુઃખ આપવાનું બંધ કરી દે એ માનવતા.
ઘરે મહેમાત આવે ત્યારે...
કોઈને ઘેર મહેમાન થયા હોય તે સામાનો વિચાર કરવો જોઈએ કે
આપણે ઘેર પંદર દિવસ મહેમાન રહે તો કેવું થાય ? સામાને બોજારૂપ ના થવું. બે દિવસ રહીને બહાનું કાઢીને હોટલમાં જતા રહેવું.
લોકો પોતાના જ સુખમાં રહ્યા છે. બીજાને સુખ થાય તો મને સુખ થાય, એવી બધી વાત જ છૂટી જવા માંડી છે. બીજાના સુખે સુખી છું એવું બધું ઊડી ગયું આપણે ત્યાં અને પોતાના સુખમાં જ કે મને ચા મળી એટલે ચાલ્યું, કહેશે.
તમારે બીજી જવાબદારીઓની જરૂર નથી. કંદમૂળ ખાવા નહીં એ તો તમારે ના જાણો તો ચાલશે. પણ આટલું જાણો તો બહુ થઈ ગયું. તમને જે દુઃખ થાય છે એવું દુઃખ કોઈને ના થાય એવી રીતે રહેવું. એને માનવધર્મ કહેવામાં આવે છે. એટલો જ ધર્મ પાળે તો બહુ થઈ ગયું. અત્યારે આવા કળિયુગમાં માનવધર્મ પાળતા હોય, તેને મોક્ષના માટે સિક્કો મારી આપવો પડે. હવે સારા કાળમાં માનવધર્મ પાળે તેને આટલું ના ચાલે. આ તો અત્યારે ઓછા ટકાએ પાસ કરી દેવાના. હું શું કહેવા માગું છું તે સમજાય છે ? એટલે પાપ શેમાં અને પાપ શેમાં નહીં ? તે સમજી જાવ.
માનવધર્મ
બીજે દ્રષ્ટિ બગાડી, ત્યાં માતવધર્મ ચૂક્યો !
પછી એથી આગળ માનવધર્મ એટલે શું કે સ્ત્રીને જોઈને આકર્ષણ થાય કે તરત જ વિચારે કે મારી બેનની ઉપર કોઈની નજર ખરાબ થાય તો શું થાય ? મને દુઃખ થાય. એમ વિચારે એનું નામ માનવધર્મ. માટે મારે ખરાબ નજરથી ન જોવું જોઈએ. એવો પસ્તાવો લે. એનું આવું ડેવલપમેન્ટ હોવું જોઈએ ને !
માનવતા એટલે શું ? પોતાની સ્ત્રી ઉપર કોઈ દ્રષ્ટિ બગાડે તો પોતાને ન ગમે, તો એવી સામાની સ્ત્રી પર દ્રષ્ટિ ન કરે, પોતાની છોડીઓ ઉપર કોઈ દ્રષ્ટિ બગાડે તો પોતાને ન ગમે, તો એવી સામાની છોડીઓ પર દ્રષ્ટિ ન કરે. કારણ કે પોતાને ખ્યાલ આવવો જ જોઈએ કે હું કો'કની છોકરી પર દ્રષ્ટિ કરું છું તો કો'ક મારી છોકરી પર કરશે જ. એવો ખ્યાલ રહેવો જ જોઈએ તો એ માનવધર્મ કહેવાય.
માનવધર્મ એટલે જે આપણને ગમતું નથી, એ બીજા જોડે ન કરવું. આપણને પોતાને નથી પસંદ તે લોકો સાથે ક્યારેય પણ ન કરવું, એનું નામ માનવધર્મ, માનવધર્મ લિમિટેડ છે. લિમિટની બહાર નથી. પણ એટલું જ જો એ કરે તો ઘણું થઈ ગયું.
આ પરસ્ત્રી હોય અને પોતાની સ્ત્રી હોય, તો ભગવાને કહ્યું કે ભઈ, તું પૈણ્યો છું એ જગતે એક્સેપ્ટ કર્યુ છે, તારા સાસરીવાળાએ એક્સેપ્ટ કર્યુ છે, તારા કુટુંબીઓ એક્સેપ્ટ કરે છે, ગામવાળા એક્સેપ્ટ કરે છે. સાથે લઈને સિનેમામાં જઈએ તો કોઈ આંગળીઓ કરે ? અને પારકીને લઈને જઈએ તો ?
પ્રશ્નકર્તા : અમેરિકામાં એનો વાંધો નથી હોતો.
દાદાશ્રી : અમેરિકામાં વાંધો નહીં, પણ હિન્દુસ્તાનને માટે વાંધો હોય છે ને ? આ વાત કરેક્ટ છે પણ ત્યાંના લોકો નહીં સમજે, પણ આપણે જે દેશમાં જન્મ્યા છીએ, ત્યાં વાંધો ઉઠાવે છે ને ! તે વાંધો એ જ ગુનો છે. અમેરિકામાં, ત્યાં વાંધો નથી ત્યારે. ત્યાં બહુ જાનવરમાં જવાનું હોતું નથી.