________________
દાન
૨૦
દાન
પ્રશ્નકર્તા : તો ઊગે નહીં.
દાદાશ્રી : એવું આ બધું. એટલે આપવાનું. આ પડઘો જ પડશે, પાછું આવશે, અનેકગણું થઈને. ગયે અવતારે આપેલું તેથી તો અમેરિકા અવાયું, નહીં તો અમેરિકા આવવાનું સહેલું છે કંઈ ?! કેટલાં પુણ્ય કર્યા હોય ત્યારે આ પ્લેનમાં બેસવાનું મળે છે, કેટલાંય લોકોએ પ્લેન તો જોયું ય નથી !
લક્ષ્મી ત્યાં જ પાછી આવે ! તમારું ઘર પહેલાં શ્રીમંત હતુંને ? પ્રશ્નકર્તા : એવાં બધાં પૂર્વકર્મના પુણ્ય !
દાદાશ્રી : કેટલું બધું લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે, નહીં તો લક્ષ્મી આવે નહીંને ! જેને લઈ લેવાય એવી ઇચ્છા છે, એની પાસે લક્ષ્મી આવે નહીં. આવે તો જતી રહે, ઊભી ના રહે. જેમ તેમ કરીને લઈ લેવું છે, એને ત્યાં લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે, છેતરાય, નોબિલીટી વાપરે ત્યાં આવે. આમ જતી રહેલી લાગે ખરી પણ આવીને પાછી ત્યાં ઊભી રહે.
જો જો, દાત રહી ન જાય ! એ તો આવે ત્યારે જ અપાયને ! અને કાંઈ ના હોય ત્યારે મનમાં શું વિચારે, જાણો છો ? જ્યારે મારે આવે ત્યારે આપી દેવા છે. અને આવે ત્યારે પડીકું બાજુએ મેલી દે ! નહીં તો મનુષ્ય મનનો સ્વભાવ કેવો કે થાય છે હમણાં, હમણાં દોઢ લાખ છે, બે લાખ પૂરા થાય પછી આપીશું. એ એમ ને એમ પેલું રહી જાય પછી ! આવાં કામમાં તો આંખો મીંચીને આપી દીધેલું તે સોનું.
પ્રશ્નકર્તા : બે લાખ થાય તંયે (ત્યારે) વાપરીશું, એમ કહેવાવાળો માણસ એમ ને એમ કરતાં કરતાં વયો જાય (જતો રહે) તો ?
દાદાશ્રી : એ વહી જાય ને રહી જાય પણ. રહી જાય ને કશું વળે નહીં. જીવનો સ્વભાવ જ આવો. પછી ના હોય ત્યારે કહેશે, ‘મારી પાસે આવે ને તરત આપી દેવા છે. આવે કે તરત આપી દેવા છે. હવે આવે ત્યારે આ માયા મૂંઝવી નાખે.
હમણાં છે તે કોઈ માણસે સાઠ હજાર રૂપિયા ના આપ્યા ત્યારે કહેશે, ચાલશે હવે, હેંડો કંઈક છે આપણા નસીબમાં નહોતા. પણે છૂટે પણ અહીં ના છૂટે, મનુષ્યનો સ્વભાવ એવો માયા મૂંઝવે એને. એ તો હિંમત કરે તો જ અપાય. તેથી અમે આવું કહીને કે કંઈ કર. તે માયા મુંઝવે નહીં પછી. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. તેય એક આંગળીનો ટેકો આપવાની જરૂર છે, સહુ સહુના ગજા પ્રમાણે. માંદા માણસેય આમ હાથ અડાડવામાં શું વાંધો છે ?
સાચો દાતાર ! કોઈ દહાડોય ખૂટે નહીં, એનું નામ લક્ષ્મી ! પાવડથી ખોપી ખોપીને ધર્માદા કર કર કરે, તોય ના ખૂટે એનું નામ લક્ષ્મી કહેવાય. આ તો ધર્માદા કરે તે બાર મહિને બે દહાડા આપ્યા હોય, એને લક્ષ્મી કહેવાય જ નહીં. એક દાતાર શેઠ હતા. હવે દાતાર નામ કેમ પડ્યું કે એમને ત્યાં સાત પેઢીથી ધન આપ્યા જ કરતા હતા. પાવડેથી ખોપીને જ આપે. તે જે આવ્યો તેને, આજ ફલાણો આવ્યો કે મારે છોડી પૈણાવવી છે, તો તેને આપ્યા, કો’ક બ્રાહ્મણ આવ્યો તેને આપ્યા. કોકને બે હજારની જરૂર છે તેને આપ્યા. સાધુ-સંતોને માટે, જગ્યા બાંધેલી ત્યાં બધા સાધુ-સંતોને જમવાનું, એટલે દાન તો જબરજસ્ત ચાલતું હતું, તેથી દાતાર કહેવાયા ! અમે આ જોયેલું બધું. દરેકને આપ આપ કરે તેમ નાણું વધ વધ કરે.
નાણાંનો સ્વભાવ કેવો છે ? જો કદી સારી જગ્યાએ દાનમાં જાય તો પાર વગરનું વધે. એવો નાણાનો સ્વભાવ છે. અને જો ગજવાં કાપે તો તમારે ઘેર કશું નહીં રહે. આ બધા વેપારીને આપણે ભેગા કરીએ અને પૂછીએ કે ભઈ, કેમનું છે તારે ? બેન્કમાં બે હજાર તો હશેને ? ત્યારે