________________
કુદરતી કાયદો : ‘ભોગવે તેતી ભૂલ'
ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઇને, વકીલને ય પૂછવાની જરૂર નથી. આ કોઇનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે કયારેક પણ ચોરી કરી હશે તે આજે પકડાયા, માટે તે ચોર. ને પેલો તો જયારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.
ભોગવે એની ભૂલ એ ‘ગુપ્ત તત્વ’ કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જયાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત ‘જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે જેમ છે તેમ હોય. આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઇએ.
કોઇ બાપો ય ઉપરી નથી, કોઇ વઢનાર નથી. પણ આ તો તારી ગાંઠો જ તારી ઉપરી છે. ભૂલ બીજા કોઇની ય નથી. ભોગવે એની જ ભૂલ છે.
ડૉક્ટરે દર્દીને ઇન્જેકશન આપ્યું પછી ડૉક્ટર ઘેર જઇને નિરાંતે ઊંઘી ગયો. ને પેલાને તો ઇન્જેકશન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની. ને ડૉક્ટર તો જયારે એની ભૂલ ભોગવશે ત્યારે એની
૧૫૮
આપ્તવાણી-૨
ભૂલ પકડાશે.
બે પ્રકારની ભાષા છે : એક ‘ભ્રાંતિ ભાષા’ અને બીજી ‘વીતરાગ ભાષા.' વીતરાગની ભાષામાં ભોગવે એની જ ભૂલ.
એક બાઇ મુંબઇના બસ-સ્ટેન્ડ ઉપર ઊભી હતી. તે બસ-સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઇ ગુનો કહેવાય ? એટલામાં એક બસ આવી ને સ્ટેન્ડ ઉપર ચઢી ગઇ તેણે સ્ટેન્ડ ભાંગી નાખ્યું અને બાઇને ય કચડી નાખી ! ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઇ ગયું. આ લોકોને કહીએ કે “આનો, ન્યાય કરો.’ તો એ લોકો કહેશે કે, ‘બિચારી, આ બાઇ વગર ગુને મરી ગઇ. આમાં બાઇનો શો ગુનો ? આ ડ્રાઇવર નાલાયક છે. બાઇ બિચારી વગર ગુને મરી ગઇ, માટે ભગવાન જેવી કાંઇ વસ્તુ જ આ સંસારમાં
નથી લાગતી.'
લ્યો, આ લોકોએ આવું તારણ કાઢયું! પણ અમે શું કહ્યું, ‘ભોગવે એની ભૂલ.’ ભગવાન તો છે જ. અલ્યા, આ ભગવાન ન હોત તો રહ્યું શું આ જગતમાં ? આ લોક તો શું જાણે કે આ ભગવાનનું ચલણ રહ્યું નથી. તે લોકોની ભગવાન ઉપરથી ય આસ્થા ઊડી જાય. અલ્યા એવું નથી. આ બધા તો ચાલુ હિસાબ છે, આ એક અવતારના નથી. આજે એ બાઇની ભૂલ પકડાઇ તેથી ભોગવવું પડયું.
આ કળિયુગમાં એસિડન્ટ અને ઇન્સિડન્ટ એવા હોય છે તે માણસ મૂંઝાઇ જાય છે. એકિસડન્ટ એટલે શું ? કે ‘ટુ મેની કોઝીઝ એટ એ ટાઇમ’ અને ઇન્સિડન્ટ એટલે શું ? કે સો મેની કોઝીઝ એટ એ ટાઇમ.’ તેથી જ અમે શું કહીએ છીએ કે ‘ભોગવે તેની ભૂલ’ અને પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ સમજાશે.
એક ડોસા મને કહે, ‘મને બહુ દુઃખ ભોગવવાનું આવ્યું છે.'
મેં પૂછ્યું, ‘કેમ કાકા, શું થયું છે ?’
એ ભાઈ કહે, ‘મારો છોકરો બહુ ખરાબ થઇ ગયો છે.’