________________
પ્રશ્નકર્તા : દુઃખ આપનારને ભોગવવું તો પડશે જ ને ?
દાદાશ્રી : પછી એ ભોગવે તે દહાડે એની ભૂલ ગણાશે. પણ આજે તમારી ભૂલ પકડાઈ.
ભૂલ બાપતી કે બેટાતી ? એક બાપ છે, એનો છોકરો રાત્રે બે વાગે આવે. આમ પચાસ લાખની પાર્ટી, એકનો એક છોકરો ! બાપ છે તે રાહ જોઈને બેઠો હોય કે ભઈ આવ્યો કે નથી આવ્યો ?! ને ભઈ આવે ત્યારે લથડીયા ખાતો ખાતો ઘરમાં પેસે. તે બાપ પાંચ-સાત વખત કહેવા ગયાને, તે ચોપડેલી. એટલે આવતાં રહેલાં. પછી આપણા જેવાં કહેને, મેલોને પૈડ. મૂઆને પડી રહેવા દોને ! તમે તમારે સૂઈ જાવને નિરાંતે. ‘છોકરો તો મારો ને !” કહેશે. લે ! જાણે એની સોડમાંથી ના નીકળ્યો હોય ?!
એટલે પેલો આવીને સૂઈ જાય. પછી મેં એમને પૂછયું, ‘છોકરો ઊંઘી જાય છે, પછી તમે ઊંધી જાવ છો કે નહીં ?” ત્યારે કહે, “મને શી રીતે ઊંઘ આવે ?! આ ઢોંગરો દારૂ પીને આવીને, ઊંઘી જાય અને હું તો કંઈ ઢોંગરો છું ?” મેં કહ્યું, ‘એ તો ડાહ્યો છે !” જો આ ડાહ્યા દુઃખ પામે છે ! તે પછી મેં એમને કહ્યું, “ભોગવે એની ભૂલ. એ ભોગવે છે કે તમે ભોગવો છો ?” ત્યારે કહે, ‘એ ભોગવું છું તો હું ! આખી રાત ઉજાગરો....” કહ્યું, “એની ભૂલ નથી. આ તમારી ભૂલ છે. તમે ગયા અવતારે ફટવ્યો છે, તેનું ફળ આ મળે છે. તમે ફટવેલોને, તે આ માલ તમને આપવા આવ્યો છે.” આ બીજા ત્રણ દીકરા સારા છે, એનો આનંદ તું કેમ નથી લેતો ? બધી આપણી જ ઊભી કરેલી મુશ્કેલીઓ છે. સમજવા જેવું છે આ જગત !
આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછયું, ‘અલ્યા, તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું ?” છોકરો કહે, ‘મને શેનું દુઃખ ? બાપ કમાઈને બેઠા છે. એમાં મારે શેની ચિંતા ! હું તો મઝા કરું છું.'
એટલે આ બાપ-દીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ ! ભોગવે તેની ભૂલ. આ છોકરો જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય, એમાં એના ભાઈઓ નિરાંતે ઊંઘી ગયા છે ને ! એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ! અને અક્કરમી આ ડોસો એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? ત્યારે કહે, આ ડોસાએ આ છોકરાને પૂર્વભવમાં ફટવેલો. તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડ્યા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે અને છોકરો એની ભૂલ ભોગવશે, ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે, એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ ગયો !
પછી એ બાપને કહ્યું, હવે એને સવળું થાય એવો રસ્તો આપણે કર્યા કરવો. એને કેમ ફાયદો થાય, નુકસાન ના થાય એવો ફાયદો કર્યા કરવાનો. માનસિક ઉપાધિ નહીં કરવી. દૈહિક કામ એને માટે ધક્કા ખાવા, બધું કરવું. પૈસા આપણી પાસે હોય તો આપી છૂટવા, પણ માનસિકને સંભારવું નહીં.
નહીં તો ય આપણે ત્યાં તો કાયદો શો છે ? ભોગવે તેની ભૂલ છે. દીકરો દારૂ પીને આવ્યો ને નિરાંતે સૂઈ ગયો હોય ને તમને આખી રાત ઊંઘ ના આવે ત્યારે તમે મને કહો કે આ ઢોંગરાની પેઠે સૂઈ રહ્યો છે. અરે, તમે ભોગવો છો તે તમારી ભૂલ છે, એવું હું કહી આપું. એ ભોગવે ત્યારે એની ભૂલ.
પ્રશ્નકર્તા : મા-બાપ ભૂલ ભોગવે છે, એ તો મમતા અને જવાબદારી સાથે ભોગવે છે ને ?
દાદાશ્રી : એકલી મમતા ને જવાબદારી જ નહીં, પણ મુખ્ય કારણ ભૂલ એમની છે. મમતા સિવાય બીજાં પણ અનેક કૉઝીઝ હોય છે. પણ તું ભોગવું છું, માટે તારી ભૂલ છે. માટે કોઈનો દોષ કાઢીશ નહીં. નહીં તો આવતે ભવનો પાછો ફરી હિસાબ બંધાશે !
એટલે બેનાં કાયદા જુદુંજુદાં છે. કુદરતના કાયદાને માન્ય કરશો