________________
પ્રકાશકીય કલમે...
|
વર્તમાન શાસન નાયક મહાવીર ભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં કળિકાળ સર્વજ્ઞ એવા શ્રી કુંદકુંદાચાર્યદેવ બે હજાર વર્ષ પૂર્વે થયા. તેઓશ્રીએ વર્તમાન મહાવિદેહક્ષેત્રે બિરાજમાન શ્રી સીમંધર ભગવાનની સુખાનંદથી વહેતી દિવ્ય દેશનાને પ્રત્યક્ષ સદેહે ત્યાં જઈ સાક્ષાત મૂર્તિમંત કરીને ભરતક્ષેત્રમાં લાવીને દ્વિતીય શ્રુતસ્કંધમાંના સમયસાર આદિ પંચપરમાગમોની રચના કરી.
ત્યારબાદ એક હજાર વર્ષ પૂર્વે આ કાળના હાલતા ચાલતા સિદ્ધ એવા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ થયા. તેમણે સમયસાર આદિ અનેક શાસ્ત્રોની ટીકા કરી.
આ પરંપરામાં મોક્ષમાર્ગ પ્રાયઃ લોપ જેવો જ થઈ ગયેલો. મિથ્યાત્વ ગળાડૂબ થઈને તેનું એક છત્ર રાજ શરૂ થયેલું, તેવામાં જ જૈનશાસનમાં એક આધ્યાત્મિક મહાપુરુષ, આત્મજ્ઞસંત, નિષ્કારણ કરુણાના સાગર ને ભાવિ તિર્થાધિરાજ એવા નિર્ભય-નિડર ને નિશંક સિંહપુરુષ પ.પૂ.શ્રી કાનજીસ્વામીનો જન્મ થયો. તે પુરુષે આચાર્યોના હૃદયમાં પેસીને ચારે પડખેથી શાસ્ત્રોનો નિચોડ કાઢીને, પરમાગમના રહસ્યોને પોતાની પ્રજ્ઞાથી આત્મસાત કરીને, ભવ્યજીવોના શ્રેયાર્થે ૪૫ વર્ષ સુધી અતૂટધારાથી દેશનાની શૃંખલા વરસાવીને, અસંખ્ય જીવોને આધ્યાત્મિક વાતાવરણમાં તરબોળ કરી દીધા. ઘણાં જીવોએ પૂ.ગુરુદેવશ્રીના નિમિત્તે પોતાના આત્મસ્વરૂપને સમજી ને આત્મસાત્ કર્યું.
પૂ.ગુરુદેવશ્રીના ૪૫ વર્ષના સોનગઢના સુવર્ણકાળ દરમ્યાન અનેક શિષ્યરત્નો થયા. તેમાંના એક પ્રમુખ શિષ્યરત્ન એવા આદરણીય પૂ. ‘ભાઈશ્રી લાલચંદભાઈ થયા. તેમણે ઘણો સમય સોનગઢ પૂ.ગુરુદેવશ્રીની નિશ્રામાં રહી, આચાર્ય ભગવંતોના મૂળ તાત્ત્વિક રહસ્યોને પોતાના જ્ઞાનસરોવરના પ્રકાશ સાથે મેળવી ને આચાર્ય ભગવાન તથા પૂ.ગુરુદેવશ્રીએ જે રીતે શુદ્ધાત્માનું રહસ્ય ચારે પડખેથી વિસ્તૃત કરેલ છે તેને બરાબર અવધારીને છઠ્ઠી ગાથાના નિમિત્તે પોતાના શુદ્ધાત્માનો સ્પર્શ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખી લીધો.